Gujarat Rain: ચોટીલામાં કરા સાથે ધોધમાર વરસાદ, ખેડૂતોનો જીવ તાળવે ચોંટ્યો
અમદાવાદ શહેરમાં સમી સાંજના સુમારે અચાનક ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસવાનો શરૂ થયો હતો. અચાનક ધોધમાર વરસાદ વરસવાનું શરૂ થતા રાહદારીઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. તો બીજી તરફ વરસાદને પગલે ઠેર ઠેર પાણીના ખાબોચીયા ભરાઈ જવા પામ્યા હતા. કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. હાલ કેરીની સીઝન ચાલી રહી છે. ભારે પવનનાં કારણે આંબા પર રહેલ કેરીઓ પડી જતા કેરીના પાકને ભારે નુકસાન થવાની શક્યતાઓ છે. હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ હજુ પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ છવાયો હતો. ખેડાના ઠાસરા ગામે વૃક્ષ ધરાશાયી થતા બે લોકો દટાયા હતા. જેમાં વૃદ્ધ મહિલાનું મોત નિપજ્યું હતું. જ્યારે એક મહિલાને ગંભીર ઈજાઓ થતા તેને 108 મારફત સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.
ચોટીલામાં કરા સાથે પડેલ વરસાદની લોકોએ મજા માણી
May 5, 2025 11:20 pm
ચોટીલા શહેરી વિસ્તારમાં સાંજના બરફના કરા સાથે પડેલ કમોસમી વરસાદની લોકોએ મજા માણી હતી. ચોટીલા શહેરી વિસ્તારમાં રહેતા એક પરિવારે બરફના કરાનો અલગ અલગ વાસણોમાં સંગ્રહ પણ કર્યો હતો. અસહ્ય ગરમી અને ઉકળાટ વચ્ચે ચોટીલા વાસીઓએ બરફના કરા સાથે કમોસમી વરસાદની મજા માણી હતી. અલગ અલગ વાસણોમાં બરફના કરાનો સંગ્રહ કરતા નાના બાળકો સહિત પરિવારજનો પણ વરસાદમાં ન્હાવાની મજા માણી હતી. સાંજના સમયે ચોટીલા શહેરી વિસ્તારમાં બરફના કરા સાથે કમોસમી વરસાદ પડ્યો હતો.
મોરબી, ટંકારા, માળિયા પંથકમાં વાતાવરણમાં ઠંડક પ્રસરી
May 5, 2025 11:10 pm
મોરબીના વાતાવરણમાં પલ્ટા બાદ ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. મોરબી, ટંકારા, માળિયા પંથકમાં વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. હળદવમાં છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો. ટીકર, જોગડ, કીડી, માલનિયાદ સહિતના ગામોમાં વરસાદ પડ્યો હતો. ભારે ઉકળાટ બાદ સમગ્ર જિલ્લામાં ઠંડક પ્રસરી જવા પામી હતી.
મહીસાગર જિલ્લાના છ તાલુકાઓમાં વરસાદી માહોલ
May 5, 2025 11:10 pm
મહીસાગર જિલ્લાના છ તાલુકાઓમાં છેલ્લા બે કલાકમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. સૌથી વધુ વરસાદ ખાનપુર તાલુકામાં પડ્યો હતો. ખાનપુરમાં 25 મીમી વરસાદ પડ્યો હતો. વીરપુરમાં 4 મીમી વરસાદ, લુણાવાડા, બાલાસિનોર અને કડાણામાં 2 મીમી વરસાદ, સંતરામપુરમાં 1 મીમી વરસાદ પડ્યો હતો.
ખેડા જિલ્લામાં ભારે પાવન સાથે વર્ષો વરસાદ
May 5, 2025 10:26 pm
હવામાન ખાતાની આગાહીના પગલે ખેડા જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. ઠાસરા તાલુકામાં ભારે પવન ફૂંકાતા અને વૃક્ષ ધરાશાયી થયા હતા. ઠાસરા તાલુકાના ગુમડીયા ગામે વડનું વૃક્ષ ધરાશાયી થતા બે લોકો દટાયા હતા. વૃક્ષ નીચે દબાયેલા બે લોકોમાં 50 વર્ષીય વૃદ્ધ મહિલા કપિલાબેન ચાવડાનું મોત નિપજ્યું હતું. તો અન્ય એક વ્યક્તિને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડાયા હતા.
