Smart CCTV Camera વાપરો છો તો સાવધાન! નાની બેદરકારીથી ઘરનો લાઈવ વીડિયો પહોંચી શકે છે હેકર્સ પાસે, જાણો સુરક્ષા ટિપ્સ
Smart CCTV Camera : અગાઉના સમયમાં સીસીટીવી (CCTV) કેમેરાનો ઉપયોગ માત્ર ઓફિસો, શોપિંગ મોલ્સ અથવા જાહેર સ્થળો (Public Places) પર સુરક્ષા જાળવવા માટે જ કરવામાં આવતો હતો. પરંતુ વર્તમાન સમયમાં ટેકનોલોજી સસ્તી થવાને કારણે સીસીટીવી કેમેરા સામાન્ય લોકોના બજેટમાં આવી ગયા છે. આજે બજારમાં માત્ર 1,000 રૂપિયાની શરૂઆતી કિંમતથી (Starting Price) સારા કેમેરા મળી રહે છે. આ જ કારણ છે કે લોકો હવે કોઈ પણ પ્રકારનો વિચાર કર્યા વિના પોતાના ઘરોમાં ધડાધડ સીસીટીવી કેમેરા લગાવી રહ્યા છે.
ટેકનોલોજી ક્યારેક ખતરો સાબિત કરી શકે
આજના આધુનિક યુગમાં ઘરો, ફ્લેટ્સ, સોસાયટીઓ, બાળકોના રૂમ અને પાલતુ પ્રાણીઓ (Pets) પર નજર રાખવા માટે લોકો વાઈ-ફાઈ (Wi-Fi) કનેક્ટિવિટી ધરાવતા સ્માર્ટ સીસીટીવી કેમેરા વધુ પસંદ કરે છે. મોબાઈલ એપ્લિકેશન (Mobile App) દ્વારા દુનિયાના કોઈપણ ખૂણેથી ઘરનો લાઈવ વીડિયો (Live Video) જોવો હવે ખૂબ જ સરળ બની ગયો છે. પરંતુ, સુવિધા આપતી આ જ ટેકનોલોજી ક્યારેક તમારા માટે સૌથી મોટો ખતરો સાબિત થઈ શકે છે. જો તમારો હોમ કેમેરા યોગ્ય રીતે સિક્યોર (Secure) નથી, તો કોઈ પણ અજાણ્યો વ્યક્તિ તમારા ઘરના લાઈવ ફીડ અથવા રેકોર્ડિંગ સુધી સરળતાથી પહોંચી શકે છે.
ભારતમાંથી પાકિસ્તાન અને ચીન જઈ રહ્યો છે ડેટા?
તાજેતરમાં જ સિક્યોરિટી એજન્સીઓ દ્વારા એક ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો હતો કે ભારતમાં ઘરો અને ઓફિસોમાં લાગેલા કેટલાક સીસીટીવી (CCTV) કેમેરાના લાઈવ વિઝ્યુઅલ્સ (Visuals) પાકિસ્તાન અને ચીન જેવા દેશોના સર્વર પર જઈ રહ્યા છે. આ આંતરરાષ્ટ્રીય ડેટા લીક પાછળનું મુખ્ય કારણ સીસીટીવી કેમેરાની અત્યંત નબળી સિક્યોરિટી (Weak Security) હોવાનું સામે આવ્યું છે. વિવિધ અહેવાલોમાં એવો દાવો પણ કરવામાં આવ્યો હતો કે સરકારે ઘણી ચીની કંપનીઓના સીસીટીવી કેમેરા પર પ્રતિબંધ (Ban) લગાવ્યો છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે હજુ પણ આવી ચીની કંપનીઓ ભારતીય બજારમાં ખુલ્લેઆમ પોતાના કેમેરા વેચી રહી છે.
ભારતમાં સીસીટીવી હેકિંગનું મુખ્ય કારણ શું? (Smart CCTV Camera)
સાયબર સિક્યોરિટી એક્સપર્ટ્સ (Cyber Security Experts) લાંબા સમયથી ચેતવણી આપી રહ્યા છે કે ઈન્ટરનેટ સાથે જોડાયેલા આઈપી કેમેરા (IP Camera) અને સ્માર્ટ કેમેરા હેકર્સના સોફ્ટ ટાર્ગેટ બની રહ્યા છે. આ કેમેરા હેક (Hacked) થવા પાછળ ખોટી સેટિંગ્સ, નબળા પાસવર્ડ અથવા તો લાંબા સમયથી અપડેટ ન કરાયેલા સોફ્ટવેર જવાબદાર હોય છે. અમેરિકાની ફેડરલ ટ્રેડ કમિશન (FTC) પણ સ્પષ્ટપણે જણાવે છે કે સ્માર્ટ કેમેરા ખરીદતી વખતે તેની વીડિયો ક્વોલિટી (Video Quality) જેટલી જ અગત્યતા તેના સિક્યોરિટી ફીચર્સને (Security Features) આપવી જોઈએ.
