અડાલજથી મહેસાણા વચ્ચેનો 51 કિમી હાઇવે 8 માર્ગીય બનશે : રૂ. 2,630 કરોડના પ્રોજેક્ટને કેબિનેટની મંજૂરી
- અડાલજ-મહેસાણા હાઇવે (Adalaj Mehsana Highway ) 8 માર્ગીય બનશે : રૂ. 2,630 કરોડના પ્રોજેક્ટને મંજૂરી!
- અમદાવાદ-મહેસાણા માર્ગનું 8 માર્ગીયકરણ : 8 ફ્લાયઓવર, 8 અંડરપાસ સાથે મોટો વિકાસ
- ગુજરાત કેબિનેટનો મોટો નિર્ણય : 51 કિમી હાઇવે 8 લેન બનશે, રૂ. 2630 કરોડનું રોકાણ
- ઉત્તર ગુજરાત માટે રાહત : અડાલજથી મહેસાણા હાઇવેમાં 8 માર્ગીય હાઇવે મંજૂર
- ટ્રાફિક જામને અલવિદા : અમદાવાદ-મહેસાણા હાઇવે પર એલિવેટેડ કોરિડોર સાથે 8 લેન બનશે
ગાંધીનગર : ગુજરાત સરકારે અમદાવાદ અને ઉત્તર ગુજરાતને જોડતા મહત્વના હાઇવે ને વધુ વિસ્તૃત અને આધુનિક બનાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. અડાલજથી મહેસાણા (પાલાવાસણા સર્કલ) વચ્ચેના 51.60 કિમી લાંબા માર્ગને (Adalaj Mehsana Highway) રૂ. 2,630 કરોડના ખર્ચે 8 માર્ગીય કરવાના પ્રોજેક્ટને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ (CM Bhupendrbhai Patel) પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં મંજૂરી આપવામાં આવી છે. આ માહિતી રાજ્યના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ (Jitubhai vaghani) આપી હતી.
હાઇવે પર દૈનિક 1 લાખથી વધુની અવરજવર
હાલમાં આ માર્ગ 1999માં ચાર માર્ગીય બનાવવામાં આવ્યો હતો અને તેમાં સર્વિસ રોડની સુવિધા પણ હતી. તાજેતરના ટ્રાફિક સર્વે અનુસાર આ હાઇવે પર દૈનિક 1 લાખથી વધુ વાહનોની અવરજવર થાય છે. વધતા ટ્રાફિકના ભારને કારણે ટ્રાફિક જામ, અકસ્માતો અને મુસાફરીમાં વિલંબ જેવી સમસ્યાઓ વધી રહી છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થવાથી ઝડપી, સલામત અને સરળ પરિવહન શક્ય બનશે. આ માર્ગ ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લાના લોકો માટે વર્ષોથી ચાલતી માંગને પણ પૂર્ણ કરશે.
સર્વિસ રોડ પણ બનાવવામાં આવશે
પ્રોજેક્ટ હેઠળ મુખ્ય રસ્તાને 8 માર્ગીય કરવામાં આવશે અને રસ્તાની બંને બાજુ 7૭ મીટર પહોળા સર્વિસ રોડ બનાવવામાં આવશે. આ સર્વિસ રોડથી સ્થાનિક વાહનો અને ગામડાંઓ સાથે જોડાણ સરળ બનશે. વધુમાં, કલોલ શહેરમાંથી પસાર થતા ટ્રાફિકને ઘટાડવા 6.10૦ કિમી લાંબો એલિવેટેડ કોરિડોર બનાવવામાં આવશે, જેથી શહેરી ટ્રાફિકથી હાઇવેનો ટ્રાફિક અલગ રહેશે. આ ઉપરાંત 8 ફ્લાયઓવર અને 8૮ અંડરપાસનું નિર્માણ થશે.
હાઇવે પર ટ્રાફિકને ટાળવા બનશે ફ્લાયઓવર
ફ્લાયઓવરની વિગતોમાં શેરથા ખાતે 2, રાજપુર ભાસરીયા, જગુદણ, મેવડ ખાતે નવા ફ્લાયઓવર તેમજ કલોલ અને છત્રાલ ખાતે હાલના ચાર માર્ગીય ફ્લાયઓવરને વઘારાના બનાવવામાં આવશે. અંડરપાસ શેરથા પાસે 2, ઇફકો કલોલ પાસે 1, કલોલ શહેરમાં 2, છત્રાલ પાસે 1 અને નંદાસણ તથા ગણેશપુરા પાસે એક-એક બનશે. હાલના કલોલ આર.ઓ.બી.ની બાજુમાં નવો ચાર માર્ગીય આર.ઓ.બી. પણ બનશે. તમામ બ્રિજ, કલવર્ટ અને બોક્ષ કલવર્ટને પણ 8 માર્ગીય બનાવવામાં આવશે.
ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં વિકાસ
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર રોડ અને માળખાકીય સુવિધાઓને પ્રાથમિકતા આપી રહી છે. આ પ્રોજેક્ટના ટેન્ડર ટૂંક સમયમાં બહાર પડશે અને ટેન્ડર મંજૂર થયા બાદ બે વર્ષમાં કામ પૂર્ણ કરવાનું આયોજન છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થવાથી અમદાવાદ-મહેસાણા માર્ગ પરની ટ્રાફિક સમસ્યાઓમાં ઘટાડો થશે, વેપાર-ધંધો વધશે અને ઉત્તર ગુજરાતના વિકાસને નવી ગતિ મળશે.
આ પણ વાંચો- Banaskantha : પાલનપુરમાં દૂધના ટેન્કરમાંથી 1787 બોટલ દારૂ ઝડપાયો, LCBની મોટી કાર્યવાહી


