વારાણસીમાં ગંદકી કરવાનો આરોપ વાયરલ થતા એક્ટ્રેસ કંગના રનૌતની 'સ્પષ્ટતા'
- સાંસદ કંગના સામેનો આરોપ સોશિયલ મીડિયામાં વાયરલ
- વારાણસીમાં ચાટ ખાઇને પડીયું રસ્તા પર ફેંક્યું હોવાનો આરોપ
- કંગનાએ વિરોધીઓને તમાચો મારતો ખુલાસો કર્યો
Actress Kangana Ranaut Clarifies : કંગના રનૌત તાજેતરમાં વારાણસીની મુલાકાતે ગઈ હતી, અને શહેરના પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ, ટિકિયા ચાટનો આનંદ માણતી જોવા મળી હતી. દરમિયાન અભિનેત્રી અને રાજકારણી કંગના રનૌતે વારાણસીની મુલાકાત દરમિયાન શહેરના રસ્તાઓ પર કચરો ફેંકવાના આરોપોને નકારી કાઢ્યા છે.
ઈન્ટરનેટ યુઝર્સ મંડી એમપીની ટીકા કરી છે
સોશિયલ મીડિયા યુઝર્સ અનુસાર, કંગનાએ શહેરના પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ, ટિકિયા છોલેનો સ્વાદ માણ્યો હતો, અને ખાલી પ્લેટ રસ્તા પર ફેંકી દીધી હતી. સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં ઘણા લોકોએ દાવો કર્યો હતો કે, અભિનેત્રી કેમેરામાં પ્લેટ રસ્તા પર ફેંકતી કેદ થઈ ગઈ હતી. કંગનાએ આ દાવાને નકારી કાઢ્યો હતો, અને એક ફોટો શેર કરીને સાબિત કર્યું હતું કે, તેણે પ્લેટ રસ્તા પર નહીં પણ કચરાપેટીમાં ફેંકી દીધી હતી.
કંગનાએ કચરો ફેંકવાની સ્પષ્ટતા કરી
કંગનાએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર ટિકિયા સ્ટોલ પાસે એક અલગ ખૂણાથી લીધેલો પોતાનો ફોટો શેર કર્યો હતો. તેણે ફોટોની સાથે એક તીર દોર્યું હતું, જે દર્શાવે છે કે, દુકાનની બાજુમાં એક કચરાપેટી હતી, જ્યાં વપરાયેલી કાગળની પ્લેટો મૂકવામાં આવી હતી. કંગનાએ ખુલાસો કર્યો કે, સત્ય એ છે કે, તેણે પણ તેની પ્લેટ એ જ કચરાપેટીમાં ફેંકી દીધી હતી. તેણીએ કેપ્શનમાં લખ્યું, "જૂઠાણું ફેલાવતા પહેલા, હકીકતોની પુષ્ટિ કરવી જોઈએ."
કંગનાની રાજકીય સફર વિશે
કંગના રનૌતે 2024 માં ભાજપની ટિકિટ પર મંડી સંસદીય મતવિસ્તારમાંથી લોકસભા ચૂંટણી લડીને પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી, અને તેમાં લોકસભાની ચૂંટણીમાં ભારે જીત મેળવી હતી. કંગનાએ તેના કોંગ્રેસના હરીફ વિક્રમાદિત્ય સિંહને 74,755 મતોના માર્જિનથી હરાવ્યા હતા. જીત પછી તરત જ, તે વિવાદમાં ફસાઈ ગઈ હતી. તેની જીતની જાહેરાત થયાના એક દિવસ પછી, ચંદીગઢ એરપોર્ટ પર એક CISF અધિકારીએ તેને થપ્પડ મારવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના બાદ, તેણે એક વીડિયો જાહેર કર્યો, જેમાં તેણે તેના સમર્થકોને ખાતરી આપી હતી કે, તે સુરક્ષિત છે.
આ પણ વાંચો ------ 'Dhurandhar' ફિલ્મની ભારે ડિમાન્ડ, મુંબઇમાં 24 કલાક શો ચાલશે


