Suman School Udhna: સુરતની સરકારી સુમન શાળા બહાર અદાવત રાખીને 11 વર્ષના વિદ્યાર્થી પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરાયો છે. અમદાવાદ બાદ સુરતમાં બનેલી આ ઘટનાથી શિક્ષણધામોમાં ભયનો માહોલ છે. ગંભીર રીતે ઇજાગ્રસ્ત બાળક હાલ નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જ્યારે ઉધના પોલીસે હુમલાખોરને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
Surat School Student Attack: ગુજરાત (Gujarat) ના મેટ્રો શહેરોમાં ગુનાખોરીની ઘટનાઓ સતત ચિંતાજનક રીતે વધી રહી છે. અમદાવાદ (Ahmedabad) માં બનેલી અગાઉની ઘટનાઓની શાહી હજુ સુકાઈ નથી, ત્યાં આર્થિક નગરી સુરત (Surat) માંથી એક અત્યંત ચોંકાવનારી અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. સુરતના ઉધના વિસ્તારમાં આવેલી સરકારી સુમન શાળાની બહાર માત્ર 11 વર્ષના માસૂમ વિદ્યાર્થી પર ધોળા દિવસે ચપ્પુના તીક્ષ્ણ ઘા ઝીંકીને ઘાતકી હુમલો કરવામાં આવ્યો છે. સરસ્વતીના ધામ ગણાતી શાળાની બિલકુલ બહાર જ બાળકની લોહીની નદીઓ વહેતા સમગ્ર પંથકમાં ભારે અરેરાટી અને રોષ વ્યાપી ગયો છે.
નજીવી બાબતે રાખી અદાવત
પ્રાથમિક અહેવાલો અનુસાર, ભોગ બનનાર માસૂમ વિદ્યાર્થી અને એક અજાણ્યા યુવાન વચ્ચે અગાઉ કોઈ સામાન્ય બાબતે માથાકૂટ થઈ હતી. આ મામૂલી તકરારની મનમાં અદાવત રાખીને હુમલાખોર યુવાને ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી. વિદ્યાર્થી જેવો જ શાળાની બહાર નીકળ્યો, કે તરત જ આરોપીએ તેના પર જીવલેણ હુમલો કરી દીધો હતો. આ ઘટનાના પગલે અન્ય વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે ભય અને ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે અને શિક્ષણધામમાં સુરક્ષાને લઈને મોટા પ્રશ્નો ઊભા થયા છે.
નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર, હુમલાખોરને પકડવા ચક્રો ગતિમાન
હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા લોહીલુહાણ વિદ્યાર્થીને તાત્કાલિક ધોરણે સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલ (New Civil Hospital) ખાતે ખસેડવામાં આવ્યો છે, જ્યાં હાલ તબીબોની દેખરેખ હેઠળ તેની સઘન સારવાર ચાલી રહી છે. ઘટનાની જાણ થતાં જ ઉધના પોલીસ (Udhna Police) નો કાફલો તાત્કાલિક હોસ્પિટલ અને ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે ગુનો નોંધીને ફરાર થઈ ગયેલા હુમલાખોર યુવાનને ઝડપી પાડવા માટે જુદી જુદી ટીમો બનાવીને કવાયત તેજ કરી છે.
આ પણ વાંચો: રેપિડો-ઓલા-ઉબેર મામલે હાઇકોર્ટની લાલ આંખ: પર્સનલ ગાડીઓ ટેક્સી તરીકે કેમ ચાલે છે? સરકાર પાસે માંગ્યો જવાબ