ઓસ્ટ્રેલિયામાં બનેલી ગોળીબારની ઘટના વિશે Grok એ આપ્યા ખોટા જવાબ! થઇ રહી છે ખૂબ ટીકા
- બ્રેકિંગ ન્યૂઝમાં Grok ની મોટી ભૂલ, AIની વિશ્વસનીયતા પર સવાલ
- એલોન મસ્કના Grok એ ખોટી માહિતી ફેલાવી
- બોન્ડી બીચ ગોળીબારમાં Grokની મોટી ભૂલ, ખોટી ઓળખ ફેલાઈ
- AI ચેટબોટ Grok વિવાદમાં, ભ્રામક માહિતીથી લોકો મૂંઝવણમાં
Grok chatbot misinformation : ટેક્નોલોજીની દુનિયાના દિગ્ગજ એલોન મસ્ક (Elon Musk) દ્વારા વિકસાવવામાં આવેલા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ચેટબોટ ગ્રોક (Grok) હાલમાં આકરી ટીકાનો સામનો કરી રહ્યું છે. ઓસ્ટ્રેલિયાના સિડની સ્થિત બોન્ડી બીચ (Bondi Beach) પર થયેલા ગમખ્વાર સામૂહિક ગોળીબારની ઘટના વિશે ગ્રોકે વારંવાર ખોટી અને ગેરમાર્ગે દોરતી માહિતી ફેલાવી હોવાના ગંભીર આક્ષેપો થયા છે. આ ઘટનાએ બ્રેકિંગ ન્યૂઝના સમયમાં AI ચેટબોટ્સની વિશ્વસનીયતા પર ફરી એકવાર સવાલો ઉભા કર્યા છે.
બોન્ડી બીચની કરુણ ઘટના અને Grok નું વિવાદાસ્પદ વલણ
ઓસ્ટ્રેલિયાના સિડનીના બોન્ડી બીચ પર થયેલા આ ગોળીબારમાં કુલ 16 લોકોના મોત થયા હોવાના અહેવાલો છે. 2 હુમલાખોરોમાંથી 1 નું ઘટનાસ્થળે પોલીસ દ્વારા મોત નીપજ્યું હતું, જ્યારે બીજો હોસ્પિટલમાં સારવાર હેઠળ હતો. જ્યારે વિશ્વભરમાં લોકો આ કરુણ ઘટના વિશે અધિકૃત માહિતી મેળવવા માટે ઓનલાઈન સર્ચ કરી રહ્યા હતા, ત્યારે એલોન મસ્કના AI પ્લેટફોર્મ Grok એ ઘણી મુખ્ય હકીકતોને ખોટી રીતે રજૂ કરીને મૂંઝવણ વધારી દીધી હતી. Grok, જે મસ્કની AI કંપની xAI દ્વારા વિકસાવવામાં આવ્યો છે અને તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર વ્યાપકપણે ઉપયોગમાં લેવાય છે, તેણે યુઝર્સના સવાલોના જે જવાબ આપ્યા, તે વારંવાર ખોટા હોવાનું સાબિત થયું.
ખોટી ઓળખ અને ભ્રામક વીડિયો રિપોર્ટિંગ (Grok)
ગિઝમોડો (Gizmodo)ના એક અહેવાલ મુજબ, Grok એ ઘટના સંબંધિત સૌથી મહત્ત્વની હકીકત, એટલે કે હુમલાખોરનો સામનો કરનાર અને તેને નિઃશસ્ત્ર કરવામાં મદદ કરનાર વ્યક્તિની ઓળખ વારંવાર ખોટી રીતે રજૂ કરી. 43 વર્ષીય અહેમદ અલ અહેમદ, જેણે બંદૂકધારીનો સામનો કર્યો અને તેને નિઃશસ્ત્ર કરતો વીડિયો વાયરલ થતાં તેને વ્યાપક પ્રશંસા મળી હતી. જેને એક પ્રસંગે Grok એ ભૂલથી અલ અહેમદને ઇઝરાયલી બંધક તરીકે ઓળખાવ્યો. વળી બીજા પ્રસંગે, ચેટબોટે દાવો કર્યો કે બંદૂકધારીને નિઃશસ્ત્ર કરનાર વ્યક્તિ ખરેખર એડવર્ડ ક્રેબટ્રી નામનો 43 વર્ષીય IT પ્રોફેશનલ હતો. આ માહિતી પણ તદ્દન ખોટી સાબિત થઈ. આ ઉપરાંત, Grok એ અલ અહેમદની બહાદુરી દર્શાવતા વ્યાપકપણે શેર કરાયેલા વીડિયો અને ફોટા વાસ્તવિક હતા કે નહીં તે અંગે પણ શંકા વ્યક્ત કરી.
માણસને ઇઝરાયલી બંધક તરીકે ઓળખાવ્યો
ગ્રોકે માત્ર મુખ્ય વ્યક્તિઓની ખોટી ઓળખ જ ન આપી, પરંતુ એક પ્રસંગે ઓસ્ટ્રેલિયન ગોળીબાર સાથે સંપૂર્ણપણે અસંબંધિત વિષયોને પણ તેના જવાબોમાં સામેલ કર્યા. આમાં ઇઝરાયલી સૈન્ય અને પેલેસ્ટિનિયનો પ્રત્યેના તેના વર્તન વિશેની ટિપ્પણીઓ સામેલ હતી, જે આ ઘટના સાથે કોઈ રીતે જોડાયેલી નહોતી. આ ભૂલો તરફ નિર્દેશ થયા બાદ, ગ્રોકે પોતે પછીથી સ્વીકાર્યું કે વાયરલ પોસ્ટ્સ અને અવિશ્વસનીય ઓનલાઈન લેખોને કારણે મૂંઝવણ ઊભી થઈ હશે, જેમાં કદાચ નબળી રીતે જાળવવામાં આવેલી ન્યૂઝ વેબસાઇટ્સ પરની AI-જનરેટેડ સામગ્રીનો પણ સમાવેશ થતો હશે.
AI ચેટબોટ્સની વિશ્વસનીયતા કેટલી?
મસ્કના ગ્રોક પર ઉઠેલા આ વિવાદે એક ગહન પ્રશ્ન ઊભો કર્યો છે: બ્રેકિંગ ન્યૂઝ ઇવેન્ટ્સ દરમિયાન AI ચેટબોટ્સની વિશ્વસનીયતા કેટલી? જ્યારે કોઈ મોટી અને સંવેદનશીલ ઘટના બને છે, ત્યારે માહિતી ઝડપથી બદલાતી રહે છે. આવા સમયે, AI ચેટબોટ્સ, જે મોટાભાગે ઓનલાઈન ડેટા અને સોશિયલ મીડિયાના વલણો પર આધાર રાખે છે, તેઓ ખોટા કે ગેરમાર્ગે દોરનારા ડેટાનો શિકાર બની શકે છે. નાની ભૂલો પણ ઝડપથી ફેલાઈ શકે છે અને જાહેર જનતામાં મોટી મૂંઝવણ પેદા કરી શકે છે.
આ પણ વાંચો : UPI Fraud Prevention : UPI ફ્રોડથી બચો, માત્ર 1 સેકન્ડ તમને લાખોનું નુકસાન અટકાવશે