AHMEDABAD PLANE CRASH : 10 પરિવારની કહાની તમને અંદરથી હચમચાવી મુકશે
- અમદાવાદથી લંડન જતી ફ્લાઇટ ક્રેશન થઇ
- ફ્લાઇટમાં બેઠેલા મુસાફરો, પાયલોટ અને કેબિન ક્રુ સહિત 241 ના મોત
- અનેક પરિવારો પોતાના સ્વજનો જોડે સમય વિતાવવા આવ્યા હતા, જે હવે અંતિમ યાદો બની ગઇ છે.
AHMEDABAD PLANE CRASH : ગતરોજ બપોરના સમયે એર ઇન્ડિયાની ફ્લાઇટ અમદાવાદથી લંડન માટે ઉડાન ભરી હતી. ઉડાન બાદ ગણતરીના સમયમાં જ પ્લેન ક્રેશ થઇ ગયું હતું. અને તેમાં સવાર 241 જેટલા લોકોના મોત થયા હતા. આ ઘટનામાં એક માત્ર વ્યક્તિનો બચાવ થયો છે. જે હાલ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ ક્રેશ થયેલું પ્લેન મેઘાણી આઇજીપી કમ્પાઉન્ડમાં પડ્યું હતું. અહિંયા ઇન્ટર્ન તબિબોની મેડિકલ હોસ્ટેલ આવેલી છે. બપોરના સમયે આ હોસ્ટેલમાં જમવા આવેલા 50 જેટલા ઇન્ટર્નના મૃત્યું થાનું સામે આવ્યું છે. આ ઘટનામાં મૃતકો પૈકી 10 પરિવારો એવા હતા કે તેમની કહાની અંદરથી હચમચાવી મુકે તેવી છે.
કિસ્સો - 1 ઇદ મનાવીને પરત જતો હતો પરિવાર
સુરતના રામપુરા વિસ્તારમાં અબ્દુલ્લા નાનાબાવા પત્ની સાથે રહે છે. તેમનો દિકરો અકીલ નાનાબાવા અને પત્ની હાના નાનાબાવા અને દિકરી સારા છે. પરિવાર વર્ષોથી લંડનમાં રહે છે. અકીલનો પોતાનો બિઝનેસ છે. થોડા દિવસ પૂર્વે ઇદ હોવાથી તે માતા-પિતાને સરપ્રાઇઝ આપવા માટે આવ્યો હતો. પરિવાના ત્રણેય લંડનથી સુરત આવ્યા હતા. અને ગુરૂવારની ફ્લાઇટમાં લંડન જવા માટે રવાના થયા હતા. આ પ્લેન ક્રેશ થતા ત્રણેયે પોતાનો જીવ ગુમાવ્યો છે
કિસ્સો - 2 પત્નીની અંતિમ વિધિ પતાવી પરત ફરતા પ્લેન ક્રેશ
મુળ સુરતના અર્જુન પટોળિયા વર્ષ 2009 થી લંડનમાં સ્થાયી થયા હતા. તેઓ ત્યાં પોતાની પત્ની અને બે દિકરીઓ સાથે રહેતા હતા. તેઓ લંડનની ખાનગી કંપનીમાં કામ કરતા હતા. લંડનમાં અમુક વર્ષો સુધી તેમનું જીવન સામાન્ય ચાલતું હતું. તેવામાં ત્રણ વર્ષ પહેલા તેમના પત્નીને સર્વાઇકલ કેન્સરનું નિદાન થયું હતું. 23, મે ના રોજ તેમની પત્ની ભારતીનું અવસાન થયું હતું. મૃતક પત્નીના અંતિમ સંસ્કાર લંડનમાં કરવામાં આવ્યા હતા. અને અંતિમ વિધિ માટે તેઓ ગુજરાત આવ્યા હતા. જ્યાંથી લંડન પરત ફરતા તેઓ પ્લેન ક્રેશનો ભોગ બન્યા હતા.
કિસ્સો - 3 પુત્રીની બાબરી માટે વડોદરા આવ્યા
મુળ છોટાઉદેપુરના બોડેલીની દિકરી અને વડોદરાના વારસિયા વિસ્તારમાં આવેલા પટેલ પરિવારમાં પરણેલી નેન્સી પટેલ 15 દિવસ પૂર્વે વડોદરા આવ્યા હતા. તેઓ હાલના દિવસોમાં લંડન સ્થાયી થયા હતા. તેમની દિકરીની બાબરી હોવાથી તેઓ સાસરીમાં આવ્યા હતા. અઢી વર્ષની દિકરીને મુકીને તેઓ લંડન જઇ રહ્યા હતા. દરમિયાન તેઓ પ્લેન ક્રેશનો ભોગ બન્યા હતા. ઘટના સમયે દિકરી સાસરીયાઓ જોડે અને પતિ લંડનમાં હતા.
કિસ્સો - 4 દિયરના નિકાહ પ્રસંગમાં અંતિમ હાજરી
વડોદરા શહેરના વાડી ખત્રીપોળમાં રહેતા સાદીકાબાનું શેઠવાલા પોતાની અઢી વર્ષની દિકરીને લઇને દિયરના નિકાહ માટે લંડનથી આવી હતી. પતિને રજા નહીં મળતા તેઓ આવી શક્યા ન્હતા. આખરે તેઓ પુત્રી સાથે લંડન પરત ફરી રહ્યા હતા. તેમના સાસુ-સસરા તેમને પરત મુકવા ગયા હતા. જ્યાંથી પરત ફરતા જ અધવચ્ચે તેમને પ્લેન ક્રેશની જાણ થઇ હતી.
