Hazira ની AM/NS કંપનીમાં મજૂરોનો આક્રોશ, તોડફોડ અને આગજની બાદ 4,000 સામે ગુનો દાખલ
- Hazira AM/NS કંપનીમાં કામદારો દ્વારા આગજની કરવાનો મામલો
- 4,000 લોકો વિરૂદ્ધ ગુનો નોંધ્યો, 40 કામદારોની પોલીસ દ્વારા અટકાયત
- હજીરા પોલીસ, સુરત ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી સહિતની શાખા દ્વારા તપાસ
- હજી તોડફોડ અને આગજની કેસમાં પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ
- લોકોને આઇડેન્ટીફાય કરી ધરપકડ કરવામાં આવી રહી છે
AM/NS Hazira: સુરતના હજીરા વિસ્તારમાં આવેલી મલ્ટીનેશનલ કંપની આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ (AM/NS Hazira) ના પ્લાન્ટમાં કામદારો દ્વારા કરવામાં આવેલી હિંસા અને આગજનીના મામલે સુરત પોલીસ (Surat Police) એક્શન મોડમાં આવી છે. આ ગંભીર ઘટના સંદર્ભે પોલીસે અત્યાર સુધીમાં 40 જેટલા શખ્સોની અટકાયત કરી છે, જ્યારે હજુ પણ ધરપકડનો દોર સતત જારી છે.
સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થતા ભભૂક્યો રોષ
સુરત (Surat) ડીસીપી શેફાલી બરનવાલના જણાવ્યા અનુસાર, આ સમગ્ર ઘટના પાછળ સોશિયલ મીડિયા (Social Media) ના લેબર ગ્રુપ્સમાં વાયરલ થયેલા કેટલાક વીડિયો જવાબદાર હતા. આ વીડિયો જોયા બાદ ઉશ્કેરાયેલા હજારો કામદારો કંપની (ArcelorMittal Nippon Steel plant) ના ગેટ પાસે એકઠા થયા હતા. સ્થિતિ વણસતી જોઈ હજીરા પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો.
પોલીસ પર પથ્થરમારો અને વાહનોમાં આગજની
રોષે ભરાયેલા શ્રમિકોએ માત્ર કંપનીની સંપત્તિને જ નુકસાન પહોંચાડ્યું નથી, પરંતુ સુરક્ષા જવાનો અને પોલીસ (Police) પર પણ ભારે પથ્થરમારો કર્યો હતો. આ હિંસા (violence) માં અનેક વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી અને કેટલાક વાહનોને આગને હવાલે કરી દેવાયા હતા. આ અથડામણમાં પોલીસ અધિકારીઓ અને કોન્સ્ટેબલો પણ ઈજાગ્રસ્ત થયા છે.
પોલીસની કડક કાર્યવાહી, ટીયર ગેસ અને ફાયરિંગ
કાબૂ બહાર ગયેલી પરિસ્થિતિને થાળે પાડવા માટે પોલીસે મજબૂરીમાં બળપ્રયોગ કરવો પડ્યો હતો. પોલીસે ભીડને વિખેરવા માટે 36 થી વધુ ટીયર ગેસના સેલ છોડ્યા હતા અને સ્વબચાવમાં 6 રાઉન્ડ હવામાં ફાયરિંગ પણ કરવું પડ્યું હતું.
4,000 લોકો વિરુદ્ધ ગુનો, તપાસનો ધમધમાટ
હાલમાં હજીરા (AM/NS Hazira) પોલીસ દ્વારા આ હિંસક ઘટનામાં સામેલ અંદાજે 4,000 લોકોના ટોળા વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. સુરત ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી (SOG) અને હજીરા પોલીસની અલગ-અલગ ટીમો સીસીટીવી ફૂટેજ અને મોબાઈલ વીડિયોના આધારે તોફાની તત્વોની ઓળખ કરી રહી છે. હાલમાં વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો છે અને અન્ય આરોપીઓને પકડવા માટે તપાસ તેજ કરવામાં આવી છે.
આ પણ વાંચો: Hazira : AMNS કંપનીમાં તોડફોડ અને આગજની બાદ 16 શખ્સોની અટકાયત