વરસાદના કારણે વીઝીબીલીટી ઓછી થતા અકસ્માત સર્જાયો
May 5, 2025 10:24 pm
અમદાવાદમાં ભારે વરસાદને પગલે વિઝીબીલીટી ઓછી થતા રીંગરોડ પર હેબતપુરા કટ પાસે મોટો અકસ્માત સર્જાયો હતો. એકાએક પડેલા વરસાદને કારણે આઈસર સાથે ત્રણ ગાડીઓ ઠોકાઈ જવા પામી હતી. રીંગ રોડ પર એક તરફ વરસાદ અને બીજી તરફ સ્ટ્રીટ લાઈટો બંધ હોવાના લીધે અકસ્માત સર્જાયો હતો. રોડ ઉપર બમ્પની સમસ્યાને કારણે વારંવાર અકસ્માત સર્જાય છે તેમ સ્થાનિકોએ જણાવ્યું હતું. ઈજાગ્રસ્ત મહિલાને 108 મારફતે હોસ્પિટલ ખસેડાયા હતા.
તમામ ટ્રેનો એક થી દોઢ કલાક મોડી
May 5, 2025 10:17 pm
વાતાવરણમાં અચાનક આવેલા પલ્ટાના કારણે ટ્રેન વ્યવહારને અસર થવા પામી છે. તમામ ટ્રેનો એક થી દોઢ કલાક મોડી ચાલી રહી છે. સુરત-અમદાવાદ વચ્ચે દોડતી ટ્રેન એકથી દોઢ કલાક મોડી ચાલી હતી.
રાપર તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો
May 5, 2025 10:00 pm
કચ્છના રાપર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો હતો. રાપર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં એક ઈચથી વધુ વરસાદ નોંધાયો હતો. રાત્રે ગ્રામ્ય વિસ્તારમાં ધીમીધારે વરસાદ પડ્યો હતો. રસ્તા પર વરસાદી પાણી ફરી વળતા રાહદારીઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.
વિરામ બાદ ગાંધીનગરમાં ફરી વરસાદ શરૂ
May 5, 2025 9:51 pm
ગાંધીનગરના અલગ અલગ સેક્ટરો અને ગામડાઓમાં વરસાદી માહોલ છવાયો હતો. થોડા વિરામ બાદ ફરી ગાંધીનગરમાં વરસાદ શરૂ થયો હતો વીજળીના કડાકા ભડાકા સાથે ગાંધીનગરમાં વરસાદ શરૂ થયો હતો. બપોરે આંધી વંટોળ સાથે મીની વાવાઝોડું આવ્યું હતું.
શહેરના પશ્ચિમ વિસ્તારમાં વરસાદી ઝાપટું
May 5, 2025 9:48 pm
અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં વરસાદી ઝાપટું પડ્યું હતું. અમદાવાદના એસજી હાઈવે પર ધોધમાર વરસાદ પડતા ઠેર ઠેર પાણીના ખાબોચિયા ભરાઈ જવા પામ્યા હતા. પૂર્વ વિસ્તાર બાદ પશ્ચિમ વિસ્તારમાં વરસાદી ઝાપટુ પડ્યું હતું. ભારે પવન સાથે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી ઝાપટુ પડ્યું હતું.
અમદાવાદ શહેરના અનેક વિસ્તારમાં વરસાદ
May 5, 2025 9:45 pm
ભારે ઉકળાટ બાદ આખરે અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસવાનો શરૂ થયો હતો. અમદાવાદ શહેરના અનેક વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો હતો. ધોધમાર વરસાદ ખાબકતા ઠંડક પ્રસરી જવા પામી હતી. પકવાન, થલતેજ, ઈસ્કોન, ગોતા, ચાણક્યપુરી, ઘાટલોડિયા, ચાણક્યપુરી, પકવાન ચાર રસ્તા, ન્યૂ રાણીપ વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો હતો. ધોધમાર વરસાદ ખાબકતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.