Adhik Maas Purnima હોવાથી ગુજરાતના યાત્રાધામોમાં ભક્તિનું ઘોડાપૂર, ડાકોરમાં તંત્રની પોલ ખુલી
Adhik Maas Purnima: અધિક માસની પૂર્ણિમા (Adhik Maas Purnima) અને રવિવારના વેકેશનનો સુમેળ સાધાતા આજે ગુજરાતના પવિત્ર યાત્રાધામો ડાકોર, પાવાગઢ અને દ્વારકા ભક્તોની ભારે ભીડથી છલકાઈ ઉઠ્યા છે. લાખોની સંખ્યામાં ભાવિકો પવિત્ર પર્વ પર દર્શન અને દાન-પુણ્યનો લાભ લેવા ઉમટી પડ્યા છે.
ડાકોરમાં ભક્તિ અને વ્યવસ્થાનો સંઘર્ષ
ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ઠાકોરજીના દર્શન માટે આજે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. અધિક માસની પૂર્ણિમા હોવાથી વહેલી સવારથી જ ડાકોર નગરી ભક્તોથી ભરાઈ ગઈ હતી. જોકે, આ ભીડને સંભાળવામાં વહીવટીતંત્ર વામણું પુરવાર થયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. કાળઝાળ ગરમી અને અસહ્ય તાપ વચ્ચે દર્શન માટે કતારોમાં ઉભેલા ભક્તો માટે પીવાના પાણી કે છાંયડાની કોઈ ખાસ વ્યવસ્થા ન હોવાથી અનેક ભાવિકો, ખાસ કરીને વયોવૃદ્ધો અને બાળકોની તબિયત લથડવાની ઘટનાઓ બની હતી.
Adhik Maas Purnima: રસ્તા પર ભારે ટ્રાફિક જામ થયો
ટ્રાફિકની સ્થિતિ તો વધુ ગંભીર જોવા મળી. અમદાવાદ, નડિયાદ, આણંદ અને સેવાલિયા તરફથી આવતા તમામ માર્ગો ઉપર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી, જેના કારણે હજારો લોકો કલાકો સુધી ટ્રાફિકમાં ફસાયા હતા. ભક્તોનો આક્રોશ એ વાતને લઈને વધુ હતો કે તંત્ર દ્વારા અગાઉથી આયોજન કરવામાં આવ્યું હોવા છતાં, સ્થળ પર પાયાની સુવિધાઓનો અભાવ જોવા મળ્યો.
દ્વારકા અને પાવાગઢમાં આસ્થાનો રંગ
બીજી તરફ, ભગવાન દ્વારકાધીશની નગરી દ્વારકામાં માહોલ અલગ હતો. પવિત્ર ગોમતી નદીમાં સ્નાન કરવા માટે હજારો ભક્તો સવારથી જ પહોંચી ગયા હતા. જગતમંદિર પરિસર 'દ્વારકાધીશ કી જય'ના ગગનભેદી નાદથી ગુંજી ઉઠ્યું હતું. અધિક માસના પાવન પર્વ પર ભગવાન દ્વારકાધીશના દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી હતી. ભીડને ધ્યાને રાખીને સ્થાનિક પોલીસ અને ફાયર વિભાગ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
પાવાગઢમાં પણ ભક્તોનું ઘોડાપૂર
સાથે જ, પાવાગઢના ડુંગર પર પણ માઈ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. પૂર્ણિમા નિમિત્તે માતાજીના આશીર્વાદ લેવા માટે ભક્તોએ ભારે ઉત્સાહ દર્શાવ્યો હતો. વેકેશનનો સમય હોવાથી પરિવાર સાથે દર્શનાર્થે આવેલા લોકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો.અધિક માસની આ પૂર્ણિમાએ શ્રદ્ધાનું પૂર તો આવ્યું છે, પરંતુ ડાકોરમાં સર્જાયેલી અંધાધૂંધીએ યાત્રાધામોના વ્યવસ્થાપન મામલે સવાલો પણ ઉભા કર્યા છે. ભક્તોની સુરક્ષા અને સુવિધા માટે તંત્રએ હવે આગામી સમયમાં વધુ સજાગ બનવું પડશે.
ચોટીલા ડુંગર પર ભક્તોની ભારે ભીડ
અધિક માસની પૂનમ અને રવિવારના પવિત્ર સંયોગને કારણે આજે ચોટીલા ડુંગર પર મા ચામુંડાના આશીર્વાદ લેવા માટે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. કાળઝાળ ગરમી વચ્ચે પણ આસ્થા અકબંધ જોવા મળી હતી અને વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ડુંગર પર પહોંચ્યા હતા.આ ભીડને કારણે ચોટીલા નેશનલ હાઈવે પર વાહનવ્યવહારને ભારે અસર પડી હતી. હાઈવે પર આશરે ત્રણ કિલોમીટર લાંબી વાહનોની કતારો લાગી જતાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી, જેના પરિણામે મુસાફરો અને સ્થાનિક લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.સ્થિતિને નિયંત્રણમાં લાવવા અને ટ્રાફિક વ્યવસ્થા સુચારૂ રૂપે ચલાવવા માટે પોલીસ તંત્ર અને સ્થાનિક સ્વયંસેવકો સતત કાર્યરત છે. સમગ્ર વિસ્તારમાં આજે ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો: રૂવાડા ઉભા કરી દે તેવા દ્રશ્યો! ગુજરાતના રોડ પર દોડી 'મોતની ક્રુઝર'! જુઓ Viral Video


