સોવિયેત વૈજ્ઞાનિકે કર્યું હતું અનોખું સંશોધન
સોવિયેત (Soviet) વૈજ્ઞાનિક વ્લાદિમીર લુક્યાનૉવ (Vladimir Lukyanov) એ વર્ષ 1936માં એક અનોખી શોધ કરી હતી. તેમણે એવું કમ્પ્યુટર તૈયાર કર્યું હતું જે પાણીના પ્રવાહ (Water Flow) અને સ્તર (Water Level)ના આધારે જટિલ ગણિતીય સમસ્યાઓનો ઉકેલ લાવી શકતું હતું. તે સમયગાળા દરમિયાન આજની જેમ ટ્રાન્ઝિસ્ટર (Transistor), માઇક્રોચિપ્સ (Microchips) કે ડિજિટલ સિસ્ટમ્સ ઉપલબ્ધ નહોતા, છતાં આ શોધ ટેક્નોલોજી માટે ક્રાંતિકારી સાબિત થઈ હતી.
પાણીથી ચાલતું કમ્પ્યુટર કેવી રીતે કામ કરતું હતું?
આ અનોખા કમ્પ્યુટરમાં એકબીજા સાથે જોડાયેલી કાચની નળીઓ (Glass Tubes) અને વાલ્વ (Valves)નું જટિલ નેટવર્ક બનાવવામાં આવ્યું હતું. આ સિસ્ટમમાં પાણીના સ્તરને નિયંત્રિત કરીને જટિલ કેલ્ક્યુલસ (Calculus) અને ડિફરેન્શિયલ સમીકરણો (Differential Equations) ઉકેલવામાં આવતા હતા. કમ્પ્યુટરની અંદર વિવિધ ટ્યુબોમાં પાણી ભરવામાં આવતું અને નળ તથા પ્લગ (Plug)ની મદદથી પાણીનો પ્રવાહ બદલવામાં આવતો. ત્યારબાદ અલગ-અલગ ટ્યુબોમાં પાણીનું સ્તર માપીને અંતિમ પરિણામ મેળવવામાં આવતું હતું. આ સિસ્ટમ ગણિતના અત્યંત જટિલ પ્રશ્નો ઉકેલવામાં સક્ષમ હતી.
‘વોટર ઇન્ટિગ્રેટર’ તરીકે પણ ઓળખાતું હતું
વ્લાદિમીર લુક્યાનૉવ દ્વારા વિકસાવવામાં આવેલી આ ટેક્નોલોજીને વોટર ઇન્ટિગ્રેટર (Water Integrator) તરીકે પણ ઓળખવામાં આવતી હતી. ખાસ વાત એ છે કે આ સિસ્ટમનો ઉપયોગ શરૂઆતમાં કોંક્રિટ (Concrete)માં પડતી તિરાડો (Cracks) સંબંધિત સમસ્યાઓના અભ્યાસ અને ઉકેલ માટે કરવામાં આવ્યો હતો. તે સમયે બાંધકામ ક્ષેત્રમાં આવી સમસ્યાઓનું વૈજ્ઞાનિક વિશ્લેષણ કરવું મુશ્કેલ હતું, પરંતુ આ વોટર કમ્પ્યુટરે તે કામ સરળ બનાવી દીધું હતું.
આજે ક્યાં છે આ અનોખું કમ્પ્યુટર?
ઉલ્લેખનીય છે કે, 1936માં બનાવાયેલું આ અનોખું અને ઐતિહાસિક કમ્પ્યુટર આજે પણ સુરક્ષિત રીતે જાળવી રાખવામાં આવ્યું છે. જો તમે આ ટેક્નોલોજીના અદભૂત નમૂનાને જોવા માંગતા હોવ તો તે હાલમાં રશિયાની રાજધાની મોસ્કો (Moscow) સ્થિત પોલિટેક્નિક મ્યુઝિયમ (Polytechnic Museum)માં પ્રદર્શિત કરવામાં આવ્યું છે. આ પ્રાચીન અને એન્ટિક (Antique) કમ્પ્યુટર આજે પણ દુનિયાભરના ટેક્નોલોજી પ્રેમીઓ અને સંશોધકો માટે આકર્ષણનું કેન્દ્ર છે. પાણી દ્વારા જટિલ ગણતરીઓ કરતું આ કમ્પ્યુટર એ સાબિત કરે છે કે માનવ બુદ્ધિ અને નવીનતા (Innovation) માટે કોઈ મર્યાદા નથી. આજના આધુનિક કમ્પ્યુટરોના યુગમાં પણ આ શોધ ટેક્નોલોજીના ઇતિહાસમાં એક અનોખું અને પ્રેરણાદાયક સ્થાન ધરાવે છે.
આ પણ વાંચો : WhatsApp support end : જૂના iPhone અને Android યુઝર્સ માટે મોટો ઝટકો, આ તારીખ પછી WhatsApp નહીં કરે કામ