એર ઇન્ડિયાની ફલાઇટમાં ટેકનિકલ ખામી સર્જાતા મંગોલિયામાં ઇમરજન્સી લેન્ડિંગ,મોટી દુર્ઘટના ટળી
- એર ઇન્ડિયાની ફલાઇટમાં ટેકનિકલ ખામી સર્જાઇ
- સાન ફ્રાન્સિસ્કોથી દિલ્હી આવતી ફલાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ
- મંગોલિયાની રાજધાની ઉલાનબાતરમાં કરાયું સુરક્ષિત લેન્ડિંગ
સોમવારે સાન ફ્રાન્સિસ્કો (SFO) થી દિલ્હી (DEL) જતી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં સંભવિત ટેકનિકલ ખામી હોવાની શંકાના પગલે મોટી ઘટના ટળી હતી. વિમાનના પાઇલટે અત્યંત સાવધાનીપૂર્વક અને સમયસૂચકતા વાપરીને વિમાનને મંગોલિયાની રાજધાની ઉલાનબાતરમાં સુરક્ષિત રીતે લેન્ડ કરાવ્યું હતું. એરલાઇને તાત્કાલિક એક નિવેદન બહાર પાડીને ખાતરી આપી હતી કે વિમાનમાં સવાર તમામ મુસાફરો અને ક્રૂ સંપૂર્ણપણે સુરક્ષિત છે, અને વિમાનનું ટેકનિકલ નિરીક્ષણ ચાલી રહ્યું છે.
Air India Emergency Landing: એર ઇન્ડિયા ફલાઇટનું કરાયું ઇમરજન્સી લેન્ડિંગ
એર ઇન્ડિયાની ફ્લાઇટ નંબર AI174 એ 2 નવેમ્બરના રોજ સાન ફ્રાન્સિસ્કોથી દિલ્હી માટે ઉડાન ભરી હતી. ફ્લાઇટ ટ્રેકિંગ વેબસાઇટ અનુસાર, આ એક બોઇંગ 777 વિમાન હતું. વિમાનને કોલકાતા થઈને દિલ્હી પહોંચવાનું હતું, પરંતુ માર્ગમાં ટેકનિકલ સમસ્યાની શક્યતાને કારણે પાયલોટે સલામતીના ભાગરૂપે સાવચેતીભર્યું વલણ અપનાવ્યું હતું અને મંગોલિયામાં ઉતરાણ કરવાનો નિર્ણય લીધો હતો. હાલમાં વિમાનને નિરીક્ષણ માટે ઉલાનબાતર એરપોર્ટ પર રાખવામાં આવ્યું છે.
Air India Emergency Landing: એર ઇન્ડિયાના પ્રવકતાએ આપી આ માહિતી
પેસેન્જર સેફ્ટી એન્ડ મેનેજમેન્ટ અંગે એર ઇન્ડિયાના પ્રવક્તાએ માહિતી આપી હતી કે ઉતરાણ સમયે તમામ મુસાફરોને સુરક્ષિત રીતે ઉતારી લેવામાં આવ્યા હતા. એરલાઇને તાત્કાલિક મુસાફરો માટે ભોજન અને રહેવાની વ્યવસ્થા કરી છે. પ્રવક્તાએ જણાવ્યું હતું કે એક ટેકનિકલ ટીમ સ્થળ પર હાજર છે અને સમસ્યાનું ચોક્કસ કારણ નક્કી કરવા માટે વિમાનનું વિગતવાર નિરીક્ષણ કરી રહી છે. મુસાફરો શક્ય તેટલી ઝડપથી તેમના ગંતવ્ય સ્થાને પહોંચે તે માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
એર ઇન્ડિયાના સત્તાવાર નિવેદનમાં જણાવાયું હતું કે ફ્લાઇટ AI174 ના પાઇલટ્સે ફ્લાઇટ દરમિયાન સંભવિત ટેકનિકલ સમસ્યા ઓળખી હતી અને સલામતીના કારણોસર, મોંગોલિયાની રાજધાની ઉલાનબાતરમાં ઉતરાણ કરવાનો નિર્ણય લીધો હતો. એરલાઇને સ્પષ્ટતા કરી હતી કે ફ્લાઇટ દરમિયાન કોઈ કટોકટી સર્જાઈ નથી. તપાસ પૂર્ણ થયા પછી અને સલામતીના માપદંડો પર ખરું ઉતર્યા પછી જ વિમાનને ફરીથી ઉડાન ભરવાની મંજૂરી આપવામાં આવશે.
Air India Emergency Landing: તમામ મુસાફરો સુરક્ષિત
એરલાઇને મુસાફરોની સંખ્યા જાહેર કરી નથી, તેમ છતાં બધા મુસાફરો સુરક્ષિત હોવાની પુષ્ટિ કરી છે. આવી ઘટનાઓ ફરીથી ન બને તે માટે એક નિષ્ણાત ટીમ હાલમાં વિમાનની સિસ્ટમની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. આ ઘટના એવા સમયે બની છે જ્યારે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સની સલામતી પર વધુને વધુ ભાર મૂકવામાં આવી રહ્યો છે અને એરલાઇન્સને કડક તકનીકી ધોરણોનું પાલન કરવાની સલાહ આપવામાં આવી રહી છે.
આ પણ વાંચો: ભાગેડુ મેહુલ ચોક્સીએ પ્રત્યાર્પણના આદેશ સામે બેલ્જિયમ સુપ્રીમ કોર્ટમાં કરી અપીલ