ભારતમાં પણ આવા અસંખ્ય કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે જ્યાં સુરક્ષા ખામીઓને કારણે કેમેરાના ડેટા સાથે ચેડાં થયા હોય. તાજેતરમાં જ ભારત સરકારની સાયબર સુરક્ષા સંસ્થા સર્ટ-ઇન (CERT-In) દ્વારા કેટલાક વાઈ-ફાઈ કેમેરામાં ગંભીર ખામીઓ હોવાની સત્તાવાર માહિતી આપવામાં આવી હતી. આ ખામીનો ફાયદો ઉઠાવીને અટેકર્સ (Attackers) ડિવાઈસની સેન્સિટિવ માહિતી ચોરી શકતા હતા. આ ઘટના બાદ સરકારે યુઝર્સને તાત્કાલિક પોતાનું ફર્મવેર અપડેટ (Firmware Update) કરવાની સલાહ આપી હતી.
ઇન્સ્ટોલેશન કરનાર લોકલ વેન્ડર પણ વધારે છે જોખમ
સમસ્યા માત્ર કેમેરાની ગુણવત્તા પૂરતી મર્યાદિત નથી. ઘણી વખત કેમેરા ઇન્સ્ટોલ કરનાર લોકલ વેન્ડર (Local Vendor) પણ અજાણતામાં તમારી પ્રાઈવસી માટે જોખમ ઊભું કરી દે છે. મોટાભાગના કિસ્સાઓમાં, આ ટેકનિશિયનો બધા જ ગ્રાહકોના કેમેરામાં એક સરખો જ 'એડમિન પાસવર્ડ' (Admin Password) સેટ કરી દે છે અથવા ઇન્સ્ટોલેશન પૂરું થયા પછી ડિફોલ્ટ પાસવર્ડ બદલવાની તસ્દી લેતા નથી. જો તમારા કેમેરાનો પાસવર્ડ બદલવામાં ન આવે, તો તે ડિફોલ્ટ પાસવર્ડ જાણનારો કોઈ પણ વ્યક્તિ તમારા ઘરના અંગત વીડિયો જોઈ શકે છે. તેથી જ, ઘરમાં સીસીટીવી કેમેરા ઇન્સ્ટોલ થયા પછી સૌથી પહેલું કામ કેમેરા અને તેની મોબાઈલ એપનો પાસવર્ડ બદલવાનું હોવું જોઈએ.
કેમેરા સિક્યોરિટી માટે અપનાવો આ બેસ્ટ પ્રેક્ટિસ
ઘણા લોકો એક સામાન્ય ભૂલ કરે છે કે તેઓ પોતાના ઈમેલ (Email) કે સોશિયલ મીડિયા એકાઉન્ટનો જે પાસવર્ડ હોય, તે જ પાસવર્ડ સીસીટીવી કેમેરા માટે પણ રાખી લે છે. જો ભવિષ્યમાં કોઈ એક વેબસાઈટ પરથી તમારો પાસવર્ડ લીક (Data Leak) થઈ જાય, તો હેકર્સ તે જ પાસવર્ડનો ઉપયોગ તમારા કેમેરાને એક્સેસ કરવા માટે કરી શકે છે. આવું ન થાય તે માટે જ્યારે પણ તમે સીસીટીવી કેમેરા લગાવવો છો ત્યારે તમારે મજબૂત અને યુનિક પાસવર્ડ (Strong Password) બનાવો જોઇએ. આ સિવાય જો કેમેરા બનાવતી કંપની ટૂ-ફેક્ટર ઓથેન્ટિકેશન (Two-Factor Authentication) ની સુવિધા આપતી હોય, તો તેને સેટિંગ્સમાં જઈને તરત જ ઓન (ON) કરો.
