Surat Demolition News: સુરતના વેડ દરવાજા વિસ્તારમાં આવેલા નાસીરનગરમાં એક એવી ઘટના બની જેણે સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચાવી દીધો છે. એક દિવસ અચાનક તંત્રનો કાફલો અને પોલીસ બંદોબસ્ત નાસીરનગર પહોંચ્યો અને100 થી વધુ કાચા-પાકા મકાનો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યા. 50 વર્ષથી અહીં રહેતા પરિવારો એક ઝાટકે ઘરવિહોણા થઈ ગયા, જ્યારે તેમને કોઈ પણ પ્રકારની અગાઉથી નોટિસ પણ આપવામાં આવી ન હતી.
તંત્રની છટકબારી
આશ્ચર્યની વાત તો એ છે કે, જે ડિમોલિશન માટે પોલીસ બંદોબસ્ત અને મનપાના અધિકારીઓની હાજરી હતી, તે ડિમોલિશનની જવાબદારી સ્વીકારવા પાલિકા તંત્ર તૈયાર નથી. સુરત મહાનગરપાલિકાના અધિકારીઓએ હાથ ખંખેરતા દાવો કર્યો છે કે, "અમે તો માત્ર લાઈન દોરી માટે ગયા હતા, ડિમોલિશન તો અમે કર્યું જ નથી!" પાલિકાની આ છટકબારીએ અનેક સવાલો ઊભા કર્યા છે કે જો પાલિકાએ ડિમોલિશન નથી કર્યું, તો કોના ઈશારે અને કોણે આટલી મોટી સંખ્યામાં મકાનો તોડી પાડ્યા?
બિલ્ડર કનેક્શન
તપાસ દરમિયાન આ ચોંકાવનારા ડિમોલિશન પાછળ બિલ્ડર લોબીનું ષડયંત્ર હોવાના આક્ષેપો થયા છે. અસરગ્રસ્તોનો આરોપ છે કે, નાસીરનગરની બાજુમાં ચાલી રહેલા એક બાંધકામ પ્રોજેક્ટ માટે રસ્તો જરૂરી હતો. આ પ્રોજેક્ટને મંજૂરી મેળવવા માટે 'એન્ટ્રી અને એક્ઝિટ' ક્લિયરન્સ માટે મકાનો તોડી પાડવા અનિવાર્ય હતા, જે માટે બિલ્ડરે તંત્રના કેટલાક અધિકારીઓ સાથે મિલિભગત કરી આ 'ભૂતિયા' ડિમોલિશન કરાવ્યું છે.
રાજકીય ગરમાવો
આ મુદ્દે ધારાસભ્ય વિનુભાઈ મોરડિયાએ પણ અધિકારીઓ સામે કડક વલણ અપનાવતા તપાસની માગ કરી છે. કોંગ્રેસના નેતા ડૉ. તુષાર ચૌધરીએ મુખ્યમંત્રીને પત્ર લખી તટસ્થ તપાસની માગ કરી છે. આ દરમિયાન બિલ્ડર સંજય લાખાણી સાથે જોડાયેલો એક વીડિયો વાયરલ થયો, જેમાં જમીન માલિક વૃદ્ધા ગલુબેન કહે છે કે આ જમીન તેમણે દાનમાં આપી છે. પરંતુ, આ વીડિયોમાં રહેલા 'રિટેક' અને વીડિયો બાદ વૃદ્ધાનો ફોન બંધ થઈ જવો, તે બળજબરીથી વીડિયો બનાવડાવ્યો હોવાની શંકાને બળ આપે છે.
વર્તમાન સ્થિતિ
હાલમાં, સુરત મનપા કમિશનરે 6 સભ્યોની તપાસ સમિતિ રચી છે, પરંતુ લોકો તેને માત્ર સમય પસાર કરવાનો પ્રયાસ માને છે કારણ કે જવાબદાર અધિકારીઓ રજા પર ઉતરી ગયા છે. વળી, અસરગ્રસ્તોને ગોતાલાવાડી ટેનામેન્ટમાં ખસેડવાની વાત ચાલતા નવો વિવાદ સર્જાયો છે, કારણ કે ત્યાં અશાંતધારો લાગુ હોવાથી સ્થાનિકોએ પણ વિરોધ નોંધાવ્યો છે. હાલ આ સમગ્ર મામલો ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો છે, જ્યાં અસરગ્રસ્તો ન્યાયની આશા સેવી રહ્યા છે.
ડિમોલિશન વિવાદમાં કાજલ હિન્દુસ્તાનીની એન્ટ્રી
આ વિવાદમાં હવે જાણીતા હિન્દુ નેતા કાજલ હિન્દુસ્તાનીએ એન્ટ્રી કરતા મામલો વધુ ગરમાયો છે. કાજલ હિન્દુસ્તાનીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને સુરતના કતારગામના ભાજપ ધારાસભ્ય વિનુભાઈ મોરડિયા સામે આકરા પ્રહાર કર્યા છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહને ટેગ કરીને ધારાસભ્ય વિનુ મોરડિયા સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.
આ પણ વાંચો: Surat Demolition News: સુરત નાસિરનગર ડિમોલિશન કેસની હાઈકોર્ટમાં આજે સુનાવણી, મનપા રજૂ કરશે જવાબ