Surat News: વસ્તી ગણતરીની કામગીરીનો શિક્ષકો કેમ કરી રહ્યા છે વિરોધ?
Surat News: સુરત શહેરમાં આગામી જૂન મહિનાથી શરૂ થઈ રહેલી વસ્તી ગણતરી (Population Census)ની કામગીરી પહેલા જ વિવાદના મંડાણ થયા છે. વસતી ગણતરીની કામગીરીમાં જોડાનારા પ્રાથમિક શાળાના શિક્ષકો દ્વારા તાલીમ કેન્દ્રોની ફાળવણીને લઈને ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો છે. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના નેજા હેઠળ શિક્ષકોએ એકત્રિત થઈને પોતાની પડતી મુશ્કેલીઓ અંગે તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી છે અને તાત્કાલિક ધોરણે આ સમસ્યાનું નિવારણ લાવવા માટે ઉચ્ચ સત્તાવાળાઓને રજૂઆત કરી છે.
શિક્ષકોના રહેઠાણ અને તેમની શાળાથી ઘણા દૂર!
શિક્ષક સંઘના પદાધિકારીઓનો દાવો છે કે જૂન મહિનાથી શરૂ થનારી વસતી ગણતરી માટે તંત્ર દ્વારા જે તાલીમ કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે, તે શિક્ષકોના રહેઠાણ અને તેમની શાળાથી ઘણા દૂર આવેલા છે. આ અયોગ્ય આયોજનને કારણે મહિલા શિક્ષકો સહિતના તમામ કર્મચારીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. દુરના અંતરે આવેલા કેન્દ્રો પર સમયસર પહોંચવું અને ત્યારબાદ શાળા તેમજ વસ્તી ગણતરીની ફરજો બજાવવી અત્યંત પડકારજનક બની રહેશે. આ ભૌગોલિક અંતરના કારણે શિક્ષકોનો સમય અને શક્તિ બંનેનો વ્યય થઈ રહ્યો છે.
શિક્ષકોની આ છે માગ
આ ગંભીર સમસ્યાના કાયમી ઉકેલ માટે પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા માગ રવામાં આવી છે કે સુરત મહાનગરપાલિકાના તમામ ઝોન દીઠ અલગ-અલગ તાલીમ કેન્દ્રો ફાળવવામાં આવે. જો ઝોન પ્રમાણે કેન્દ્રોની ફાળવણી કરવામાં આવે તો શિક્ષકોને પોતાના નજીકના વિસ્તારમાં જ તાલીમ મળી રહે, જેથી તેમનો કિંમતી સમય બચી શકે. જોકે, સંઘનો આક્ષેપ છે કે આ બાબતે અગાઉ જવાબદાર અધિકારીઓ (Officials)ને લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં, વહીવટી તંત્ર દ્વારા કોઈ હકારાત્મક પગલાં લેવામાં આવ્યા નથી.
'અધિકારીઓ પોતાની મનમાની ચલાવી રહ્યા છે'
શૈક્ષિક સંઘે આક્ષેપ કર્યો છે કે સંબંધિત અધિકારીઓ પોતાની મનમાની ચલાવી રહ્યા છે અને શિક્ષકોની વ્યાજબી રજૂઆતોને સંપૂર્ણપણે નજરઅંદાજ (Ignore) કરી રહ્યા છે. વહીવટી તંત્રના આવા અસહકારી વલણને કારણે શિક્ષકોમાં ભારે રોષ વ્યાપી ગયો છે. શિક્ષકોએ ચીમકી આપી છે કે જો વસતી ગણતરીની શરૂઆત થાય તે પહેલાં તાત્કાલિક ધોરણે ઝોન દીઠ તાલીમ કેન્દ્રોની ફાળવણી કરવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં આ વિરોધ પ્રદર્શન (Agitation) વધુ ઉગ્ર બનશે. હાલમાં વેકેશનના માહોલ વચ્ચે પણ શિક્ષકોના આ આક્રોશને કારણે સુરત શિક્ષણ જગત અને પાલિકા પ્રશાસનમાં ભારે ગરમાવો આવી ગયો છે. હવે જોવાનું એ રહેશે કે ઉચ્ચ અધિકારીઓ આ વિવાદનો સુખદ અંત લાવવા માટે નમતું જોખે છે કે પછી શિક્ષકોનો આ વિરોધ યથાવત રહે છે.
આ પણ વાંચોઃ Surat: CM ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે જમનાબા વિદ્યાર્થી ભવનનું ભવ્ય લોકાર્પણ


