Delhi Airport પર SkyCast System એક્ટિવ, જાણો શું થશે ફાયદો !
Delhi Airport : કેન્દ્રીય વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી, પૃથ્વી વિજ્ઞાન રાજ્ય મંત્રી પરમાણુ ઊર્જા અને અવકાશ રાજ્ય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે આજે નવી દિલ્હી ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ (IGI) એરપોર્ટ,ખાતે ભારતની પ્રથમ "સ્કાયકાસ્ટ સિસ્ટમ" (SkyCast System) નું ઉદ્ઘાટન કર્યું છે, અને તેને ભારતીય એવિએશન (ઉડ્ડયન) ક્ષેત્રે એક નવા યુગની શરૂઆત ગણાવી છે.
Delhi Airport, બીજી સુવિધા જેવર એરપોર્ટ પર શરૂ કરાશે
મંત્રીએ માહિતી આપતા જણાવ્યું કે, અત્યાર સુધી વિશ્વભરમાં આવી માત્ર 18 અદ્યતન સિસ્ટમ્સ અસ્તિત્વમાં છે, અને એવિએશન વેધર મોનિટરિંગમાટે આ સંકલિત વાતાવરણીય રિમોટ સેન્સિંગ સિસ્ટમ સ્થાપિત કરનાર ભારત વિશ્વનો 19મો દેશ બન્યો છે. તેમણે જણાવ્યું કે, આઈજીઆઈ એરપોર્ટ દિલ્હી પછી, આવી બીજી સુવિધા જેવર એરપોર્ટ પર શરૂ કરવામાં આવશે, ત્યારબાદ ભારતભરના અન્ય એરપોર્ટ પર તેનો વિસ્તાર કરવામાં આવશે.
Delhi Airport, અધિકારીઓ અને પ્રતિનિધિઓની ઉપસ્થિત
આ ઉદ્ઘાટન સમારોહ નવી દિલ્હીના આઈજીઆઈ એરપોર્ટ પર પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સચિવ ડૉ. એમ. રવિચંદ્રન; MoES, ભારત હવામાન વિજ્ઞાન વિભાગ (IMD), ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટ્રોપિકલ મેટોરોલોજી (IITM), GMR ના વરિષ્ઠ અધિકારીઓ અને એવિએશન સેક્ટરના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં યોજાયો હતો. ડૉ. જિતેન્દ્ર સિંહે ગ્લાઇડ પાથ 10 (Glide Path 10) ખાતે સ્કાયકાસ્ટ સિસ્ટમ અને ફોગ ઓબ્ઝર્વેટરી (ધુમ્મસ વેધશાળા) સુવિધાનું ઉદ્ઘાટન કર્યું હતું, ત્યારબાદ IITM ના વૈજ્ઞાનિકો દ્વારા ટેકનિકલ બ્રીફિંગ અને પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
રીઅલ ટાઇમ માહિતી પૂરી પાડશે
ડૉ. જિતેન્દ્ર સિંહે આવી ભવિષ્યલક્ષી હવામાન ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાને શક્ય બનાવવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના "મિશન મૌસમ" ના વિઝનને શ્રેય આપ્યો હતો. તેમણે કહ્યું કે, સ્કાયકાસ્ટ પ્રતિકૂળ હવામાનની સ્થિતિ દરમિયાન પાયલોટ્સ અને એવિએશન ઓપરેટર્સને રીઅલ-ટાઇમ માહિતી પૂરી પાડીને એવિએશન સેફ્ટીમાં મોટું પરિવર્તન લાવશે.
ત્રણ કલાક અગાઉ મળશે એલર્ટ
મંત્રીએ જણાવ્યું હતું કે, મુસાફરો હવે એવા ભવિષ્યની આશા રાખી શકે છે, જ્યાં ધુમ્મસ અને ટર્બ્યુલન્સને કારણે ફ્લાઇટની કામગીરીમાં થતી અડચણો નોંધપાત્ર રીતે ઓછી થશે. આ સિસ્ટમ એરક્રૂ અને પાયલોટ્સને આશરે ત્રણ કલાકના ટૂંકા ગાળામાં પણ અગાઉથી એલર્ટ આપશે, જે તેમને લેન્ડિંગ માટેના સૌથી સુરક્ષિત સમયનો નિર્ણય લેવામાં સક્ષમ બનાવશે, અને બિનજરૂરી ડાયવર્ઝન, કેન્સલેશન અને વિલંબને ટાળી શકાશે.
ટેક-ઓફ અને લેન્ડિંગ વધુ સુરક્ષિત બનશે
ડૉ. જિતેન્દ્ર સિંહે વધુમાં જણાવ્યું હતું કે, સ્કાયકાસ્ટ એ ભારતના એવિએશન ઇતિહાસમાં સૌથી મોટો સીમાચિહ્નરૂપ પ્રોજેક્ટ છે, કારણ કે, તે ધુમ્મસની દેખરેખ, ટર્બ્યુલન્સની ભાળ મેળવવા અને ઉચ્ચ-અસરવાળા હવામાનની આગાહી માટે બહુવિધ વાતાવરણીય અવલોકન તકનીકોનું સંયોજન કરે છે. વ્યાપક અને રીઅલ-ટાઇમ વાતાવરણીય માહિતી પ્રદાન કરવા માટે આ સિસ્ટમ રડાર વિન્ડ પ્રોફાઇલર, સોડાર (SODAR), માઇક્રોવેવ રેડિયોમીટર, ગ્રાઉન્ડ-બેઝ્ડ ફોગ એરોસોલ સ્પેક્ટ્રોમીટર (GFAS) અને CL61 લિડાર-આધારિત સિલોમીટર સહિતની અત્યાધુનિક વાતાવરણીય રિમોટ સેન્સિંગ તકનીકોને સંકલિત કરે છે. તેમણે ઉમેર્યું કે આ સુવિધા રનવે પર દેખરેખ અને ચેતવણીની ક્ષમતાઓને મજબૂત બનાવશે, જેનાથી ટેક-ઓફ અને લેન્ડિંગ વધુ સુરક્ષિત બનશે.
આ પણ વાંચો - Mark Zuckerberg : છટણી બાદ હવે Meta માર્કેટમાં સ્પર્ધા વધારશે, જાણો શું છે પ્લાન


