Surendranagar Rain Rescue Operation : સુરેન્દ્રનગર જિલ્લામાં મેઘરાજાએ અત્યારે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે, જેના કારણે જિલ્લાભરમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને લખતર તાલુકામાં છેલ્લા 24 કલાકની અંદર જ રેકોર્ડબ્રેક 8 ઇંચ જેટલો ધોધમાર વરસાદ વરસી જતાં સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો છે. ભારે વરસાદ અને પાણીના અનરાધાર પ્રવાહને કારણે લખતર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોનું જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે.
સુરેન્દ્રનગરના લખતરમાં મેઘરાજાનું તાંડવ
લખતર તાલુકામાં પડેલા મુસળધાર વરસાદને પગલે વડલા, તલસાણા, લીલાપુર અને કેસરિયા સહિતના ચાર જેટલા મહત્વના ગામોનો બાકીના વિસ્તારો સાથેનો સંપર્ક તૂટી ગયો છે અને આ ગામો સંપર્ક વિહોણા બન્યા છે. આ તરફ રાત્રિના સમયે લખતર તાલુકાના ઓળક ગામમાં આવેલ રામદેવપીર પરા વિસ્તારમાં અચાનક ભારે પાણી ભરાઈ જવાથી નાગરિકો ફસાઈ ગયા હતા. આ ઉપરાંત છરાદ અને તલસાણા જેવા ગ્રામ્ય વિસ્તારોમાં પણ પાણી ભરાવાની ગંભીર સમસ્યા સર્જાઈ હતી.
ઓળક ગામમાં ફસાયેલા લોકોનું સફળ રેસ્ક્યુ
પરિસ્થિતિની ગંભીરતાને પારખીને સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર અને લખતર મામલતદાર તંત્ર તાત્કાલિક એક્શન મોડમાં આવ્યા હતા. રાત્રિના અંધકાર અને ભારે વરસાદ વચ્ચે પણ તંત્ર દ્વારા ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવાની કટોકટીભરી તજવીજ હાથ ધરવામાં આવી હતી. લખતરના ઓળક ગામમાં પાણીમાં ફસાયેલા ગ્રામજનોને બચાવવા માટે ફાયર બ્રિગેડની ટીમ અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા ઉત્તમ કામગીરી કરવામાં આવી હતી. ફાયરની ટીમે રાત્રિના સમયે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને ફસાયેલા તમામ રઈસો અને ગ્રામજનોને હેમખેમ બહાર કાઢીને સુરક્ષિત જગ્યા પર સ્થળાંતર કરાવ્યા હતા. તંત્ર દ્વારા આ તમામ અસરગ્રસ્તો માટે ભોજન અને આશરો સહિતની પ્રાથમિક સુવિધાઓ પણ તાત્કાલિક ધોરણે ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કરી પ્રશંસા
આ સરાહનીય રેસ્ક્યુ કામગીરીની ગંભીર નોંધ લેતા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સોશિયલ મીડિયા પર ટ્વીટ કરીને વહીવટી તંત્ર, પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનોની પ્રશંસા કરી હતી. મુખ્યમંત્રીએ પોતાના સંદેશમાં જણાવ્યું હતું કે, સુરેન્દ્રનગર જિલ્લાના લખતરના ઓળક ગામમાં મુશળધાર વરસાદ વચ્ચે પાણીમાં ફસાયેલા નાગરિકોને બચાવવા માટે વહીવટી તંત્રના માર્ગદર્શનમાં પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનો દ્વારા સાહસ અને સમર્પણભાવ સાથે કરવામાં આવેલી ત્વરિત બચાવની કામગીરી અત્યંત સરાહનીય છે. મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ આપત્તિ વ્યવસ્થાપનના ભાગરૂપે સમગ્ર રાજ્યમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી સતત ચાલી રહી છે અને સરકાર નાગરિકોના જાનમાલની રક્ષા માટે સંપૂર્ણપણે કટિબદ્ધ છે.
આ પણ વાંચો: Ambalal Patel Rain Forecast: અંબાલાલ પટેલની મોટી આગાહી, ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ અને પૂરની શક્યતા