Surat: પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની અધ્યક્ષતામાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી, નશાના સોદાગરોને ફેંક્યો લલકાર
- 77 માં પ્રજાસત્તાક દિવસ (77th Republic Day) પર સુરત (Surat) માં અનેકવિધ કાર્યક્રમો
- અઠવાલાઇન્સ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે શહેર પોલીસ વિભાગ દ્વારા ઉજવણી
- પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત ની અધ્યક્ષતામાં ઉજવણી
- ઘોડ સવારી સહિત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની ઝાંખી
- શ્રેષ્ઠ કામગીરી કરનાર પોલીસ અધિકારી કર્મચારીઓનું સન્માન
Surat: ભારત આજે ગૌરવભેર 77 માં પ્રજાસત્તાક દિવસ (77th Republic Day) ની ઉજવણી કરી રહ્યું છે, ત્યારે ‘મિની ભારત’ તરીકે જાણીતા સુરત (Surat) શહેરમાં પણ દેશભક્તિનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. અઠવાલાઇન્સ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે શહેર પોલીસ વિભાગ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની અધ્યક્ષતામાં યોજાયેલા આ સમારોહમાં તિરંગાને સલામી આપવામાં આવી હતી.
સુરત પોલીસ (Surat police) ની શિસ્તબદ્ધ પરેડ અને સાંસ્કૃતિક ઝાંખી
કાર્યક્રમમાં પોલીસ, હોમગાર્ડ, TRB સહિતની વિવિધ પ્લાટુનો દ્વારા આકર્ષક પરેડ અને માર્ચ પાસ્ટ રજૂ કરવામાં આવી હતી. આ પ્રસંગે ઘોડેસવારી અને દેશભક્તિના ગીતો પર શાળાના બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમોની ઝાંખી રજૂ કરી મેદનીને મંત્રમુગ્ધ કરી દીધી હતી. શહેરની નામી-અનામી હસ્તીઓની ઉપસ્થિતિમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને પ્રશંસા પત્ર તેમજ મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
નશાના સોદાગરો સામે કડક કાર્યવાહી: પ્રોપર્ટી સીલ અને ડિમોલિશન
પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે પ્રજાજોગ સંદેશમાં નશાના કારોબારીઓને કડક ચેતવણી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, “ડ્રગ્સ સામેની લડાઈ હવે વધુ તીવ્ર બનશે. નશાના સોદાગરો સામે સખ્ત થી સખ્ત કાર્યવાહી કરાશે,પ્રજાને નશાના દલદલમાં ધકેલતા નશાખોરોની મિલકતો સીલ કરવામાં આવશે અને ગેરકાયદે બાંધકામો પર ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવશે.”
સાયબર ક્રાઈમ અને સુરક્ષા પર ભાર
સુરત પોલીસની સિદ્ધિઓ વર્ણવતા કમિશનરે જણાવ્યું કે:
સાયબર સંજીવની 2.0: આ અભિયાન અંતર્ગત 25 લાખ લોકોને સાયબર સુરક્ષા માટે જાગૃત કરવામાં આવ્યા છે.
બેંક એકાઉન્ટ રિકવરી:સાયબર ક્રાઈમના ગુનાઓમાં આઠ હજાર જેટલા શંકાસ્પદ બેંક એકાઉન્ટ શોધી કાઢવામાં આવ્યા છે.
હેલ્પ ડેસ્ક:પ્રજાની સુવિધા માટે હવે સુરતના દરેક પોલીસ સ્ટેશનમાં સ્પેશિયલ 'હેલ્પ ડેસ્ક' કાર્યરત કરવામાં આવશે.
શાંતિ અને પર્યાવરણની અપીલ
સુરત 28 રાજ્યોના 40 લાખ લોકોનું ઘર હોવાનું ગર્વ અનુભવતા કમિશનરે નાગરિકોને ટ્રાફિક અને ધ્વનિ પ્રદૂષણ અંગે પણ શિખામણ આપી હતી. તેમણે જણાવ્યું કે, બિનજરૂરી હોર્ન વગાડવાથી વૃદ્ધો અને બાળકોના માનસિક સ્વાસ્થ્ય પર માઠી અસર થાય છે, તેથી નાગરિકોએ સંયમ રાખવો જોઈએ. સુરત પોલીસ શહેરની તમામ પ્રકારની સુરક્ષાની જવાબદારી નિભાવવા કટિબદ્ધ છે.


