અમદાવાદ : 108 કળશ સાથે આવતીકાલે યોજાશે ભગવાન જગન્નાથની જળયાત્રા, તૈયારીઓને આખરી ઓપ અપાઈ
અમદાવાદમાં આવતીકાલે રવિવારે સવારે આઠ વાગ્યે ભગવાનની જળયાત્રા યોજાશે. સાબરમતી નદીના ભૂદરના આરે ગંગાપૂજન થશે. ત્યાર બાદ 108 કળશમાં જળ ભરીને મંદિરે લાવવામાં આવશે અને ષોડશોપચાર પૂજા વિધી કરવામાં આવશે. રથયાત્રા પૂર્વે યોજાતી જળયાત્રાનું અનોખુ મહત્વ હોય છે. આવતીકાલે યોજાનારી જળયાત્રામાં મુખ્ય અતિથિ તરીકે શિવાનંદ આશ્રમના સ્વામી પરમાત્માનંદ સરસ્વતી મહારાજ હાજર રહેવાના છે.
તમને જણાવી દઈએ કે, જળયાત્રાને લઈને જગન્નાથ મંદિર અને સરસપુર મંદિરમાં તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. સવારે 8 થી 10 વાગ્યા સુધી સાબરમતી નદીના કિનારે પૂજા કરવામાં આવશે. જેના માટે 108 કળશ, ધ્વજા પટકા, 3 બળદ ગાડામાં જળ ભરીને લવાશે. જળયાત્રામાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી, શિવાનંદ આશ્રમના સ્વામી પરમાત્માનંદ સરસ્વતી મહારાજ, અમદાવાદના મેયર કિરીટ પરમાર, સહિત શહેરના ધારાસભ્યો, કોર્પોરેટર અને ભાજપ સંગઠનના નેતાઓ હાજર રહેશે.
146 મી રથયાત્રાના યજમાન બન્યા છે ઘનશ્યામ પટેલ
રથયાત્રાને લઈને મોસાળવાસીઓ પણ હવે ભાવવિભોર બનીને ભગવાનના મોસાળ પધારવાની રાહ જોઈ રહ્યા છે. આ વર્ષે 146મી રથયાત્રાના યજમાન ઘનશ્યામ પટેલ બન્યા છે. છેલ્લાં 10 વર્ષથી તેઓ યજમાન બનવાની રાહ જોતા હતા. આ વર્ષે શાયોના ગ્રુપના ઘનશ્યામ પટેલનું ડ્રોમાં નામ ખૂલતાં પરિવારમાં આનંદનો માહોલ છે.
આ પણ વાંચો : હવામાન વિભાગની આગાહી, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી