Ahmedabad: ઈ-કોમર્સ સાઈટને હેક કરી છેતરપિંડી કરતી ગેંગનો પોલીસ સમક્ષ મોટો ખુલાસો
- ઇ કોમર્સ વેબસાઇટ હેકિંગ બાબતે આરોપીઓના મોટા ખુલાસા
- ગેમિંગ એપમાંથી રૂપિયા લેવા માટે બેંકના કર્મચારીઓને લાલચ આપી
- આ બાબતે RummyCircle ને પોલીસે નોટિસ પાઠવવાની કાર્યવાહી કરી
અમદાવાદના રીલિફ રોડ પરની એક ઓફિસમાં ક્રિકેટ સટ્ટા બેટિંગ ચાલતું હતું. આ ઓનલાઈન જુગારધામ પર દરોડા પાડવા ગયેલી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઇ કોમર્સ સાઇટને કરોડોનો ચૂનો લગાવવાના કૌભાંડનો પર્દાફાશ કરી ત્રણ સાયબર ગઠિયાને ઝડપી પાડ્યા છે. આ ગેંગે ઇ કોમર્સ સાઇટ પરથી સવા ત્રણ લાખના ડ્રોનના પેમેન્ટ ગેટવેમાં ચેડા કરીને 3 રૂપિયામાં મેળવી લીધું હતું. અને પેકિંગ અને બિલ સાથે ડ્રોન સવા લાખ રૂપિયામાં વેચી દીધું હતું. આ ગઠિયાઓએ આવી રીતે કુલ સાત કરોડના ઓર્ડર કરીને પાર્સલ મંગાવી લીધા હતા.
આરોપીઓની તપાસમાં સામે આવ્યું છે કે, ગેમિંગમાંથી રૂપિયા કાઢવા માટે બેંક કર્મચારીને લાલચ આપીને કોડ મેળવી લીધા હતા. આ ઉપરાંત રમી સર્કલ નામની ઓનલાઈન ગેમિંગ વેબસાઈટને પણ કોમ્પ્રોમાઇઝ કરી હતી જે મામલે ક્રાઈમ બ્રાન્ચે રમી સર્કલને પણ નોટિસ આપી છે.
ઇ કોમર્સની સાઈટ પરથી વસ્તુઓના ઓર્ડર કરતા
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના જેસીપી શરદ સિંગલ અને ડીસીપી અજીત રાજીયાણને ક્રિકેટ સટ્ટા અંગેની માહિતી મળતા તેઓ ઇન્સ્પેક્ટર દીપક ઢોલાની ટીમ સાથે દરોડા પાડવા પહોંચી ગયા હતા. રીલિફ રોડ પરની એક ઓફિસમાં બેસીને વિજય વાઘેલા અને નિતેશ ઉર્ફે છોટુ ઇ કોમર્સની સાઈટ પરથી જુદી જુદી વસ્તુઓના ઓર્ડર કરતા હતા. જોકે, ક્રિકેટ સટ્ટા બેટિંગનો સટ્ટો પણ આ ઓફિસમાં લેવાતો હતો. પોલીસે જુગારનો કેસ કરવા ઉપરાંત વિજય અને નિતેશની પૂછપરછ કરતા તેમના સાથીદાર આદિલની મદદથી તેઓ ઇ કોમર્સ કંપનીને ચૂનો લગાડતા હોવાની કબુલાત કરી હતી.
ઠગ ત્રિપુટીએ ભાડેથી બેંક એકાઉન્ટ લીધા હતા
ઇ કોમર્સ કંપની પર ઓર્ડર કરે અને જ્યારે પેમેન્ટ કરવાનું થાય ત્યારે પેમેન્ટ ગેટવેમાં ચેડા કરીને નજીવી રકમ જ ચૂકવતા હતા. પોલીસે તપાસ કરતા આ ગેંગ દ્વારા આવી રીતે સાત કરોડની વસ્તુઓ મંગાવી લેવામાં આવી હતી. આ કૌભાંડમાં ઠગ ત્રિપુટીએ ભાડેથી બેંક એકાઉન્ટ લીધા હતા. બોગસ પ્રુફથી મોબાઈલ નંબર લીધા હતા. તથા તેમની સાથે અન્યોની પણ સંડોવણી હોવાનું જણાઇ રહ્યું છે. જે દિશામાં તપાસ ચાલી રહી હતી.
રમી સર્કલને નોટિસ આપવાની કાર્યવાહી શરૂ
આરોપીઓની તપાસમાં સામે આવ્યું કે, ગેમિંગ એપમાંથી રૂપિયા કાઢી લેવા માટે આરોપીઓએ અલગ અલગ બેંકના કર્મચારીઓને રૂપિયાની લાલચ આપી UTR કોડ મેળવી લીધા હતા. રમી સર્કલ નામની ઓનલાઈન ગેમિંગ એપની વેબસાઈટને પણ આરોપીઓએ કમ્પ્રોમાઇઝ કરી હતી. જે બાબતે રમી સર્કલને નોટિસ આપવાની કાર્યવાહી શરૂ કરાઈ છે. તપાસમાં જાણવા મળ્યું છે કે, robu.in નામની વેબસાઈટમાંથી મેળવેલી ઇલેક્ટ્રોનિક આઇટમો ચાઈનીઝ ઓરિજીનની હતી. આ વસ્તુઓનો ઉપયોગ અન્ય અનિચ્છનિય કામો થઈ શકે તે બાબતે શંકા છે.
કોણ કોણ આરોપી ઝડપાયા
- વિજય અમરાભાઈ વાઘેલા (રહે. અશ્વમેઘ ટેનામેન્ટ, સોનરી બ્લોકની સામે, બાપુનગર, અમદાવાદ)રોલ:- સર્ચ એન્જિન પરથી ડીબગીંગ સોફ્ટવેર મેળવી બગ હંટીંગ કરી વેબસાઈટ કોમ્પ્રોમાઇઝ કરી પ્રોડક્ટ ઓર્ડર કરતા હતા.
- નિતેશ ઉર્ફે છોટુ સીતારામ નારાયણ મડતા (રહે. ગુજરાત હાઉસિંગ બોર્ડ, ગાયત્રી મંદિર પાસે, બાપુનગર)રોલ:- વિજયે બગ હંટીંગ કરી મેળવેલા પ્રોડેક્ટને વેચાણ કરીને રૂપિયા રોકડા કરી લેવાના
- આદિલ વિજયભાઈ પરમાર (રહે. રામીની ચાલી, ઓજસ હોસ્પિટલ પાસે, રખિયાલ રોડ)રોલ:- ઓનલાઈન સ્ટ્ટાની વેબસાઈટ પરથી પ્રાઇઝ પ્રેડિક્શન કરી જુગાર રમી રૂપિયા કમાવવાના
કબજે કરેલી વસ્તુઓ
- આઇફોન 16 પ્રો
- લેપટોપ
- સેમસંગ એસ 23 મોબાઈલ
- સેમસંગ મોબાઈલ
- આઇફોન 13
- રાઉટર
- હાર્ડ ડિસ્ક
- એસએસડી ડ્રાઈવ
- પીએજી જ્વેલર્સની ખરીદીના બિલ નંગ 11