Ahmedabad CP મલિકે શહેરના બદમાશ પોલીસવાળાઓને સુધારવાનો રસ્તો શોધી કાઢ્યો
બદમાશ પોલીસવાળાઓની ઓળખ માટે કુખ્યાત એવી અમદાવાદ શહેર પોલીસ મુખ્ય મથકની 'કે' કંપની (K Company) આજકાલ ભારે ચર્ચામાં છે. ગેરહાજર પોલીસવાળાઓને ચોપડે હાજર બતાવવાનું કૌભાંડ હવે પોલીસ હેડ કવાટરમાં ચાલી નહીં શકે. કારણ કે, ખુદ અમદાવાદ પોલીસ કમિશનર જી. એસ. મલિકે (G S Malik) દસકાઓથી ચાલી આવતી પોલમપોલ પર બ્રેક મારી ઉચ્ચ અધિકારીઓની જવાબદારી પણ નિશ્ચિત કરી દીધી છે. Ahmedabad CP એ "તમે શું કરો છો તેની ખબર છે" તેમ કહીને કે' કંપનીના કારીગરોને ફરજનું ભાન કરાવવા પરિપત્ર કરી મજાવાળી નોકરીને સજામાં તબદીલ કરી દીધી છે.
શું છે K Company અને ત્યાં કોની નોકરી હોય છે ?
અમદાવાદ શહેર પોલીસ મુખ્ય મથકના તાબામાં આવતી 'કે' કંપનીમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓની મુખ્ય ફરજ કેદી જાપ્તામાં જવાનું હોય છે. સાબરમતી જેલ (Sabarmati Jail) માં રહેલા કેદીને રાજ્યના અન્ય શહેર કે જિલ્લાની અદાલતમાં રજૂ કરવાનો હોય ત્યારે K Company ના કર્મચારીને તેની સાથે જવાનું અને પરત ફરવાનું હોય છે. અહીં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓને સજાના ભાગરૂપે મુકવામાં આવે છે. ફરજમાં ગેરવર્તણૂક તેમજ ગુનાહીત કામોમાં સંડોવાયેલા અનેક પોલીસ કર્મચારી હાલ Ahmedabad City Police HQ ખાતે નોકરી કરી રહ્યાં છે. હાલમાં 'કે' કંપનીમાં 4 PSI અને 52 એએસઆઈ, હે.કૉ. તેમજ કૉન્સ્ટેબલ સહિત કુલ 56 પોલીસવાળા ફરજ બજાવી રહ્યાં છે.
આ પણ વાંચો -Abortion Scam : 10 થી 25 હજારમાં ગેરકાયદે ગર્ભપાત કરાવી આપતી નર્સ રંગે હાથ પકડાઈ
કાગળ પર સજા, વાસ્તવમાં મજા
પાછલા વર્ષોમાં ફરજ બજાવી ચૂકેલા અનેક Ahmedabad CP એ બદમાશ પોલીસવાળાઓને 'કે' કંપનીમાં સજા આપવાના ભાગરૂપે મુક્યા હતા, પરંતુ વાસ્તવમાં આ સ્થાન મજા માટેનું બની ગયું હતું. મોટાભાગના બદમાશ પોલીસવાળા તેમજ વહીવટદાર તરીકે પંકાયેલા માથાઓ મુખ્ય મથક ખાતે ફરજ પર જતા ન હતા. આમ છતાં તેમની હાજરી ચોપડે નિયમિત બોલતી રહેતી અને આખા અમદાવાદમાં વહીવટ કરી ખાતા. આ પોલીસ ખાતાનું ઓપન સિક્રેટ છે.
આ પણ વાંચો -Monsoon 2025: દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad CP ને કેવી-કેવી ફરિયાદો મળી ?
અમદાવાદ પોલીસ કમિશનર Gyanender Singh Malik ને છેલ્લાં કેટલાંક મહિનાઓમાં 'કે' કંપનીના પોલીસવાળાઓની ઢગલાબંધ ફરિયાદ મળી હતી. મોટાભાગના પોલીસવાળા ફરજ પર નહીં જતાં હોવા છતાં તેમની હાજરી પૂરાઈ જાય છે. નોકરી મુખ્ય મથક ખાતે હોવા છતાં તે શહેરના પોલીસ સ્ટેશનોમાં વહીવટ કરવા પહોંચી જાય છે. કેટલાંક તો ચાલુ નોકરીએ અમદાવાદ શહેર છોડી બહારગામ પણ જતા રહે છે. મુખ્ય મથકના કેટલાંક કર્મચારીઓ સાથે સાંઠગાંઠ કરી નોકરીમાં પોલ મારવાનું સૌથી મોટું રેકેટ ચલાવાય છે.
મજાવાળી નોકરી હવે સજાવાળી લાગે છે
Ahmedabad CP એ શુક્રવારના રોજ 'કે' કંપનીના તમામ પોલીસવાળાઓને હાજર રાખ્યા હતા. પોલીસ કમિશનર મલિકે તમામને ફરજનું ભાન કરાવવા ઠપકો આપી સુધરી જવા છેલ્લી ચેતવણી આપવાની સાથે તેમની રજૂઆતો પણ સાંભળી હતી.
- સોમવાર અને શુક્રવારે ફરજિયાતપણે પરેડ કરવાની રહેશે.
- કેદી જાપ્તા ઉપરાંતની બંદોબસ્તની ફરજો પણ બજાવવી પડશે.
- મંગળવાર અને શનિવારે શહેરમાં નાઈટ ડ્યૂટી કરવાની રહેશે.
- નાઈટ રાઉન્ડનું સુપરવિઝન સ્થાનિક અધિકારી તેમજ HQ ના અધિકારીએ કરવાનું રહેશે.
- નાઈટ રાઉન્ડ શરૂ કરતી વખતે, અધવચ્ચે અને અંતમાં એમ કુલ ત્રણ વખત આખી સહી કરવાની રહેશે.
- મુખ્ય મથક ખાતે હાજરી પત્રકમાં અચૂક હાજરી પૂરવાની રહેશે.
- DCP HQ એ દર સોમવારે કામગીરીની સમિક્ષા કરવાની રહેશે.
- યોગ્ય કારણ વિના કર્મચારી ગેરહાજર મળશે તો પ્રાથમિક તપાસ 7 દિવસમાં પૂર્ણ કરવી પડશે.
- ફરજમાં બેદરકાર કર્મચારી સામે દિન 7 માં પ્રાથમિક તપાસ કરી શિક્ષા કરવાની રહેશે.
- ગંભીર ગેરવર્તણૂંક જણાય તો દિન 7માં પ્રાથમિક તપાસ કરી એક માસમાં શિક્ષા કરવાની રહેશે.