Result : ગુજરાતમાં જ આટલા બધા વિદ્યાર્થી ગુજરાતીમાં નાપાસ
Result : આજે ધોરણ 10નું પરિણામ (Result) જાહેર કરાયું હતું. રાજ્યનું વિક્રમી કહી શકાય તેટલું 82.56 ટકા પરિણામ જાહેર થયું છે. ગયા વર્ષે 64.62 ટકા પરિણામ આવ્યું હતું જેની સરખામણીમાં આ વર્ષે હાઇએસ્ટ પરિણામ આવ્યું છે. જો કે દુ:ખની વાત એ છે કે આજે જાહેર થયેલા પરિણામમાં ગુજરાતી પ્રથમ ભાષામાં 46,178 વિદ્યાર્થી નાપાસ જ્યારે ગુજરાતી દ્વિતિય ભાષામાં 6345 વિદ્યાર્થી નાપાસ થયા છે.
ગુજરાતી પ્રથમ ભાષામાં 46,178 નાપાસ
આજે જાહેર કરાયેલા ધોરણ 10નું પરિણામ ગુજરાતી ભાષાને લઈ આંખ ઉઘાડતું પરિણામ છે. ધો-10માં ગુજરાતી પ્રથમ ભાષામાં 46,178 નાપાસ થયા છે જે પરિણામ ચોંકાવનારું છે. ગુજરાતી દ્વિતિય ભાષામાં 6345 વિદ્યાર્થી નાપાસ થયા છે.
વિદ્યાર્થીઓ ગુજરાતી ભાષાથી વિમુખ થઇ રહ્યા હોય તેવું સ્પષ્ટ ચિત્ર
અંગ્રેજી માધ્યમના વધેલા પ્રભાવ વચ્ચે વિદ્યાર્થીઓ ગુજરાતી ભાષાથી વિમુખ થઇ રહ્યા હોય તેવું સ્પષ્ટ ચિત્ર આ પરિણામમાં જોવા મળે છે. અંગ્રેજી ભાષામાં અભ્યાસ કરાવવાની વાલીઓની ભલે ઘેલછા વધી ગઇ હોય પણ જે ભાષા ઘરમાં બોલાતી હોય અને ગળથૂથીમાં મળી હોય તે જ ભાષામાં વિદ્યાર્થીઓ આટલી મોટી સંખ્યામાં નાપાસ થાય તે શરમજનક છે. શાળાઓમાં પણ જાણે કે હવે ગુજરાતી ભાષાને વધારે પ્રાધાન્ય અપાતું નથી અને એક વિષય તરીકે ભણાવીને મુકી દેવામાં આવે છે. ગુજરાતી ભાષા પ્રત્યે વિદ્યાર્થીઓને પ્રેમ થાય અને અન્ય ભાષાઓ જેટલું જ મહત્વ જો ગુજરાતી ભાષાને મળે તેવા પ્રયાસો થવા જરુરી છે.
બેઝિક ગણિતમાં 1.04 લાખ વિદ્યાર્થી નાપાસ
બીજી તરફ ધોરણ 10માં આજના પરિણામમાં બેઝિક ગણિતમાં 1.04 લાખ વિદ્યાર્થી નાપાસ થયા છે જ્યારે વિજ્ઞાનમાં 81382, અંગ્રેજી દ્વિતિયમાં 44703 નાપાસ થયા છે અને સ્ટાન્ડર્ડ ગણિતમાં માત્ર 388 વિદ્યાર્થી જ નાપાસ થયા છે. આ વખતે 917687ઓએ પરીક્ષા આપી હતી.
70 શાળાનું શૂન્ય પરિણામ
જો કે આજે જાહેર થયેલા પરિણામમાં છોકરાઓ કરતાં છોકરીઓએ બાજી મારી છે. છોકરીઓનું પરિણામ 86.69 ટકા આવ્યું છે જ્યારે છોકરાઓનું પરિણામ 79.12 ટકા આવ્યું છે. છોકરીઓનું પરિણામ 7.57 ટકા વધ્યું છે. આ ઉફરાંત 1389 શાળાઓનું 100 ટકા પરિણામ આવ્યું છે અને 264 શાળાઓનું 30 ટકા અને 70 શાળાનું શૂન્ય પરિણામ આવ્યું છે.
આ પણ વાંચો----- SSC Result : ધોરણ 10નું પરિણામ જાહેર,વોટસએપથી કેવી રીતે જાણશો ?
આ પણ વાંચો----- SSC Result : ધો.10 માં ગુજરાતના આ બે કેન્દ્રનું 100 ટકા પરિણામ