AHMEDABAD PLANE CRASH : ઇદ મનાવવા આવેલા પરિવાર માટે આખરી મુસાફરી સાબિત થઇ
- લંડનથી ઇદ મનાવવા પરિવાર અમદાવાદ આવ્યું હતું
- ફરી આવતા વર્ષે આવવાના વાયદા સાથે પરિવારે વિદાય લીધી
- પરિવાર સાથે ઉમરેઠના મહિલા પણ જોડાયા હતા
- તમામ માટે અમદાવાદથી લંડનની ફ્લાઇટ મુસાફરી આખરી સાબિત થઇ
AHMEDABAD PLANE CRASH : અમદાવાદથી લંડન જતી ફ્લાઇટ ક્રેશ થતા 240 થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ ફ્લાઇટમાં લંડનથી અમદાવાદ ઇદની ઉજવણી કરવા (EID CELEBRATION) આવેલું પરિવાર પણ પરત ફરી રહ્યું હતું. પરિવારને ઉમળકાભેર રવાના કરવા પરિજનો આવ્યા હતા. આ પરિજનો એરપોર્ટ (AHMEDABAD AIRPORT) ની બહાર આવે તે પહેલા જ પ્લેન ક્રેશની (AHMEDABAD PLANE CRASH) ખબર તેમના સુધી પહોંચી હતી. જેને પગલે તમામના જીવ તાળવે ચોંટ્યા હતા. આ ઘટનામાં તમામે પોતાના જીવ ગુમાવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. આમ, સ્વજનો જોડે ઇદ મનાવવા માટે આવેલુ પરિવાર પ્લેન ક્રેશમાં હંમેશા માટે જતુ રહ્યું હતું.
પરિવાર હસી-ખુશીથી પરત ફરી રહ્યું હતું
સમગ્ર મામલે પ્રાપ્ત વિગતો અનુસાર, અમદાવાદના ખાનપુરના સૈયદવાડમાં રહેતા મઝ્ઝફર સૈયદના બહેન નફીસાબાનુ, તેમના પતિ ઇનાયત અલી અને સંતાન તસકીન અને વકારઅલી લંડનમાં સ્થાયી થયા છે. દર વર્ષની જેમ આ વર્ષે ઇદ મનાવવા માટે નફીસાબાનું લંડનથી અમદાવાદ પિયરમાં આવ્યા હતા. સંતાનો સાથે ઇદની ઉજવણી કરી શકાય તેવા ઉદ્દેશ્યથી પરિવાર વતન આવ્યું હતું. ઇદ પર્વની રંગેચંગે ઉજવણી કર્યા બાદ પરિવાર હસી-ખુશીથી પરત ફરી રહ્યું હતું. ગુરૂવારે તેમની ફ્લાઇટ હોવાથી પરિજનો મોટી સંખ્યામાં તેમને મુકવા માટે એરપોર્ટ આવ્યા હતા.
જીવ તાળવે ચોંટ્યા
આવતા વર્ષે ફરી મળવાના વાયદા સાથે સ્વજનોને વિદાય આપવામાં આવી હતી. લંડન જવા માટે પરિવાર ફ્લાઇટમાં બેઠું અને બીજી બાજુ તેમને મુકવા આવેલા પરિજનો પરત ફરી રહ્યા હતા. પરત ફરજા પરિજનો એરપોર્ટની બહાર નીકળે તે પહેલા જ તેમના સુધી પ્લેન ક્રેશના સમાચાર પહોંચ્યા હતા. જેને પગલે તેમના જીવ તાળવે ચોંટ્યા હતા, અને તેઓ શોકાતુર બન્યા હતા.
બે દિવસ પહેલા જ ટિકિટ બુક કરાવી
પ્લેન ક્રેશની ઘટના બાદ દંપતિનો એક ગ્રુપ ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં ઉમરેઠના સલમાબેન વોરા પણ જોવા મળી રહ્યા છે. તેમણે પુત્રની દેખરેખ રાખવા માટે લંડન જવાનું હતું. પરંતુ સાથે કોઇ જતું હોય તેની શોધમાં હતા. દરમિયાન અમદાવાદનો પરિવાર જતો હોવાનું ધ્યાને આવતા તેઓ તેમની સાથે જોડાયા હતા. બે દિવસ પહેલા જ તેમની ટિકિટ બુક કરાવવામાં આવી હતી. જો કે, તેઓ તેમના પુત્રી સુધી પહોંચે તે પહેલા જ તેમના પ્લેન ક્રેશમાં મૃત્યુના સમાચાર સામે આવ્યા છે.
આ પણ વાંચો --- AHMEDABAD PLANE CRASH : રજા ગાળવા લંડન જવા ફ્લાઇટમાં દંપતિ બેઠું, ક્રેશમાં મૃત્યું