Bharuch : શહેરમાં સામાન્ય પરિવારના ઘરનું વીજ બિલ રૂ.2,77,00 લાખ આવતા મકાન માલિક ચિંતામા
- ભરૂચ (Bharuch)ની શ્રવણ ચોકડી નજીકની માંગલ્ય રેસીડેન્સીમાં મકાનનું બિલ પોણા 3 લાખ આવતા ચોંકી ઉઠ્યા
- દર મહિને 5,000 લાઈટ બિલની ભરપાઈ કરનારના બિલમાં રૂ.2,77,000 ની રકમ આવતા ચકચાર
- સમયસર લાઈટ બિલની ભરપાઈ કરનારના પણ કનેક્શન કાપી રી કનેક્શનના નામે ચાર્જ વસૂલતા રોષ
Bharuch જિલ્લામાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીની ગંભીર બેદરકારી સામે આવી છે જેમાં ભરૂચ (Bharuch)ના એક સામાન્ય પરિવારને પોણા 3 લાખનું લાઈટ બિલ થમાવી દેતા પરિવાર 3 દિવસથી ચિંતામાં મુકાઈ ગયો છે. જેમાં અંતે જીઈબીમાં આ અંગે તપાસ કરવામાં આવતા જીઈબીના જ કર્મચારીઓની ગંભીર બેદરકારી હોવાનું સામે આવ્યું છે અને ભૂલ સુધારો કરી આપવામાં આવશે તેવું આશ્વાસન અપાયું છે.
મીટરમાં કોઈ પણ જાતના આંકડા જ દેખાતા ન હતા
ભરૂચ (Bharuch)ની શ્રવણ ચોકડી નજીક માંગલ્ય રેસીડેન્સી આવેલું છે અને આ સોસાયટીના મકાન નંબર સી 403માં રહેતા શુભમ પટેલને લાઈટ બિલ દર માસિક રૂપિયા 5000ની અંદરમાં આવતું હતું. પરંતુ હાલમાં લાઈટ બિલ રૂ. 2,77,000 ઉપરાંતની રકમનું આવતા જ વીજ કનેક્શન ધરાવનાર શુભમ પટેલનો પરિવાર ચિંતામાં મુકાયો અને આટલું બધુ બિલ કેવી રીતે હોઈ શકે જેના કારણે તેઓએ સૌપ્રથમ મીટર ચેક કર્યું હતું. મીટરમાં કોઈ પણ જાતના આંકડા જ દેખાતા ન હતા જેના કારણે તેઓએ 3 દિવસ બાદ લાઈટ બિલમાં આટલી મોટી રકમ કેમ તેવા પ્રશ્નોને લઈને જીઈબી ઉપર પહોંચ્યા હતા અને તપાસ દરમિયાન જીઈબીની ભૂલ હોવાનું સામે આવતા દક્ષિણ ગુજરાત વીજ કંપનીના કર્મચારીઓએ કહ્યું હતું કે આવતા મંગળવાર સુધીમાં લાઈટ બિલમાં સુધારો કરી આપવામાં આવશે.
આ પણ વાંચો: Surat: લાંબા સમયથી અડિંગો જમાવી દબાણો કરી ભાડા વસૂલતા તત્વો સામે કાર્યવાહી
જીઈબી (GEB)ની ગંભીર બેદરકારીની પોલ ખુલ્લી મૂકી દીધી
પરંતુ આવી ગંભીર બેદરકારીના કારણે જો કોઈ હાર્ટ પેશન્ટને આ જ પ્રકારે લાઈટ બિલ આપવામાં આવે અને આટલી મોટી રકમ જોઈ આઘાતમાં તેનો જીવ જતો રહે તો જવાબદાર કોણ તેવા પ્રશ્નો ઊભા થતાં માંગલ્ય રેસીડેન્સી સોસાયટીના પ્રમુખ મેદાનમાં ઉતાર્યા હતા અને મીડિયા સામે લાઈટ બિલ રજૂ કરી જીઈબીની ગંભીર બેદરકારીની પોલ ખુલ્લી મૂકી દીધી હતી. અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે ભરૂચ શહેર જિલ્લામાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીના કર્મચારીઓ જે મીટર ચેકિંગ કરી રીડિંગ નોંધી બિલ તૈયાર કરતા હોય છે તે કર્મચારીઓની પણ ઘણી વખત બેદરકારી સામે આવતી હોય છે અને ઘણા મિત્રો ચેક કર્યા વિના જ અંદાજે જ બિલમાં રકમ લખી દેતા હોય તેવી ફરિયાદો પણ પૂર્વપટ્ટી વિસ્તારોમાંથી સામે આવી છે. દક્ષિણ ગુજરાત વીજ કંપનીના કર્મચારીઓ શિયાળાની ઠંડીમાં આળસ દાખવી આડેધડ બિલની ફાળવણી કરતા હોય તો તેમની સામે નક્કર પગલા ભરવાની પણ માંગ ઉઠી રહી છે.
અહેવાલ:દિનેશ મકવાણા, ભરૂચ
આ પણ વાંચો: Gujaratમાં 6 હજાર કરોડથી વધુના BZ ફાઇનાન્સના કૌભાંડમાં મોટા સમાચાર