Fraud Alert : RBI ના નામે બોગસ મેસેજ મોકલીને બેંક એકાઉન્ટ ખાલી કરવાનો ખેલ !
Fraud Alert : આજના ડિજિટલ યુગમાં બેંકિંગ ફ્રોડના કિસ્સાઓ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. હાલમાં જ સાયબર ગુનેગારો દ્વારા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ના નામે વોટ્સએપ પર નકલી નોટિસ મોકલીને લોકોને શિકાર બનાવવામાં આવી રહ્યા છે. જે અંગે વિગતવાર માહિતી સાયબર એક્સપર્ટ મયુર ભૂસાવળકર દ્વારા આપવામાં આવી છે.
Fraud Alert, સાઇબર સ્કેમર્સ કેવી રીતે ઇન્ટરનેટ યુઝર્સને છેતરે છે ?
- લોગોનો દુરુપયોગ: સ્કેમર્સ તેમના વોટ્સએપ એકાઉન્ટ પર RBI નો અસલી દેખાતો લોગો લગાવે છે, જેથી સામાન્ય માણસ તેને સાચો માની લે.
- ડર અને ધમકી: મેસેજમાં એવો દાવો કરવામાં આવે છે કે તમારા બેંક એકાઉન્ટમાં શંકાસ્પદ વ્યવહારો થયા છે. જો તમે ૩ દિવસમાં વિગતો નહીં આપો, તો તમારું એકાઉન્ટ બંધ કરી દેવામાં આવશે.
- ખતરનાક ફાઇલો (.ZIP અથવા .APK): મેસેજની સાથે એક ફાઇલ ડાઉનલોડ કરવા માટે કહેવામાં આવે છે. આ ફાઇલ ખરેખર એક વાયરસ હોય છે. જેવી તમે તેને ડાઉનલોડ કરો, તે તમારા ફોનનો કંટ્રોલ હેકર્સને આપી દે છે.
Fraud Alert, લોગોનો ઉપયોગ કરવામાં આવ્યો
કેસ સ્ટડી: વડોદરા શહેરના યુવાન ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ના મોબાઈલ ઉપર અજાણ્યા મોબાઈલ નંબર પરથી બે પ્રકારના મેસેજ આવ્યા પહેલા મેસેજમાં બેંકના સ્ટેટમેન્ટ ની વાત કરવામાં આવી છે ,બીજા પ્રકારના મેસેજમાં નોટિસ ની વાત કરવામાં આવી છે, બે અલગ અલગ નંબર પરથી આવેલા મેસેજમાં ડીપી પિક્ચર તરીકે આરબીઆઈના લોગોનો ઉપયોગ કરવામાં આવ્યો છે, અને ત્યારબાદ તેમના દ્વારા તે બંને મેસેજ ને ખરાઈ કરવા માટે મને મોકલવામાં આવ્યા.
મેસેજનું 360 ડિગ્રી વિશ્લેષણ
સાઇબર એક્સપર્ટ મયુર ભુસાવળકરે જ્યારે આ મેસેજ નું 360 ડિગ્રી ટેકનીકલ એનાલિસિસ કર્યું, તો તે બાબત સામે આવી કે આ મેસેજ સંપૂર્ણપણે નકલી છે. તેમાં છેતરપિંડી કરનારાઓએ ઇન્ટરનેટ યુઝર્સને ફસાવવા માટે નવા પ્રકારની .ZIP ફાઈલની યુક્તિઓ વાપરી છે,
- ખોટો નંબર: રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ક્યારેય પણ સામાન્ય પર્સનલ વોટ્સએપ (+91) નંબર પરથી ગ્રાહકોને મેસેજ કે નોટિસ મોકલતી નથી.
- નકલી પ્રોફાઇલ: વિશ્વાસ જીતવા માટે પ્રોફાઇલ પિક્ચરમાં RBI ના સત્તાવાર લોગો નો ઉપયોગ કરવામાં આવ્યો છે.
- શંકાસ્પદ ફાઇલ: મેસેજ સાથે file_1780044205266.zip નામની ફાઇલ મોકલવામાં આવી છે. આવી ફાઇલોમાં માલવેર અથવા વાયરસ ઉપલબ્ધ હોય છે, જે તમારા ફોન કે કમ્પ્યુટરનો ડેટા ચોરી કરી શકે છે.
