Chandrayaan-2 News : સ્પેસમાં ભારતને મળી મોટી સફળતા, Chandrayaan-2 એ ચંદ્રના સાઉથ પોલ પર શોધ્યો બરફ
Chandrayaan-2 News : ISROના મહત્વકાંક્ષી મિશન Chandrayaan-2 એ વિજ્ઞાન જગતમાં એક નવી ક્રાંતિ સર્જી છે. ચંદ્રના સાઉથ પોલ નજીકના અત્યંત ઠંડા અને અંધકારમય વિસ્તારોમાં મોટા પ્રમાણમાં વોટર આઈસ (Water Ice) ના અસ્તિત્વના નક્કર પુરાવા મળ્યા છે. જોકે ચંદ્ર પર વોટર આઈસની શોધ થવાના પગલે ભવિષ્યમાં માનવ મિશન માટે નવી ઉમ્મદ મળી છે.
Chandrayaan-2 News : અદ્યતન ટેકનોલોજીનો કમાલ
આ સફળતા પાછળ ચંદ્રયાન-2 ઓર્બિટર પર લાગેલ ડ્યુઅલ ફ્રીક્વન્સી સિન્થેટિક એપર્ચર રડાર (DFSAR) નો મુખ્ય ફાળો છે. આ સાધન માઇક્રોવેવ ઇમેજિંગ (Microwave Imaging) ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. તે L-બેન્ડ અને S-બેન્ડ ફ્રીક્વન્સી પર કાર્યરત દુનિયાનું પ્રથમ સંપૂર્ણ પોલેરિમેટ્રિક રડાર છે, જે ચંદ્રની સપાટીની નીચે છુપાયેલા ખડકો અને બરફ વચ્ચેનો ભેદ સ્પષ્ટ રીતે પારખી શકે છે.
કેમ ખાસ છે આ શોધ?
ગુજરાતના અમદાવાદ સ્થિત ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી (PRL) ના વૈજ્ઞાનિકોએ આ ડેટાનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કર્યું છે. ચંદ્રના જે ભાગો કાયમી અંધકારમાં રહે છે (Permanently Shadowed Regions - PSRs), ત્યાં તાપમાન માઈનસ 248 ડિગ્રી સેલ્સિયસ સુધી નીચું જાય છે. રડારના ડેટામાં ગોળાકાર ધ્રુવીકરણ ગુણોત્તર (CPR) અને ધ્રુવીકરણની ડિગ્રી (DOP) ના માપદંડો પરથી સાબિત થયું છે કે અહીં મોટા પ્રમાણમાં બરફ જોવા મળે છે. ખાસ કરીને 'ફૌસ્ટિની ક્રેટર' (Faustini Crater) માં મળેલા સંકેતો સૌથી વધુ સચોટ છે.
View this post on Instagram
માનવ મિશન માટે કેમ મહત્વનું?
ચંદ્ર પર પાણી મળવું એ ભવિષ્યના અવકાશ મિશન માટે ગેમ-ચેન્જર (Game-changer) છે. આ બરફને શુદ્ધ કરીને પીવાના પાણી તરીકે, ઓક્સિજન બનાવવા માટે અને સૌથી મહત્વનું, રોકેટ ઇંધણ (Rocket Fuel) તૈયાર કરવા માટે વાપરી શકાય છે. આનાથી પૃથ્વી પરથી સંસાધનો મોકલવાની નિર્ભરતા ઘટશે અને ચંદ્ર પર લાંબા ગાળાના પ્રોજેક્ટ્સ શક્ય બનશે. ભલે લેન્ડિંગમાં મુશ્કેલી આવી હોય, પણ ચંદ્રયાન-2 નું ઓર્બિટર આજે પણ વિજ્ઞાનને નવી દિશા આપી રહ્યું છે.
આ પણ વાંચો : AI આધારિત સાયબર સુરક્ષામાં ગૂગલની મોટી એન્ટ્રી, જાણો શું છે ખાસ