કિસ્સો - 5 દિકરીને મળવા જતા હતા માતા-પિતા
ખંભારમાં હેમંતભાઇ પંડ્યા અને તેમના પત્ની નેહાબેન પંડ્યા રહેતા હતા. હેમંતભાઇ ગોરપદુ કરીને પોતાનું તથા પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેમને પરિવારમાં પત્ની, એક દિકરો અને એક દિકરી હતી. દિકરીના નગરા ખાતે લગ્ન થયા હતા. અને તે લંડનમાં સ્થાયી થઇ હતી. તેમની દિકરીએ બોલાવતા પંડ્યા દંપતી ફ્લાઇટમાં બેસીને લંડન જવા નીકળ્યું હતું. જે તેમના જીવનનો આખરી સફર બનીને રહ્યો હતો.
કિસ્સો - 6 સજોડે સગાઇ કરવા ગુજરાત આવ્યા
ગઢડાના અડતાળા ગાનો ખેડૂત પરિવારને પુત્ર હાર્દિક અવૈયા બે વર્ષથી લંડનમાં સ્થાયી થયો હતો. તેને એમેઝોનમાં સારી નોકરી મળતા તેણે ત્યાં જ સ્થાયી થવાનું પસંદ કર્યું હતું. તાજેતરમાં લંડન ખાતે રહેતી વિભૂતિ નામની યુવતિ સાથે તેની સગાઇ નક્કી કરવામાં આવી હતી. એક મહિના પહેલા સગાઇ તથા પરિજનો સાથે સમય વિતાવવા માટે બંને સજોડે આવ્યા હતા. ત્યાર બાદ લંડન જવા રવાના થયા હતા. પ્લેન ક્રેશ થતા પરિવાર શોકમય બન્યા હતા.
કિસ્સો - 7 પિતાની અંતિમ વિધિ પતાવી માતા-પુત્ર લંડન જવા નીકળ્યા
ઊંઝા તાલુકાના ઐઠોર ગામે કેતનભાઇ ભગવાનભાઇ પટેલના પિતાનું 15 દિવસ પહેલા અવસાન થયું હતું. જેથી પિતાની અંતિમ વિધિ માટે તે લંડનથી સ્વદેશ આવ્યા હતા. અંતિમ વિધિ પતાવીને પોતાની માતા સવિતાબેન પટેલ સાથે તેઓ પરત ફરી રહ્યા હતા. બંને અમદાવાદથી લંડન જવા માટે એર ઇન્ડિયાની ફ્લાઇટમાં બેઠા હતા. આ ફ્લાઇટે ઉડાન ભરતા જ તે ક્રેશ થઇને પડી હતી.
કિસ્સો - 8 પુત્ર-પુત્રીએ માતા-પિતાનું છત્ર ગુમાવ્યું
ગાંધીનગરના સેક્ટર 24 માં ગૌરવ અને કલ્યાણી બ્રહ્મભટ્ટ રહેતા હતા. ગૌરવભાઇ પહેલાથી જ લંડનમાં રહેતા હતા, ત્યાં જ તેમની મુલાકાત કલ્યાણીબેન જોડે થઇ હતી. ત્યાર બાદ બંનેએ લગ્ન કર્યા હતા. દાંપત્ય જીવનમાં એક પુત્ર અને એક પુત્રી છે. જે ગિફ્ટ સિટી ખાતેની સ્કુલમાં અભ્યાસ કરે છે. કલ્યાણી બેન ગિફ્ટ સિટીમાં કામ કરતા હતા. અમદાવાદથી લંડનની ફ્લાઇટમાં બંને દંપતી જઇ રહ્યા હતા. અને ક્રેશ થતા મોતનો ભેટો થઇ ગયો હતો.
કિસ્સો - 9 ચાર મહિના પહેલા જ લગ્ન થયા
બનાસકાંઠાના ધાનેરાના થરાવ ગામે કમલેશભાઇ સવદાન ભાઇ ચૌધરી અને ધાપુબેન ચૌધરીના લગ્ન ચાર મહિના અગાઉ થયા હતા. બંનેએ સાથે જ લંડન જવાનું નક્કી કર્યું હતું. બંને અમદાવાદથી લંડન જવા ફ્લાઇટમાં બેઠા અને ક્રેશમાં મોત મળ્યું છે. આમ, 4 મહિનાના લગ્ન જીવન બાદ દંપતીએ સાથે અંતિમ શ્વાસ લીધા છે.
કિસ્સો - 10 સીમંત વિધિ પતાવીને લંડનની ફ્લાઇટમાં દંપતિ બેઠું
ધોળકાના કેલિયા વાસણા ગામના જનલ પટેલ અને વૈભવ પટેલ એર ઇન્ડિયાના અમદાવાદથી લંડનની ફ્લાઇટમાં બેટા હતા. જીનલના પેટમાં 7 માસનો ગર્ભ હતો. તેઓ તેની સિમંત વિધિ માટે અમદાવાદ આવ્યા હતા. સિમંત વિધિ પતાવીને પટેલ દંપતિ લંડન જઇ રહ્યું હતું. જેમાં ફ્લાઇટ ક્રેશ થતા તમામે પોતાના જીવ ગુમાવ્યા હતા.
આ પણ વાંચો --- AHMEDABAD PLANE CRASH : 1 વર્ષ પૂર્વે પુત્ર અને હવે માતા-પિતાનું પ્લેન ક્રેશમાં મોત