- ડર પેદા કરવો: મેસેજમાં ધમકી આપવામાં આવી છે કે જો ૩ દિવસમાં જવાબ નહીં આપો તો તમારું એકાઉન્ટ બંધ થઈ જશે. સ્કેમર્સ હંમેશા તમને ડરાવીને ઉતાવળમાં ભૂલ કરાવવાનો પ્રયાસ કરે છે.
આ રીતે બચાવ પગલાં ભરો
મયુર ભુસાવળકર જણાવે છે કે, જો તમે ભૂલથી આવી કોઈ શંકાસ્પદ લિંક પર ક્લિક કરી દીધું હોય અથવા કોઈ અજાણી ફાઇલ ડાઉનલોડ કરી લીધી હોય, તો ગભરાયા વગર તરત જ નીચે મુજબના પગલાં લેવા જોઈએ:
- ઇન્ટરનેટ તરત જ બંધ કરો : તમારા ફોનનું મોબાઈલ ડેટા અને વાઇ-ફાઇ કનેક્શનને તરત જ બંધ કરી દો.અથવા ફોનને થોડીવાર માટે એરપ્લેન મોડ પર મૂકી દો,આમ કરવાથી હેકર્સ તમારા ફોનમાંથી ઓનલાઇન ડેટા ચોરી શકાશે નહીં અને વાયરસ આગળ કામ કરતો અટકી જશે.
- બેંક એકાઉન્ટ અને કાર્ડ બ્લોક કરો : જો તમે લિંક પર ક્લિક કરીને બેંકિંગ વિગતો કે પાસવર્ડ ભર્યા હોય, તો તરત જ તમારી બેંકના કસ્ટમર કેરને ફોન કરો.તમારા એટીએમ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અને નેટ બેંકિંગ એકાઉન્ટને તાત્કાલિક બ્લોક કરાવો.બેંકિંગ એપ્સના પાસવર્ડ અને UPI પિન બીજા સુરક્ષિત ફોનમાંથી બદલી નાખો.
- અજાણી એપ્સ અને ફાઇલો ડિલીટ કરો : તમારા ફોનના સેટિંગ્સમાં જઈને એપ્લિકેશન લિસ્ટ અથવા ફાઈલ મેનેજર ચેક કરો.જો કોઈ નવી કે અજાણી એપ્લિકેશન ખાસ કરીને તમે ડાઉનલોડ ન કરી હોય તેવી .apk .zip ફાઇલ દેખાય, તો તેને તરત જ Uninstall કરો.
- સોશિયલ મીડિયા અને ઈમેલના પાસવર્ડ બદલો : તમારા મહત્વના એકાઉન્ટ્સ જેવા કે Gmail, WhatsApp, Facebook અને અન્ય પર્સનલ એકાઉન્ટના પાસવર્ડ બદલી નાખો.જો તમારા એકાઉન્ટ્સમાં Two-Factor Authentication (2FA) ચાલુ ન હોય, તો તેને તરત જ સેટિંગ્સમાં જઈને એક્ટિવેટ કરો.
- ફોનને સ્કેન કરો અથવા ફેક્ટરી રીસેટ કરો : ગૂગલ પ્લે પ્રોટેક્ટ અથવા કોઈ સારા અને વિશ્વાસુ એન્ટી-વાયરસ સોફ્ટવેર વડે તમારા આખા ફોનને સ્કેન કરો.જો તમને લાગે કે ફોન હજી પણ વિચિત્ર રીતે કામ કરી રહ્યો છે ,જેમ કે જાતે ચાલુ-બંધ થવો કે ગરમ થવો, તો ફોનનો અગત્યનો ડેટા સાચવીને ફોનને ફેક્ટરી રીસેટ કરી દો.
- અહીં નોંધવો ફરિયાદ : જો તમારી સાથે નાણાકીય છેતરપિંડી થઈ હોય, તો બિલકુલ સમય બગાડ્યા વિના સાયબર હેલ્પલાઇન નંબર 1930 પર તાત્કાલિક ફોન કરો અથવા સરકારી વેબસાઇટ www.cybercrime.gov.in પર જઈને ઓનલાઇન ફરિયાદ નોંધાવો.
આ પણ વાંચો - Google Warns Shadow AI : માત્ર 20 જ સેકંડમાં હેકર્સ સિસ્ટમને ઘૂંટણીએ લાવી શકે !


