અકાઉન્ટમાં પૈસા બચાવવા હોય તો ફોનમાંથી ડિલિટ કરો આ એપ, સરકારની મોટી ચેતવણી
- સાયબર ફ્રોડથી સાવધાન: આ 3 એપ્સ સ્માર્ટફોનમાંથી હટાવવા સરકારની સલાહ (Cyber Crime Security Alert)
- કેન્દ્ર સરકારના I4C વિભાગ દ્વારા સ્માર્ટફોન યુઝર્સ માટે હાઈ એલર્ટ જારી કરાયું
- AnyDesk, TeamViewer અને QuickSupport જેવી એપ્સનો ઉપયોગ ટાળવા સૂચના
- આ એપ્સ દ્વારા સ્કેમર્સ તમારા ફોન પર રિમોટ કંટ્રોલ મેળવી ડેટા ચોરી શકે છે
- કસ્ટમર કેરના બહાને આવતા ફેક કોલ્સથી સાવધ રહેવા અને OTP શેર ન કરવા અપીલ
Cyber Crime Security Alert : ભારતમાં સ્માર્ટફોન હવે માત્ર વાતચીતનું સાધન નથી, પરંતુ બેંકિંગથી લઈને ઓફિસના કામ સુધીનું મહત્વનું અંગ બની ગયું છે. આ વધતા ઉપયોગની સાથે સાયબર ક્રાઈમ અને ઓનલાઈન ફ્રોડના કિસ્સાઓ પણ ચિંતાજનક રીતે વધ્યા છે. હાલમાં જ ઇન્ડિયન સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટર (I4C) દ્વારા મોબાઈલ એપ્સને લઈને એક ગંભીર એડવાઈઝરી જારી કરવામાં આવી છે, જે દરેક યુઝર માટે ચેતવણી સમાન છે.
સ્ક્રીન શેરિંગ એપ્સ બની શકે છે જોખમી
I4C ના અહેવાલ મુજબ, સ્ક્રીન-શેરિંગ અને રિમોટ એક્સેસ એપ્સ સામાન્ય યુઝર્સ માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. સાયબર ગુનેગારો આ એપ્સના માધ્યમથી તમારા સ્માર્ટફોન પર રીઅલ-ટાઇમ કંટ્રોલ મેળવી લે છે. ખાસ કરીને AnyDesk, TeamViewer અને QuickSupport જેવી એપ્સનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જોકે આ એપ્સ ટેકનિકલ સપોર્ટ માટે બનાવવામાં આવી છે, પરંતુ સ્કેમર્સ તેનો દુરુપયોગ કરી રહ્યા છે.
Cyber Crime Security Alert : સ્કેમર્સની મોડસ ઓપરેન્ડી
સાયબર ઠગ ઘણીવાર બેંક અધિકારી કે કસ્ટમર કેર એજન્ટ બનીને કોલ કરે છે. તેઓ યુઝર્સને ડરાવે છે કે તેમનું એકાઉન્ટ બ્લોક થઈ જશે અને ત્યારબાદ કોઈ ચોક્કસ એપ ઇન્સ્ટોલ કરવા દબાણ કરે છે. એકવાર એપ ઇન્સ્ટોલ થઈ જાય અને તમે એક્સેસ આપી દો, પછી સ્કેમર તમારા ફોનના OTP, બેંકિંગ પાસવર્ડ અને ખાનગી ડેટા લાઈવ જોઈ શકે છે અને પળવારમાં ખાતું ખાલી કરી દે છે..
Cyber Crime Security Alert : તમારી સુરક્ષા માટે શું કરવું?
સરકારે યુઝર્સને સુરક્ષિત રહેવા માટે કેટલાક મહત્વના સૂચનો આપ્યા છે. જો જરૂરી ન હોય તો તરત જ રિમોટ એક્સેસ એપ્સ ડિલીટ કરવી જોઈએ. કોઈપણ અજાણી વ્યક્તિના કહેવા પર એપ ડાઉનલોડ ન કરો. એપ ઇન્સ્ટોલ કરતી વખતે પરમિશન ચોક્કસ તપાસો અને ક્યારેય પણ OTP કે પર્સનલ વિગતો શેર ન કરો.
સાયબર ફ્રોડ થાય તો અહીં કરો ફરિયાદ
જો તમે સાયબર છેતરપિંડીનો ભોગ બનો છો, તો વિલંબ કર્યા વગર સરકારના અધિકૃત પોર્ટલ www.cybercrime.gov.in પર ઓનલાઈન ફરિયાદ નોંધાવો અથવા રાષ્ટ્રીય સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર 1930 પર કોલ કરો. સાવચેતી જ શ્રેષ્ઠ સુરક્ષા છે.
આ પણ વાંચો : એન્ડ્રોઇડ ફોન યુઝર માટે Google લાવ્યું 'Emergency Live Video', જાણો કેવી રીતે કામ લાગશે