આનાથી પાસવર્ડ ખબર હોવા છતાં તમારા ઓટીપી (OTP) વગર કોઈ લોગઈન નહીં કરી શકે. વળી બજારમાં મળતા સસ્તા કેમેરા જૂના સોફ્ટવેર પર ચાલતા હોય છે. જેને કંપનીઓ સમય-સમય પર સુરક્ષા ખામીઓને સુધારવા માટે સિક્યોરિટી પેચ અને અપડેટ્સ જાહેર કરે છે. કેમેરા અને મોબાઈલ એપ બંનેને હંમેશા અપ-ટુ-ડેટ (Up-to-date) રાખો. ઉપરાંત કેમેરાને ક્યારેય સીધા ઓપન ઈન્ટરનેટ પર એક્સેસ ન આપો. રાઉટરમાં (Router) બિનજરૂરી પોર્ટ ખુલ્લા ન રાખવા જોઈએ. હંમેશા સિક્યોર એપ, એન્ક્રિપ્ટેડ કનેક્શન (HTTPS) અને શક્ય હોય તો વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક (VPN) નો ઉપયોગ કરો.
ઘરના આ સંવેદનશીલ ભાગોમાં ભૂલથી પણ કેમેરા ન લગાવો
કેમેરા કઈ જગ્યાએ લગાવી રહ્યા છો તે બાબત સૌથી મહત્વની છે. જો સ્માર્ટ કેમેરા બેડરૂમ (Bedroom), બાથરૂમની આસપાસ કે બાળકોના રૂમ જેવા ખાનગી વિસ્તારોમાં (Private Areas) લગાવવામાં આવે, તો તેનું હેક થવું એ માત્ર ડેટાની ચોરી નથી પરંતુ તમારી અંગત જિંદગી (Private Life) માટે મોટો ખતરો બની શકે છે. આવી સંવેદનશીલ જગ્યાઓ પર કેમેરા લગાવવાનું ટાળો અને જો ખૂબ જ જરૂર હોય, તો જ્યારે તમે ઘરમાં હાજર હોવ ત્યારે તેનો રિમોટ એક્સેસ (Remote Access) અથવા કેમેરા પાવર બંધ રાખવાની આદત પાડો.
નવો કેમેરો ખરીદતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખશો?
બજારમાં કેમેરો ખરીદતી વખતે માત્ર ઓછી કિંમત (Price) કે વધારે મેગાપિક્સલ (Megapixel) જોઈને આકર્ષાવું જોઈએ નહીં. કેમેરો ખરીદતા પહેલા ઘણી બધી બાબતો છે જેનું તમારે ધ્યાન રાખવું જોઇએ.
- તમારે જોવું જોઇએ કે, કંપની નિયમિત સિક્યોરિટી અપડેટ્સ (Regular Security Updates) આપે છે કે નહીં?
- ડેટા એન્ક્રિપ્શન (Data Encryption) સપોર્ટ ઉપલબ્ધ છે કે નહીં?
- તેમાં 2FA (Two-Factor Authentication) ફીચર છે કે નહીં?
- કેમેરાની બ્રાન્ડ અને તેની મોબાઈલ એપ્લિકેશન કેટલી વિશ્વસનીય (Trusted) છે?
બિન-બ્રાન્ડેડ અને અત્યંત સસ્તા આઈપી કેમેરા શરૂઆતમાં પૈસા બચાવે છે, પણ ભવિષ્યમાં તમારી પ્રાઈવસી વહેંચીને મોટું નુકસાન પહોંચાડી શકે છે.
આજને આજ કરો આ નાનું કામ
જો તમારા ઘરમાં ઓલરેડી સ્માર્ટ સીસીટીવી કેમેરા લાગેલો છે, તો આજે જ માત્ર 5 મિનિટનો સમય કાઢીને તેની સુરક્ષા તપાસો. તેનો પાસવર્ડ બદલો, સોફ્ટવેર અપડેટ (Software Update) કરો, અને સેટિંગ્સમાં જઈને કોઈ અજાણ્યું યુઝર એકાઉન્ટ (User Account) લોગઈન છે કે નહીં તે ચેક કરો. તમારી આ નાનકડી સાવધાની તમારા પરિવારની પ્રાઈવસી અને આખા હોમ નેટવર્કને (Home Network) સુરક્ષિત રાખવામાં મદદ કરશે.
આ પણ વાંચો : Satya Nadella AI Warning : AI નો આંધળો ઉપયોગ કંપનીઓને કરી શકે છે બરબાદ? જાણો સત્ય નડેલાની આ ચેતવણી વિશે!

