Ahmedabad : ખાળકૂવાનું ખાડા સાથે જોડાણ કરવા ઉતરેલા ભાડુઆત સહિત ત્રણ જણા મોતને ભેટ્યા
Ahmedabad : સુરક્ષા સાધનો વિના ગટર તેમજ ખાળકૂવાની સફાઈ કરવા ઉતરેલા કામદારો/શ્રમિકોના મોતની રાજ્યભરમાં બનેલી અનેક ઘટનાઓ ભૂતકાળમાં સામે આવી ચૂકી છે. અમદાવાદ શહેર (Ahmedabad City) માં પણ આવા બનાવો બની ચૂક્યાં છે. અમદાવાદના નારોલ વિસ્તાર (Narol Ahmedabad) માં આજે આવી જ એક ઘટના ઘટી છે. જેમાં ત્રણ સ્થાનિક રહીશોના મોત નિપજ્યા છે. ખાળકૂવાની સફાઈ બાદ ભરાઈ જતાં તેના સમારકામ માટે ઉતરેલા ભાડુઆત સહિતના ત્રણ લોકો મૃત્યુ પામતા ફાયરબ્રિગેડની ટીમે બહાર કાઢતાં નારોલ પોલીસે (Narol Police) મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી અકસ્માત મોતની ઘટના નોંધી તપાસ આરંભી છે.
કેવી રીતે બની દુઃખદ ઘટના ?
Ahmedabad ના નારોલ વિસ્તારમાં કોઝી હૉટલ સામે આવેલી વૃંદાવન સોસાયટીમાં રહેતા દેવેન્દ્ર ઓઝાના મકાન પાસેનો ખાળકૂવો ભરાઈ ગયો હોવાથી દસેક દિવસ અગાઉ તેની સફાઈ કરાવવામાં આવી હતી. સફાઈ બાદ પણ ખાળકૂવામાં પાણી ભરાઈ ગયું હતું. ખાળકૂવાની બાજુમાં બનાવેલા એક ઊંડા ખાડામાં ખાળકૂવાનું જોડાણ કરવાનું નક્કી થતાં દેવેન્દ્ર ઓઝાના સંબંધી તેમજ ભાડુઆત 45 વર્ષીય રામભજન શર્મા સોમવારે બપોરે ખાળકૂવાનું ટાંકી સાથે જોડાણ કરવા ઉતર્યા હતા. લાંબો સમય વીતી ગયા બાદ પણ રામભજન શર્મા ખાડામાંથી બહાર નહીં આવતા તેમને શોધવા ભુપેન્દ્રસિંગ રાજપૂત (ઉ.24) ઉતર્યા હતા. ભુપેન્દ્રસિંગ ખાળકૂવામાં ઉતર્યા બાદ તેમણે થોડીક ક્ષણો બાદ પ્રત્યુર આપવાનો બંધ કરી દીધો હતો. જેથી રામભજન અને ભુપેન્દ્રસિંગને શોધવા સોસાયટીમાં રહેતા રિશીરાજ વર્મા (ઉ.19) ઉતર્યા હતા. એક પછી એક એમ ત્રણ-ત્રણ જણા ટાંકીમાં ઉતર્યા બાદ બહાર નહીં આવતા સ્થાનિકો એકઠાં થઈ ગયા હતા. 12 ફૂટ ઊંડા ખાડામાં અજવાળા માટે મુકવામાં આવેલા બલ્બનું ઈલેક્ટ્રીક કનેકશન બંધ કરી દેવાયું હતું.
આ પણ વાંચોઃ Ahmedabad: વડાપ્રધાનના રોડ શૉ દરમિયાન 'ઓપરેશન સિંદૂર'ના સાહસ, શૌર્ય અને પરાક્રમને વધાવાયું
મોતનું કારણ જાણવા પોસ્ટમોર્ટમ કરાયું
સ્થાનિકોએ ઘટનાની જાણ ફાયર બ્રિગેડ કંટ્રોલ રૂમ (Fire Brigade Control Room) માં કરતા ટીમ સ્થળ પર રવાના થઈ હતી. દરમિયાનમાં ત્રણ પૈકી એકને ઊંડા ખાડામાંથી બહાર કાઢી સારવાર અર્થે એલ. જી. હૉસ્પિટલ (L G Hospital) માં લઈ જવાયા હતા. ફાયરબ્રિગેડની ટીમ આવી જતાં બાકીના બે લોકોને બેભાન અવસ્થામાં હૉસ્પિટલ ખસેડ્યા હતાં. જ્યાં ફરજ પરના તબીબોએ ત્રણેયને મૃત જાહેર કરતા ઘટનાની જાણ નારોલ પોલીસને કરવામાં આવી હતી. નારોલ પોલીસે આ મામલે અકસ્માત મોત નોંધી તપાસ શરૂ કરી છે. ત્રણ-ત્રણ લોકોના મોત માટે ઝેરી ગેસ કે પછી વીજ કરંટ જવાબદાર છે ? તેની માહિતી પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ આવશે.
આ પણ વાંચોઃ Dholera : ચોરી કરેલો દેશી દારૂ બે પ્યાસીઓના મોતનું કારણ બન્યો, બુટલેગરની ધરપકડ