RFO Sonal Solanki Murder Case: બિહારથી હથિયાર સપ્લાય કરનાર ઝડપાયો, જાણો સમગ્ર મામલો
- RFO Sonal Solanki Murder Case માં કેસમાં મોટી કાર્યવાહી
- સુરત ગ્રામ્ય પોલીસે બિહારથી સોનલ સોલંકી કેસના આરોપીને ઝડપી પાડ્યો
- મુખ્ય હથિયાર સપ્લાયરને ટ્રાન્સફર વોરંટથી લાવ્યા
RFO Sonal Solanki Murder Case: સુરત જિલ્લાના ચકચારી RFO સોનલ સોલંકી હત્યા કેસમાં સુરત ગ્રામ્ય પોલીસને મોટી સફળતા મળી છે. પત્નીની હત્યાના ષડયંત્રમાં પતિ નિકુંજ ગોસ્વામી (Nikunj Goswami) ને રિવોલ્વર સપ્લાય કરનાર મુખ્ય સાગરીત રાજુ ઉર્ફે સૂરજ શર્માને પોલીસે બિહારના ગયા (Gaya) ખાતેથી દબોચી લીધો છે. સુરત ગ્રામ્ય પોલીસ આરોપીને ટ્રાન્સફર વોરંટ (Transfer Warrant) દ્વારા સુરત લાવી છે. DySP આર.આર. સરવૈયાએ પ્રેસ કોન્ફરન્સમાં આ અંગેની સત્તાવાર પુષ્ટિ કરી છે.
હથિયાર સપ્લાયનું નેટવર્ક અને તપાસ
તપાસમાં બહાર આવ્યું છે કે, હથિયાર સપ્લાયર રાજુ શર્મા સાથે નિકુંજ ગોસ્વામીનો સંપર્ક સુરતના સચિન (Sachin) વિસ્તારમાં થયો હતો. ત્યારબાદ જ સોનલ સોલંકી પર ફાયરિંગ (Firing) કરવા માટે હથિયાર અને કારતૂસ (Cartridge) સપ્લાય કરવાનું નેટવર્ક સક્રિય થયું હતું. નિકુંજે ઉત્તરપ્રદેશ (Uttar Pradesh) સહિત અન્ય વિસ્તારોમાંથી 200 જેટલા રાઉન્ડ ફાયર પણ મંગાવ્યા હોવાનું તપાસમાં ખુલ્યું છે.
આરોપીનો ગુનાહિત ઇતિહાસ
પકડાયેલો આરોપી રાજુ ઉર્ફે સૂરજ શર્મા એક રીઢો ગુનેગાર છે. તેની સામે સુરતના સચિન ઉપરાંત બિહાર, દમણ અને વાપી (Vapi) માં પણ અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. બિહાર પોલીસે ૧૫ દિવસ અગાઉ જ એક હત્યાના ગુનામાં તેની ધરપકડ કરી હતી. સુરત પોલીસે આ જાણકારી મળતા જ કાયદેસરની પ્રક્રિયા હાથ ધરી તેને ટ્રાન્સફર વોરંટથી સુરત લાવીને વધુ પૂછપરછ શરૂ કરી છે.
ઘટનાક્રમ અને પોલીસ કાર્યવાહી
5 નવેમ્બર 2025 ના રોજ કામરેજના જોખા-વાવ રોડ પર કાર અકસ્માત બાદ RFO સોનલ સોલંકી પર ફાયરિંગની ઘટના બની હતી. લાંબી તપાસના અંતે પોલીસને જાણવા મળ્યું કે, સોનલના પતિ નિકુંજ ગોસ્વામીએ જ મિત્રની મદદથી આ કાવતરું રચ્યું હતું. એક મહિનાની સારવાર બાદ સોનલનું મોત થતા હત્યાની કલમો ઉમેરવામાં આવી હતી. હવે મુખ્ય હથિયાર સપ્લાયર પકડાતા કેસની ગૂંચવણભરી કડીઓ ઉકેલાવાની આશા વધી છે.
આ પણ વાંચોઃ Surat ઇકો સેલની મોટી કાર્યવાહી, કરોડોની છેતરપિંડી કેસમાં વધુ એક આરોપી ઝડપાયો, જાણો વધુ


