IPO Scam Alert : વૃદ્ધને મોટા નફા માટે કરેલું રોકાણ માથે પડ્યું, ChatGPT એ ચેતવ્યા
- વૃદ્ધને ઉંચા વ્યાજના ઝાંસામાં લઇને લાખો રૂપિયાનું રોકાણ કરાવાયું
- એક તબક્કે પૈસા નહીં હોવાનું જણાવતા લોન ઓફર કરાઇ
- વૃદ્ધે પૈસાની માંગણી કરતા ગઠીયાઓએ ફગાવી દીધી
- વૃદ્ધને શંકા જતા તેમણે ચેટજીપીટીને સવાલો કર્યા
IPO Scam Alert, ChatGPT Warn User : બેંગલુરુમાં રહેતા એક 77 વર્ષીય નિવૃત્ત વ્યક્તિ શેરબજારમાં રોકાણના નામે છેતરપિંડીનો ભોગ બન્યા છે. કેટલાક ગઠીયાઓએ તેમને ઊંચા નફાના વચનો આપીને લાલચ આપી અને ધીમે ધીમે રૂ. 67.10 લાખ ની ઉચાપત કરી છે. શરૂઆતમાં, બધું બરાબર લાગતું હતું, પરંતુ થોડા સમય પછી, છેતરપિંડી કરનારાઓએ તેમના પર વધુ પૈસા રોકાણ કરવા દબાણ કરવાનું શરૂ કર્યું હોવાનું સામે આવ્યું છે. આ સમય દરમિયાન, વૃદ્ધને શંકા ગઈ, અને તેમણે AI ટૂલ ChatGPT ની મદદ માંગી હતી. ChatGPT એ સમજાવીને જવાબ આપ્યો કે, આવી યોજનાઓ ઘણીવાર છેતરપિંડીવાળી હોય છે, અને તે સુનિયોજીત કૌભાંડ હોઈ શકે છે. AI ની સલાહ જાણ્યા પછી, વૃદ્ધ સમજી ગયા હતા. અને તેઓએ તરત જ વધુ પૈસા મોકલવાનું બંધ કરી દીધું અને પોલીસ ફરિયાદની કાર્યવાહી હાથ ધરી હતી.
રૂ. 80 હજારનો નફો જણાવ્યો
અહેવાલ અનુસાર, 3 જાન્યુઆરીએ દાખલ કરાયેલી FIRમાં જણાવાયું છે કે, વેલ્થ મેનેજમેન્ટ કંપનીના પ્રતિનિધિ તરીકે ઓળખ આપનારા કેટલાક વ્યક્તિઓએ ગયા વર્ષે નવેમ્બરમાં બિન્નીપેટના રહેવાસી વૃદ્ધનો સંપર્ક કર્યો હતો, અને તેમને "પ્રી-IPO ની ફાળવણી"નું વચન આપ્યું હતું. પોલીસે જણાવ્યું કે, કરાર પર સહી કરવા માટે સમજાવ્યા પછી, તેમને રૂ. 5 લાખ ડિપોઝિટ કરવાનું કહેવામાં આવ્યું હતું. ફરિયાદીને પાછળથી કહેવામાં આવ્યું હતું કે, તેમને ICICI પ્રુડેન્શિયલ AMC ના 150 શેર ફાળવવામાં આવ્યા છે, જેના પરિણામે તેમને રૂ. 80,000 નો નફો થયો છે.
માંગ્યા કરતા રકમ વધારે પહોંચી ગઇ
આનાથી પ્રોત્સાહિત થઈને, પીડિતાને બીજી વખતે રૂ. 23.10 લાખના ભાવે બીજા IPO માં રોકાણ કરવાનું કહેવામાં આવ્યું હતું. જેને લઇને તેઓ સંમત થયા હતા, તેમ છતાં તેમને રૂ. 45 પ્રતિ શેરના ભાવે 2.24 લાખ શેર ઓફર કરવામાં આવ્યા હતા, જેની રકમ તેમણે માંગ્યા કરતા ઘણા વધારે હતી.
લોનની ઓફર કરાઇ
અહેવાલ અનુસાર, પોલીસે જણાવ્યું હતું કે, જ્યારે મોટી રકમ ફાળવવા અંગે ના પાડી, ત્યારે કૌભાંડીઓએ તેમને 13% વ્યાજ દરે રૂ. 36.79 લાખની લોન ઓફર કરી હતી, જેની સામે રૂ. 42 લાખની ચૂકવવા પડતા હતા. પીડિત તે માટે સંમત થયા હતા.
ગઠીયાઓએ માંગ નકારી કાઢી
1 જાન્યુઆરીના રોજ, તેમને રૂ. 125 પ્રતિ શેરના ભાવે 2.24 લાખ શેર વેચવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો, જેમાં લગભગ રૂ. 2 કરોડનો કાગળ પર નફો દર્શાવવામાં આવ્યો હતો જો કે, જ્યારે તેમણે વિનંતી કરી કે, તેમને રૂ. 40 લાખ ચૂકવવામાં આવે, અને લોનની રકમ તેમની કમાણી સામે સેટ કરી દેવામાં આવે, જો કે, ગઠીયાઓએ તેમની માંગ નકારી કાઢી હતી.
પોલીસ ફરિયાદ નોંધાઇ
બેંગલુરુના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન (CCPS) માં નોંધાયેલી FIR માં જણાવાયું છે કે, "ફરિયાદી ચિંતિત થઈ ગયા હતા, અને ChatGPT માં આ અંગેની તપાસ શરૂ કરી દીધી હતી. ફરિયાદીને એ જાણીને આઘાત લાગ્યો કે, તેમની જોડે છેતરપીંડિ કરાઇ છે. અને આમ કરનાર વિરૂદ્ધ અગાઉ અનેક ફરિયાદો નોંધાયેલી છે." ઉપરોક્ત મામલે ફરિયાદ નોંધવામાં આવી છે. અને આરોપીઓ વિરૂદ્ધ પોલીસ કાર્યવાહી તેજ કરી દેવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ પણ વાંચો --------- Technology-2026: હવે અરીસો બતાવશે તમારું સ્વાસ્થ્ય! સ્માર્ટ ગ્લાસ સ્કેન કરશે તમારું આરોગ્ય!


