34

માણસ જ્યારે બીમાર પડે છે કે કોઈ પ્રકારની ગંભીર બીમારી થાય છે ત્યારે રક્તની ખૂબ જ તાતી જરૂરિયાત ઉભી થાય છે. હાલના સમયમાં માનવીની લાઇફસ્ટાઇલને કારણે તે ઘણી ગંભીર બીમારીઓનો ભોગ બનતો જાય છે અને જ્યારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે કે કોઈ પ્રકારની સર્જરી કરવામાં આવે ત્યારે રક્તની અચૂક જરૂરિયાત ઉભી થતી હોય છે. તેવા સમયે રક્ત મળી રહેતું નથી અને સમસ્યા સર્જાય છે અને માનવીનો જીવ જોખમમાં મુકાય છે.
આવી જ સમસ્યાને પહોંચી વળવા સુરતની એક ખાનગી હોસ્પિટલ દ્વારા એક નવી પહેલ કરવામાં આવી છે. જે અંતર્ગત દક્ષિણ ગુજરાતની તમામ હોસ્પિટલોમાં જે દર્દીઓ સારવાર લઈ રહ્યા છે તેમને ક્યારેય પણ રક્તની જરૂર પડે તો આ હોસ્પિટલ તે દર્દીને વિનામુલ્યે રક્ત પહોંચાડશે. આ માટે જે તે દર્દીએ આ હોસ્પિટલની વેબસાઈટ પર ઉપલબ્ધ એક ફોર્મ ભરવાનું રહેશે અને તેની હોસ્પિટલ તથા ડોકટરની વિગત આપવાની રહેશે. ત્યારબાદ તે દર્દીને અહીંથી વિનામૂલ્યે રક્ત આપવામાં આવશે.
હોસ્પિટલના ટ્રસ્ટી પદ્મશ્રી મથુર સવાણીએ જણાવ્યું હતું કે, રક્તની જરૂરિયાત કેટલી અગત્યની છે તે બાબત અમે જાણીએ છે. એટલે જ આ સુવિધા ઉભી કરવાનો નિર્ણય લેવાયો છે. તેમજ વિનામુલ્યે રક્ત મેળવવાની પ્રોસેસ પણ એકદમ સરળ રાખી છે, જેથી દર્દીને રક્ત મેળવવામાં વિલંબ ન થાય. અમારી હોસ્પિટલમાં એક સાથે મોટી સંખ્યામાં લોકો રક્ત આપી શકે તે પ્રકારની વ્યવસ્થા છે. મથુરભાઈએ દક્ષિણ ગુજરાતના રક્તદાતાઓને પણ આ પ્રસંગે અપીલ કરી હતી કે, તેઓ મોટી સંખ્યામાં રક્તદાન કરવા આગળ આવે. આ હોસ્પિટલમાં સવારે 9 થી સાંજે 6 કલાક દરમ્યાન રક્તદાન કરી શકાશે.
હાલના સર્વે મુજબ સુરત શહેરમાં રોજ 300 બોટલ રક્તની જરૂરિયાત રહે છે. જેની સામે આ હોસ્પિટલ દ્વારા જે પહેલ કરવામાં આવી છે તે અંતર્ગત તેઓ રોજની 400થી વધુ બોટલ રક્ત એકત્ર કરવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે, જેથી કરીને જ્યારે જરૂર પડે ત્યારે કોઈ પણ દર્દીએ રક્ત વગર અટવાવું ના પડે.