Ahmedabad: પ્રસિદ્ધ લોકસાહિત્યકાર, વાર્તાકાર પદ્મશ્રી જોરાવરસિંહ જાદવનું 85 વર્ષની વયે નિધન
- Ahmedabad: લોકસાહિત્ય અને લોકકલા પર 90થી વધુ કૃતિઓ લખી હતી
- 2019માં પદ્મશ્રી પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા
- ગુજરાત લોકકલા ફાઉન્ડેશનની સ્થાપના કરી હતી
Ahmedabad: પ્રસિદ્ધ લોકસાહિત્યકાર, વાર્તાકાર પદ્મશ્રી જોરાવરસિંહ જાદવનું 85 વર્ષની વયે નિધન થયુ છે. ગુજરાતી લોકસાહિત્યમાં અંતિમ શ્વાસ સુધી તેઓનું અવિરત યોગદાન રહ્યુ છે. જોરાવરસિંહ જાદવે લોકકલા, લોકસંસ્કૃતિ પર આધારિત 90થી વધુ કૃતિઓનું સંપાદન અને રચના કરી છે. મેઘાણી સુવર્ણચંદ્રક, ગુજરાત સાહિત્ય અકાદમી પારિતોષિકથી વિભૂષિત હતા,. જોરાવરસિંહ જાદવની ખ્યાતનામ વાર્તાઓમાં મરદ કસુંબલ રંગ ચડે, મરદાઈ માથા સાટેનો સમાવેશ થાય છે. લોકકલાના અનેક કલાકારોને વૈશ્વિક ઓળખ આપી છે.
1978માં ગુજરાત લોકકળા ફાઉન્ડેશનની સ્થાપના કરી હતી
જાણીતા લોક કલા સાહિત્યકાર, લેખક, વિચારક, પદ્મશ્રી જોરાવરસિંહ જાદવનું દુઃખદ નિધન થયું છે. પદ્મશ્રી જોરવરસિંહ જાદવના કાર્યોમાં લોકસાહિત્ય, લોકકલા અને લોકસંસ્કૃતિ પર 90થી વધુ પુસ્તકોનું લેખન અને સંપાદન સામેલ છે. તેમણે 1978માં ગુજરાત લોકકળા ફાઉન્ડેશનની સ્થાપના કરી હતી. જે ગુજરાત અને રાજસ્થાનના લોકકલાકારોને પ્લેટફોર્મ આપે છે અને તેમને ટેલિવિઝન, રેડિયો જેવા માધ્યમો દ્વારા પ્રસિદ્ધિ અપાવે છે.
Ahmedabad: 1968માં તેમનું પહેલું પુસ્તક ‘મરદ કસુંબલ રંગ ચડે’ પ્રકાશિત થયું
અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના આકરુ ગામના રાજપૂત ખેડૂત પરિવારમાં જન્મેલા જોરાવરસિંહ જાદવે બાળપણથી જ લોકજીવન અને તેની સંસ્કૃતિને નજીકથી જોઈ હતી. બી.એ. અને પ્રાચીન ભારતીય સંસ્કૃતિમાં અનુસ્નાતક થયા બાદ તેમનું સંપૂર્ણ જીવન લોકસાહિત્યના સંશોધન અને પ્રચાર માટે સમર્પિત કર્યું હતું. 1968માં તેમનું પહેલું પુસ્તક ‘મરદ કસુંબલ રંગ ચડે’ પ્રકાશિત થયું હતું, જે લોકસંસ્કૃતિના અભ્યાસનો આરંભ હતો.
વીરરસની ગાથાઓ પર સંશોધન કરીને અસંખ્ય ગ્રંથોનું સંપાદન કર્યું
તેમણે લોકનૃત્યો, લોકવાદ્યો, લોકગીતો, વેશભૂષા, અને વીરરસની ગાથાઓ પર સંશોધન કરીને અસંખ્ય ગ્રંથોનું સંપાદન કર્યું છે. આ કારણે જ તેમને લોકસંસ્કૃતિના એક મહત્વપૂર્ણ સંશોધક અને પ્રચારક તરીકેની નામના મળી હતી. તેમણે ‘સહકાર’ સાપ્તાહિક અને ‘ગ્રામસ્વરાજ’ જેવા માસિકોનું પણ સંપાદન કર્યું હતું. તેમના નિધનના સમાચારથી ગુજરાતના લોક સાહિત્ય અને કલા જગતમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ ગઈ છે. લોકસાહિત્યના આ દિગ્ગજ સંશોધકે તેમના જીવનકાળ દરમિયાન 90થી વધુ લોકસંસ્કૃતિ-વિષયક પુસ્તકો આપીને ગુજરાતી લોકવારસાને ચિરંજીવ બનાવ્યો છે.
આ પણ વાંચો: Gujarat: માનવતા વિરુદ્ધ વર્તન કરનાર સામે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા એક્શન મોડમાં