VADODARA : 1 કલાકમાં ફાયરની ટુકડી પહોંચી, પ્લેનના કાટમાળમાંથી મૃતદેહો રેસ્ક્યૂ કર્યા
- અમદાવાદ પ્લેન ક્રેશમાં વડોદરાની ફાયર ટીમો રેસ્ક્યૂ કાર્યમાં જોડાઇ
- કાટમાળમાંથી મૃતદેહો-માનવઅંગો રેસ્ક્યૂ કરીને ઓથોરીટીને સોંપવામાં આવ્યા
- આટલી મોટી સંખ્યામાં લોકોના મોત થયા હોય તેવી આ પ્રથમ ઘટના છે - મનોજ પાટીલ
VADODARA : અમદાવાદ પ્લેન ક્રેશ (AHMEDABAD PLANE CRASH) ની ઘટનાના એક કલાકમાં જ વડોદરા ફાયર બ્રિગેડ (VADODARA FIRE BRIGADE) ની ટુકડી સ્થળ પર પહોંચી હતી. અને બચાવ-રાહત કાર્યમાં જોડાઇ હતી. સ્થળ પર જ્યાં નજર ફરે ત્યાં પ્લેનનો કાટમાળ જ દેખાતો હતો. ક્યાં કયો ભાગ પડ્યો હશે, તેનો અંદાજો લગાડવો મુશ્કેલ હતું. કાટમાળના એક હિસ્સા નીચે જોતા ત્રણ બાળકોના મૃતદેહો મળી આવ્યા હતા. જે જોતા ફાયર બ્રિગેડના જવાનોના હાથ એક તબક્કે ધ્રુજ્યા હતા. જો કે, કાળજું કઠણ કરીને તેમણે કામગીરી જારી રાખી હતી. વડોદરાના ચીફ ફાયર ઓફિસર, ડે. ચીફ ફાયર ઓફિસર, સ્ટેશન ઓફિસર સહિતના જવાનો બચાવ કામગીરીમાં જોડાયા હતા.
મોટી મોટી દુર્ઘટનાઓ સમયે ફરજ બજાવી
વડોદરા ફાયર બ્રિગેડ સુત્રોના જણાવ્યા અનુસાર, પ્લેનના કાટમાળમાં કોઇનો હાથ તો કોઇનો પગ વિખેરાયેલા મળ્યા હતા. કેટલાકના અંગો પરથી છુટ્ટા પડેલા વિંટી અને મંગળસુત્ર મળી આવ્યા હતા. આ વચ્ચે જ્યારે કાટમાળનું પતરૂં ઉંચુ કરીને જોતા તેમાં ત્રણ બાળકોના મૃતદેહો નજરે પડ્યા હતા. જે જોઇને ફાયર બ્રિગેડના લાશ્કરોના હાથ ધ્રુજ્યા હતા. વડોદરા ફાયર બ્રિગેડના સીએફઓ મનોજ પાટીલનું કહેવું છે કે, ટીમે પહોંચીને પ્લેનનો કયો ભાગ ક્યાં પડ્યો છે, તેની માહિતી મેળવી લીધી હતી. અમારા જુના સાથીઓએ મોટી મોટી દુર્ઘટનાઓ સમયે ફરજ બજાવી છે. પરંતુ આટલી મોટી સંખ્યામાં લોકોના મોત થયા હોય તેવી આ પ્રથમ ઘટના છે.
8 લોકોને સર્સ ઓપરેશન માટે પહોંચાડવામાં આવ્યા
કાર્યવાહી અંગે વાસણા ફાયર સ્ટેશનના સબ ફાયર ઓફિસર જયદીપ ગઢવીએ મીડિયાને કહ્યું કે, એરલાયન્સના ઉચ્ચ અધિકારીઓને પ્લેનના પાર્ટસ શોધવામાં અમે મદદ કરી હતી. બિલ્ડીંગમાં વિમાનની પુંછડીનો ભાગ જ્યાં ફસાયો હતો ત્યાં 8 લોકોને સર્સ ઓપરેશન માટે પહોંચાડવામાં આવ્યા હતા. ત્યાંથી એક મહિલાનો વીંટી પહેરેલો હાથ મળ્યો હતો. જે પોલીસને સોંપવામાં આવ્યો છે.
આ પણ વાંચો --- VADODARA : 32 પરિજનોના DNA લેવાયા, 'બ્રેસલેટ'ના આધારે મૃતદેહ શોધવાનો પ્રયાસ