મહિલાઓ માટે 7 હજારમાં Activa ની સરકારી સ્કીમ જણાવી છેતરપિંડી કરનારા સિક્યુરિટી ગાર્ડની અમદાવાદ પોલીસે કરી ધરપકડ
'લોભીયા હોય ત્યાં ધૂતારા ભૂખે ના મરે' આ કહેવત આજ પણ સાર્થક છે. લાલચની જાળમાં ફસાઈને ભોગ બનનારાઓ ભૂતકાળમાં પણ હતા અને ભવિષ્યમાં પણ હશે. અમદાવાદ શહેરમાં બનેલી એક ઘટનામાં માત્ર 7 હજાર રૂપિયામાં Activa લેવા નીકળેલી 15 મહિલા/યુવતીઓ ઠગાઈનો ભોગ બની છે. મહિલાઓ માટે એક્ટિવાની સરકાર સ્કીમ (Government Scheme for Activa) હોવાનું કહીને ઠગાઈ કરનારો શખસ એક સિક્યુરિટી ગાર્ડ નીકળ્યો છે. શાહીબાગ પોલીસે (Shahibaug Police) આ મામલે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ આરંભી છે.
Activa Scheme ની જાળમાં બ્યુટિશીયન કેવી રીતે ફસાયા ?
અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં અભિષેક કૉમ્પલેક્ષમાં ન્યુ વર્ધમાન બ્યુટી પાર્લર ચલાવતા મધુબહેન જૈને (રહે. ઑર્ચિડ ગ્રીન, ગિરધરનગર બ્રિજ પાસે, શાહીબાગ) ગત 21 સપ્ટેમ્બરના ફરિયાદ આપી હતી. ફરિયાદમાં મધુબહેને જણાવ્યું છે કે, તેમના પાર્લરમાં સફાઈ કામ કરતા ગૌરીબહેન પાસેથી Activa માટેની ભારત સરકારની સ્કીમની ગત 27 ઑગસ્ટના રોજ જાણકારી મળી હતી. રૂપિયા 7 હજારમાં મહિલાઓ માટે Activa ની સરકાર સ્કીમ હોવાની માહિતી મળતાની સાથે જ મધુબહેને મનીષ શાહનો મોબાઈલ નંબર મેળવી સંપર્ક કર્યો હતો. મનીષ શાહે 50 વર્ષીય મધુબહેનના મોબાઈલ ફોન પર સરકારની જુદીજુદી સ્કીમના ફોટા વૉટ્સએપ થકી મોકલી આપ્યા હતા. મધુબહેને તેમના બ્યુટી પાર્લર અને ઘરે કામ કરતી મહિલા/યુવતીઓ સહિત કુલ 15 લોકોના ઓળખપત્રો મનીષ શાહને ફોન પર મોકલી આપ્યા હતા. ત્યારબાદ મધુબહેને મનીષ શાહે મોકલેલો ક્યુઆર કૉડ સ્કેન કરી 33 હજાર રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. 28 ઑગસ્ટના રોજ તમારૂં રજિસ્ટ્રેશન થઈ ગયું છે. તમને સાત દિવસમાં એક્ટિવા ટુ વ્હીલર (Activa Two Wheeler) ની ડિલીવરી મળી જશે તેમ ફોન પર મનીષે કહેતા મધુબહેન વિશ્વાસમાં આવી ગયા હતા. ગત 16 સપ્ટેમ્બરના રોજ મનીષે ફોન કરીને એક્ટિવા લોડિંગ પેટે રૂપિયા 5250 ટ્રાન્સફર કરાવ્યા હતા. એ પછી મનીષ એક્ટિવાની ડિલીવરી આપવા અંગે ગલ્લા તલ્લા કરવા લાગ્યો હતો.
આ પણ વાંચો- Vadodara : વડોદરા જિલ્લા ભાજપમાં ભડકો! બેઠકમાં ધારાસભ્યો નારાજ થયાની ચર્ચા
પોલીસે પકડેલો ઠગ સિક્યુરિટી ગાર્ડ નીકળ્યો
બ્યુટીશીયન મધુબહેન જૈનને છેતરપિંડી થયાનો એહેસાસ થતાં તેમણે Cyber Crime Helpline Number 1930 પર કોલ કરીને છેતરપિંડીની ફરિયાદ કરી હતી. આ મામલો શાહીબાગ પોલીસ સ્ટેશન (Shahibaug Police Station) માં આવતા મધુબહેનની ફરિયાદ નોંધવામાં આવી હતી. ફરિયાદમાં દર્શાવાયેલા મોબાઈલ નંબર અને ડિજિટલ પેમેન્ટ આઈડીના આધારે પોલીસે તપાસ આરંભી હતી. તપાસ દરમિયાન શાહીબાગ પોલીસે અંકિત નરેન્દ્રકુમાર શાહ ઉર્ફે મનીષ (રહે. માણસા, જિ. ગાંધીનગર)ને ઝડપી લીધો છે. પકડાયેલો આરોપી અંકિત ઉર્ફે મનીષ સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે. પોલીસે આરોપીની ધરપકડ કરીને છેતરપિંડીના નાણા કોના એકાઉન્ટમાં ગયા હતા તેની તપાસ આરંભી છે.
આ પણ વાંચો- Ahmedabad : AAP યોજશે 'કિસાન મહાપંચાયત', પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ આપી માહિતી


