Surat News:લસકાણામાં સ્વામિનારાયણ મંદિરના પ્રિયદર્શન સ્વામીનું મોત, આપઘાતનો કર્યો હતો પ્રયાસ
- Surat ના લસકાણા સ્વામિનારાયણ મંદિરના પ્રિયદર્શન સ્વામીનું મોત
- થોડા દિવસ પહેલા ગોળી ખાઈ કર્યો હતો આપઘાતનો પ્રયાસ
- સારવાર દરમિયાન વડતાલ તાબા મંદિરના સ્વામીનું મોત
- ઘટના સ્થળની સંપૂર્ણ તપાસ કરવા પોલીસ સમક્ષ માગ
- સ્વામિનારાયણ સિદ્ધાંત હિત રક્ષક સમિતિએ કરી રજૂઆત
- મોબાઈલ, કોલ ડિટેલ, મેસેજ, CCTV ફુટેજની તપાસની માગ
Surat News: સુરત શહેરના લસકાણા વિસ્તારમાં આવેલા વડતાલ તાબાના સ્વામિનારાયણ મંદિરમાંથી એક અત્યંત ચોંકાવનારા અને દુઃખદ સમાચાર સામે આવ્યા છે. લસકાણા મંદિરના સંત પ્રિયદર્શન સ્વામીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. થોડા દિવસો પહેલા તેમણે કોઈ અગમ્ય કારણોસર ઊંઘની ગોળીઓ ખાઈને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારબાદ તેમને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમણે ટૂંકી સારવાર બાદ અંતિમ શ્વાસ લીધા છે. સંતના મોતના પગલે હરિભક્તો અને ધાર્મિક જગતમાં ભારે શોકની લાગણી વ્યાપી ગઈ છે.
Surat માં સ્વામીનારાયણના પ્રિયદર્શન સ્વામીનું મોત
પ્રિયદર્શન સ્વામીના આપઘાતના આ કેસમાં હવે એક નવો વળાંક આવ્યો છે. શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત હિતરક્ષક સમિતિ દ્વારા સુરત પોલીસને આ મામલે લેખિતમાં એક મહત્વની રજૂઆત કરવામાં આવી છે. સમિતિએ આશંકા વ્યક્ત કરી છે કે કોઈ અજ્ઞાત વ્યક્તિ અથવા તત્વો દ્વારા સ્વામીજીને શારીરિક કે માનસિક ત્રાસ, ધમકી, દબાણ અથવા બ્લેકમેઈલ કરવામાં આવી રહ્યા હોઈ શકે છે, જેનાથી કંટાળીને તેમણે આ આકરું પગલું ભર્યું હોય. સમિતિએ ધાર્મિક ભાવનાઓને ઠેસ ન પહોંચે તે રીતે આ કેસની ખૂબ જ ગંભીરતાથી અને તાત્કાલિક ધોરણે તપાસ કરવા માંગ કરી છે.
મોબાઈલ, સીસીટીવી અને સંતોના નિવેદનો લેવા માંગ
સમિતિ દ્વારા પોલીસ સમક્ષ ઘટનાસ્થળની સંપૂર્ણ અને ઝીણવટભરી તપાસ કરવાની માંગણી મૂકવામાં આવી છે. આ તપાસ અંતર્ગત પ્રિયદર્શન સ્વામીના મોબાઈલ ફોનની કોલ ડિટેલ, વોટ્સએપ મેસેજ, મંદિર પરિસરમાં લાગેલા સીસીટીવી (CCTV) ફૂટેજની ઊંડાણપૂર્વક ચકાસણી કરવા જણાવાયું છે. આ ઉપરાંત લસકાણા મંદિરના તમામ સંતો અને ટ્રસ્ટી મંડળના સભ્યોના સત્તાવાર નિવેદનો લઈને સત્ય બહાર લાવવા આગ્રહ કરાયો છે. બીજી તરફ, ઘટનાની ગંભીરતાને જોતાં લસકાણા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને સમગ્ર મામલે કાયદેસરની તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે.
આ પણ વાંચો: Bhavnagar News: મહુવાની નવી સરકારી હોસ્પિટલમાં સતત બીજા દિવસે પંખો પડ્યો, ભારે અફરાતફરી


