Surat Police News: સુરત પોલીસનો સપાટો, 'ઓપરેશન બાંગ્લાદેશી'માં 85 ઘૂસણખોરો ઝડપાયા
Surat Police News: સુરત શહેરમાં સુરક્ષા અને કાયદો-વ્યવસ્થાને લઈને પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે આજે ખૂબ જ મહત્વપૂર્ણ પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં સુરત પોલીસ દ્વારા એકસાથે બે મોટા ઓપરેશન – 'ઓપરેશન બાંગ્લાદેશી' અને 'ઓપરેશન મ્યુલ હન્ટ 2.0' અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. સુરત પોલીસની આ બેવડી કાર્યવાહીએ ગુનેગારોમાં ફફડાટ વ્યાપી દીધો છે.
Surat Police નું 'ઓપરેશન બાંગ્લાદેશી'
સુરત પોલીસ કમિશનરના જણાવ્યા અનુસાર, સરકારની સ્પષ્ટ સૂચનાના આધારે છેલ્લા કેટલાક દિવસોથી ઇન્ટેલિજન્સના ઇનપુટ્સ મેળવીને ગેરકાયદે બાંગ્લાદેશીઓ વિરુદ્ધ મેગા ડ્રાઇવ શરૂ કરવામાં આવી હતી.
સર્ચ ઓપરેશન
મોડી રાત્રે શરૂ થયેલા આ ઓપરેશનમાં ભેસ્તાન, ઉન પાટિયા, પુણા, અમરોલી અને ચોકબજાર જેવા વિસ્તારોને નિશાન બનાવવામાં આવ્યા હતા. વહેલી સવાર સુધી ચાલેલી આ કામગીરીમાં 261જેટલા શંકાસ્પદ લોકોની અટકાયત કરવામાં આવી હતી.
કુલ આંકડા
તપાસ અને પૂછપરછ બાદ 85 બાંગ્લાદેશીઓની હાજરી કન્ફર્મ થઈ છે, જેમાં 34 પુરુષો, 29મહિલાઓ અને 21 બાળકોનો સમાવેશ થાય છે. અગાઉ પણ સુરતમાંથી 600 જેટલા બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવી હતી.
મોડસ ઓપરેન્ડી
આ લોકો એજન્ટો મારફતે ટ્રેન અથવા ફ્લાઇટ દ્વારા સુરત આવે છે. તેઓ શામ-દામ-દંડ-ભેદની નીતિ અપનાવી બોગસ આધાર કાર્ડ જેવી ઓળખ મેળવે છે અને ટેક્સટાઇલ કે લેબર ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. જ્યારે પોલીસ એજન્સીઓ તેમની પાછળ પડે ત્યારે તેઓ તરત જ રહેઠાણ બદલી નાખે છે.
આગામી કાર્યવાહી
પશ્ચિમ બંગાળ પોલીસ સાથે સંકલન સાધીને આ લોકો ક્યાં બોગસ પુરાવા બનાવે છે તેની તપાસ થઈ રહી છે. પોલીસ કમિશનરે સ્પષ્ટ કર્યું છે કે, અઠવાડિયાની અંદર જ તેમને ડિપોર્ટ કરવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. આ લોકો આતંકી પ્રવૃત્તિઓ કે અન્ય ગુનાખોરી સાથે સંકળાયેલા હોવાની શક્યતા પણ પોલીસ નકારી રહી નથી.


