Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

World Bee Day : સુરતમાં “મધુક્રાંતિ”નાં મીઠાં પરિણામો, વાર્ષિક રૂ.૩૦ લાખની આવક

સુરતના ડભોલી વિસ્તારના વિનોદભાઈ નકુમે હીરાનો વ્યવસાય છોડીને મધમાખી ઉછેરથી નવી ઓળખ મેળવી
world bee day   સુરતમાં “મધુક્રાંતિ”નાં મીઠાં પરિણામો  વાર્ષિક રૂ ૩૦ લાખની આવક
Advertisement
  • માત્ર 25 બોક્સથી મધમાખી ઉછેરની શરૂઆત કરી
  • વાર્ષિક રૂ.૩૦ લાખની આવક સાથે10 લોકોને રોજગારી પૂરી
  • વર્ષે ૩૦ થી 35 ટન જેટલું શુદ્ધ મધ ઉત્પન્ન થાય છે

World Bee Day : આજે 20 મે 2025 છે ત્યારે વિશ્વ મધમાખી દિવસ નિમિત્તે સુરતના કામરેજ તાલુકાના ઉંભેળ ગામે આવેલું મધમાખી ઉછેર ધ્યાન ખેચનાર આત્મનિર્ભરતાનું મોડેલ કેન્દ્ર બન્યું છે. સુરતના ડભોલી વિસ્તારના વિનોદભાઈ નકુમે હીરાનો વ્યવસાય છોડીને મધમાખી ઉછેરથી નવી ઓળખ મેળવી છે. શ્રી અર્પીત ઓર્ગેનિક કંપની શરૂ કરીને 1100 બોક્સ, ૩૫ ટન મધનું ઉત્પાદન અને વાર્ષિક રૂ.૩૦ લાખની આવક સાથે10 લોકોને રોજગારી પૂરી પાડે છે.

વિશ્વ મધમાખી દિવસ એન્ટોન જાન્સાના જન્મદિવસની યાદમાં ઉજવવામાં આવે છે

Advertisement

મધમાખીઓ જૈવવિવિધતાના સંરક્ષણ, પ્રકૃતિમાં પર્યાવરણીય સંતુલન અને પ્રદૂષણ ઘટાડવામાં ખૂબ જ ઉપયોગી ભૂમિકા ભજવે છે. પર્યાવરણીય પ્રણાલીમાં મધમાખીના મહત્વ અને તેમના સંરક્ષણ વિશે લોકોને જાગૃત કરવાના ઉદ્દેશ્ય સાથે દર વર્ષે 20મેના રોજ વિશ્વ મધમાખી દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો પ્રસ્તાવ યુનાઈટેડ નેશન્સ સમક્ષ 20 મે 2017ના રોજ મધમાખી ઉછેર કરનારા એસોસિએશન ઑફ સ્લોવેનિયાના નેતૃત્વ હેઠળ મૂકવામાં આવતા સંયુક્ત રાષ્ટ્રના સભ્ય દેશોએ ડિસેમ્બર 2017માં આ દિવસની ઉજવણી કરવાની મંજૂરી આપી હતી. પ્રથમ વિશ્વ મધમાખી દિવસ 20 મે 2018ના રોજ મનાવવામાં આવ્યો હતો. આ વિશેષ દિવસ 20 મેના રોજ એન્ટોન જાન્સાના જન્મદિવસની યાદમાં ઉજવવામાં આવે છે, જેને આધુનિક મધમાખી ઉછેર તકનીકના પિતા કહેવામાં આવે છે. એન્ટોન જાન્સાનો જન્મ 20 મે 1734ના રોજ સ્લોવેનિયામાં થયો હતો.

Advertisement

વર્ષે ૩૦ થી 35 ટન જેટલું શુદ્ધ મધ ઉત્પન્ન થાય છે

ભાવનગર જિલ્લાના નાના-આસરાણા ગામના અને વર્ષોથી સુરતના ડભોલી વિસ્તારમાં સ્થાયી થયેલા તથા સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ઉંભેળ ગામે મધમાખીનો ઉછેર વ્યવસાય કરતાં 45 વર્ષીય વિનોદભાઈ રામજીભાઈ નકુમે ગુજરાતમાં મધમાખી ઉછેર ક્ષેત્રે પોતાનું આગવું સ્થાન પ્રાપ્ત કરી નવી ઓળખ ઉભી કરી છે. વિનોદભાઈ પહેલા ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા હતા, પરંતુ વર્ષ 2011માં હરિયાણાની સફર દરમિયાન મધમાખી ઉછેર કેન્દ્રની મુલાકાતે જતાં તેમનું જીવન બદલાઈ ગયું. માત્ર 25 બોક્સથી શરૂ કરીને આજે તેઓ 1100થી વધુ બોક્સનું સંચાલન કરે છે. જેના થકી વર્ષે ૩૦ થી 35 ટન જેટલું શુદ્ધ મધ ઉત્પન્ન થાય છે, જેના વેચાણથી થકી સારી એવી આવક પ્રાપ્ત કરી રહ્યાં છે.

