Ahmedabad: 700 વર્ષ જૂના ત્રિકમજી મંદિરનો વિવાદ, ખોટા દસ્તાવેજના આધારે જમીન પચાવી પાડવાની થઈ ફરિયાદ
- અમદાવાદમાં મૂળ મંદિરની જગ્યા બારોબાર વહીવટ કરવાનું કૌભાંડ
- જમાલપુર વિસ્તારમાં ત્રિકમજી મંદિરની જગ્યા બારોબાર વેચવાનું કૌભાંડ
- ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં સમગ્ર મામલે નોંધાઈ ફરિયાદ
- ખોટા દરખાસ્તના આધારે જમીન પચાવી પાડવાની થઈ ફરિયાદઃ તપાસ અધિકારી
અમદાવાદના જમાલપુર વિસ્તારમાં મૂળ મંદિરની જગ્યાનો બારોબાર વહીવટ કરી દેવામાં મામલે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. આ મામલિક ગાયકવાડ પોલીસે બે આરોપીની ધરપકડ પણ કરી છે. જેમાં મોહમ્મદ બીલાલ શેખ અને દિશાન કાદરી નો સમાવેશ થાય છે. જ્યારે આ કેસમાં બાબુ શાહ અને નિઝામુદ્દીન નામના આરોપીનું અગાઉ મૃત્યુ થયું છે. અમદાવાદ શહેરમાં ભૂતકાળમાં પૂર્વ પટ્ટામાં કુખ્યાત ગણાતા લતીફના દીકરા અને તેના માણસોની જમાલપુર વિસ્તારના ત્રિકમજી મંદિર પર નજર બગડી અને મંદિરની જગ્યા ને પચાવી પાડવાનો કારસો રચ્યો હતો.
મળતીયાઓ દ્વારા દુકાનો બનાવીને ભાડે આપવામાં આવતી
જમાલપુરની કાચની મસ્જિદ નજીક હિન્દુ શ્રદ્ધાળુઓની સંખ્યા ઘટી જતા, આ જમીન મંદિરના મહંત દ્વારા વર્ષ 1999માં રૂ. 48,000 માં વેચાણ કરી દીધી. લતીફના ખૂબ નજીક અને અંગત માણસ ગણાતા બાબુ શાહ નામના વ્યક્તિના નામે આ દસ્તાવેજ કરવામાં આવ્યો. સમય જતા મંદિરનું અસ્તિત્વ પણ ભૂસાઈ ગયું, કારણ કે મંદિરમાં ભગવાન ત્રિકમજી હનુમાનજી સહિત અન્ય દેવી-દેવતાઓની કુલ છ જેટલી મૂર્તિ હતી તે પણ ક્યાં ગઈ અને કોણ લઈ ગયું તે પણ તપાસનો વિષય છે. જ્યારે ત્રિકમજી ભગવાનનું મંદિર હયાત હતું, ત્યારે ત્યાં વિષ્ણુ ભગવાન હનુમાનજી રણછોડરાયજી ગણપતિ અને એક શિવલિંગ હતું. પરંતુ સમય જતા તેનું અસ્તિત્વ ખતમ થયું. જમીન મંદિરના મહંત પાસે ખરીદી લીધા બાદ બાબુ શાહ અને તેના મળતીયાઓ દ્વારા દુકાનો બનાવીને ભાડે આપવામાં આવતી હતી.
હાઇકોર્ટ દ્વારા વિવાદિત જગ્યા ને જે છે તેમને તેમ રાખવા માટે હુકમ કર્યો
વર્ષ 2007માં ચેરીટી કમિશનરના ધ્યાને આખી બાબત આવી. કારણકે મંદિરની જગ્યા ચેરીટી કમિશનરમાં રજીસ્ટ્રેશન હતું પરંતુ કચેરીની મંજૂરી વિના જ વર્ષ 1999 માં કારોબાર વેચાણ થઈ ગયા હોવાના કારણે કચેરી દ્વારા સીટી સિવિલ કોર્ટમાં દાવો કરવામાં આવ્યો અને વર્ષ 2008માં ચેરિટી કમિશનરની કચેરીની તરફેણમાં ચુકાદો આવ્યો. જે બાદ વર્ષ 2010માં લતીફના દીકરા મુસ્તાકની ફર્મ વતી બાબુ શાહ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં નીચલી અદાલતના હુકમને પડકારવામાં આવ્યો, જે સંદર્ભે વર્ષ 2011માં ગુજરાત હાઇકોર્ટ દ્વારા સ્ટેટસ કો મતલબ કે વિવાદિત જગ્યા ને જે છે તેમને તેમ રાખવા માટે હુકમ કર્યો.
