Poll ફીચર બન્યું વધુ સ્માર્ટ
વોટ્સએપે પોતાના પોલ ફીચર (Poll Feature) માં અનેક મહત્વપૂર્ણ સુધારા કર્યા છે. હવે કોઈપણ પોલ બનાવતી વખતે યુઝર મતદાન માટે અંતિમ સમય (Voting Deadline) નક્કી કરી શકશે. નક્કી કરેલો સમય પૂર્ણ થતાં જ પોલમાં મતદાન આપમેળે બંધ થઈ જશે. આ ઉપરાંત પોલ બનાવતી વખતે Anonymous Voting નો વિકલ્પ પણ મળશે, જેના દ્વારા મત આપનારા લોકોના નામ અન્ય સભ્યોને દેખાશે નહીં. આ સુવિધાથી યુઝર્સ વધુ ખાનગી રીતે પોતાનો મત આપી શકશે. કંપનીએ વધુ એક મહત્વપૂર્ણ ફેરફાર પણ કર્યો છે. હવે પોલ બનાવનાર વ્યક્તિ પોસ્ટ કર્યા બાદ 15 મિનિટની અંદર પ્રશ્ન (Question)માં ફેરફાર કરી શકશે. જેથી ટાઇપિંગની ભૂલ સુધારવા અથવા પ્રશ્ન વધુ સ્પષ્ટ કરવા માટે ફરીથી નવો પોલ બનાવવાની જરૂર નહીં પડે.
@All Mentionથી એકસાથે મળશે જરૂરી સૂચના
વોટ્સએપે @All Mention નામનું નવું ફીચર પણ રજૂ કર્યું છે. તેની મદદથી ગ્રુપના તમામ સભ્યોને એકસાથે ટેગ કરીને મહત્વપૂર્ણ માહિતી મોકલી શકાય છે. આ ફીચર ખાસ કરીને ઓફિસ, સ્કૂલ અથવા અન્ય સંસ્થાઓમાં રજા જાહેર કરવી, કોઈ કાર્યક્રમની યાદ અપાવવી અથવા છેલ્લી ઘડીએ શેડ્યૂલમાં થયેલા ફેરફારોની જાણ કરવા માટે ખૂબ ઉપયોગી રહેશે. જો કોઈ ગ્રુપમાં 32થી વધુ સભ્યો (Members) હશે, તો માત્ર ગ્રુપ એડમિન (Group Admin) જ @All Mentionનો ઉપયોગ કરી શકશે. ખાસ વાત એ છે કે જો કોઈ યુઝરે ગ્રુપને Mute કર્યું હશે તો પણ @All Mentionની સૂચના તેને મળી શકે છે. જોકે, જો ઇચ્છે તો યુઝર એપની Notification Settings માં જઈને આ સૂચનાઓ પણ બંધ કરી શકશે.
હવે જૂના ગ્રુપમાંથી જ બનાવી શકશો નવું ગ્રુપ
વોટ્સએપે વધુ એક ઉપયોગી ફીચર ઉમેર્યું છે, જેના દ્વારા યુઝર્સ હાલના ગ્રુપ (Existing Group) માંથી સીધો જ નવો ગ્રુપ બનાવી શકશે. આ માટે તમામ સભ્યોને ફરીથી એક-એક કરીને ઉમેરવાની જરૂર નહીં પડે. કંપનીના જણાવ્યા અનુસાર આ સુવિધા કોઈ ખાસ વિષય પર અલગ ચર્ચા શરૂ કરવા, કોઈ ઇવેન્ટની તૈયારી કરવા, સરપ્રાઇઝ પાર્ટીનું આયોજન કરવા અથવા મુખ્ય ગ્રુપથી અલગ કોઈ ખાનગી ચર્ચા ચલાવવા માટે ખૂબ ઉપયોગી સાબિત થશે. વોટ્સએપે સ્પષ્ટ કર્યું છે કે ગ્રુપ ચેટ્સને વધુ અસરકારક અને સરળ બનાવવા માટે રજૂ કરાયેલા આ તમામ નવા ફીચર્સ તબક્કાવાર રોલઆઉટ (Rollout) કરવામાં આવી રહ્યા છે અને આગામી થોડા અઠવાડિયામાં દુનિયાભરના તમામ યુઝર્સ માટે ઉપલબ્ધ થશે.
આ પણ વાંચો : WhatsApp 24 Hours Review : WhatsApp પર આ ભૂલો કરશો તો આવી શકે છે 'Account Under Review'નો મેસેજ