માત્ર 25 બોક્સથી મધમાખી ઉછેરની શરૂઆત કરી

વિનોદભાઈએ જણાવ્યું છે કે જ્યારે હીરાનો વ્યવસાય છોડયો અને માત્ર 25 બોક્સથી મધમાખી ઉછેરની શરૂઆત કરી, ત્યારે ઘણા લોકો શંકા વ્યક્ત કરતા કહેતા કે, મુર્ખામી ભર્યું કામ કરી રહ્યો છે, પરંતુ એના ઉપર ધ્યાન નહિ આપી પોતાના કામ પર ધ્યાન આપ્યું. 2011માં 25 બોક્સથી મધમાખી ઉછેરની શરૂઆત કરી ધીમે ધીમે બોકસ વધારતા ગયા. 2019ના વર્ષમાં નર્મદા-સુરત હની પ્રોડયુસર કંપની લિ.નો એફ.પી.ઓ. શરૂ કર્યો. ત્રણ મિત્રોએ ભેગા મળીને શ્રી અર્પીત ઓર્ગેનિક કંપની શરૂ કરીને મધમાખી ઉછેરનો 1100થી વધુ બોક્સે પહોચ્યો છે. વર્ષે દહાડે 35 ટન મધનું ઉત્પાદન થાય છે. જેમાંથી અલગ અલગ ફેલેવરનું મધ બનાવી માર્કેટ વેચાણ કરીએ છીએ. ઉંભેળના મધ ઉછેર કેન્દ્રથી વેચાણ કરી અમારી કંપનીને વાર્ષિક રૂ.30 લાખની આવક થાય છે.

વિનોદભાઈ છેલ્લા 14 વર્ષથી મધમાખી ઉછેર સાથે સંકળાયેલા છે

વિનોદભાઈ છેલ્લા 14 વર્ષથી મધમાખી ઉછેર સાથે સંકળાયેલા છે. સાથે સાથે સરકારના વિવિધ વિભાગો સાથે મળી સખી મંડળની બહેનો અને ખેડૂતોને તાલીમ પણ આપે છે. જેનાથી મધમાખી ઉછેરમાં લોકોનો રસ વધે એવા પ્રયત્ન છે. મધમાખી જેવો નાનો જીવ આપણા પર્યાવરણ અને કૃષિ માટે કેટલુ મહત્વ ધરાવે છે, તે માત્ર મધ તૈયાર કરતી નથી, પરંતુ કૃષિ ઉત્પાદનને મજબૂત બનાવતી, કુદરતી સંતુલન જાળવતી એક પ્રકૃતિની અજબ કડી છે. વિનોદભાઈએ DRDO સાથે MoU કરીને નવસારી, તાપી અને સુરત જિલ્લામાં 180 સખી મંડળોની બહેનોને તાલીમ આપી છે. સાથે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, બાગાયતી વિભાગ અને ખાદીગ્રામ ઉદ્યોગ સાથે મળીને સુરત, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, પાટણ, કચ્છ, ભાવનગર સહિત નવથી વધુ જિલ્લાઓમાં 1500થી વધુ ખેડૂત અને મહિલાઓને તાલીમ આપી છે. ઉપરાંત વિવિધ સરકારી યોજનાઓ હેઠળ બોક્સ ખરીદી, સ્ટાર્ટઅપ સહાય વિશે માર્ગદર્શન પણ પુરૂ પાડે છે. ઉપરાંત કેટલાક લોકોને સરકારની સહાય અપાવી મધમાખી ઉછેરનો વ્યવસાય શરૂ કરાવ્યો છે.

આ પણ વાંચો: Ahmedabad : ચંડોળા તળાવમાં ડિમોલિશન ફેઝ 2, અંદાજિત 10 હજારથી વધુ મકાનો તોડવામાં આવશે

Tags :
Advertisement

.

×