ખોટી દરખાસ્તના આધારે જમીન પચાવી પાડવા મામલે ફરિયાદ નોંધાઈ
સમય જતા મર્હુમ ડૉન અબ્દુલ લતીફના દીકરા મુસ્તાકને ભાન થયું કે હવે આ જમીનમાં કઈ ઉપજવાનું નથી. જેથી વર્ષ 2016માં જમીન મોહમ્મદ અસગર પઠાણના નામે કરાવી લીધી હતી. અસગરના નામથી નિઝામુદ્દીન શેખના નામે દસ્તાવેજ કરાવવી લીધો. જે બાદ વર્ષ 2023 માં કલેકટર કચેરીમાં ખોટા દસ્તાવેજના આધારે બનાવટી દરખાસ્ત રજૂ કરવામાં આવી જેમાં દાવો કરવામાં આવ્યો કે ત્રિકમજી મંદિરની વિવાદિત જગ્યા પ્રાઇવેટ જગ્યા છે. તેનો કોઈ વિવાદ નથી કચેરીને લઈને કોઈ પણ દાવા કે વાંધા અરજી નથી. જેથી વર્ષ 2023 માં અમદાવાદ જિલ્લા કલેકટર કચેરીમાં તત્કાલીન ડેપ્યુટી કલેક્ટર વી એમ ઠક્કર દ્વારા જમીન વેચાણ માટે પરવાનગી આપવામાં આવી. આ પરવાનગીના આધારે મુસ્તાકના સાગરીત નિઝામુદ્દીન શેખ દ્વારા મોહમ્મદ બિલાલ શેખ, ઝિશાન કાદરી, રોહન કાદરી, સદ્દામ હુસેન કુરેશી ને રૂપિયા બે કરોડ 36 લાખમાં વેચાણ કરી દીધી હતી. આમ વિભાજીત જગ્યા મામલે ખોટા દસ્તાવેજ અને ખોટી દરખાસ્તના આધારે જમીન પચાવી પાડવા મામલે ફરિયાદ નોંધાઈ છે.
આ પણ વાંચોઃ Ahmedabad: અમિતભાઈ શાહના અધ્યક્ષસ્થાને ગુજરાત રાજ્ય સહકારી સંઘ દ્વારા સહકારી મહાસંમેલન-2025 યોજાયું
ચિરાગ ગોસાઈ ( પીઆઇ, ગાયકવાડ પોલીસ સ્ટેશન)
બે આરોપીઓની ધરપકડ કરવામાં આવીઃ ચિરાગ ગોસાઈ ( પીઆઈ)
ગાયકવાડ પોલીસ સ્ટેશન પીઆઈ ચિરાગ ગોસાઈએ જણાવ્યું હતું કે, આ ગુનામાં કુલ સાત આરોપીઓ છે. આ એક વ્હાઈટ કોલર ક્રાઈમ કરી શકાય તેવા પ્રકારનો ગુનો છે. ધાર્મિક સ્થળ ઉપર જે જમીન છે તે ચેરીટી કમિશ્નરમાં નોંધાયેલ છે. તે વેચાણે મેળવી લેવામાં આવે છે. જમીન વેચાણની મંજૂરી બાબતે ખોટી રજૂઆતો કરી મંજૂરી મેળવી લે છે. એ મંજૂરી આધારે 2023 માં એક દસ્તાવેજ થાય છે. જે દસ્તાવેજની અંદર પોતાના આર્થિક ફાયદા સારૂ ત્રિકમજી મંદિરની જમીન પચાવી પાડી હતી. આ પ્રકારનું ગુનાહિતી કૃત્ય કરનાર કુલ ચાર ઈસમો છે. જેઓએ બીજા નંબરનો દસ્તાવેજ કર્યો હતો. એમની સામે કાર્યવાહી કરવામાં આવી છે. અને બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.