USA : અમેરિકામાં હુમલો, 'ફ્રી પેલેસ્ટાઇન...' કહી શખ્સે પેટ્રોલ બોમ્બ ફેંક્યો, 6 દાઝ્યા
- અમેરિકામાં ફરી એક વખત હુમલાની ઘટના સામે આવી
- ઇઝરાયલી બંધકોની યાદમાં એકત્ર થયેલા લોકો પર પેટ્રોલ બોંબ ઝીંકાયો
- અડધો ડઝન લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું
USA : અમેરિકામાં એક આતંકવાદી (ATTACK IN USA) ઘટના સામે આવી છે. રવિવારે અમેરિકાના કોલોરાડો રાજ્યના બોલ્ડરમાં એક વ્યક્તિએ અનેકના જીવ પર જોખમ ઉભૂ કરે તેવો હુમલો કર્યો હતો. આ હુમલો મોલોટોવ કોકટેલથી કરવામાં આવ્યો હતો. જે પેટ્રોલ બોમ્બ (PETROL BOMB) જેવું કામ કરે છે. આ હુમલામાં 6 લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. આ ઘટના અંગે અમેરિકાની ગુપ્તચર એજન્સી એફબીઆઈ (FBI) નું કહેવું છે કે, આ એક ટાર્ગેટેડ આતંકવાદી હુમલો હતો.
હુમલાખોરની ઓળખ મોહમ્મદ સાબરી સોલિમાન તરીકે થઈ
ઇઝરાયલી બંધકોની યાદમાં બોલ્ડરના આઉટડોર મોલની બહાર લોકો એકઠા થયા હતા. તે બાદ એક પેલેસ્ટાઇન સમર્થક ત્યાં પહોંચ્યો અને તેણે ત્યાં ઉભેલા લોકોના જૂથ પર મોલોટોવ કોકટેલ (પેટ્રોલ બોમ્બ) ઝીંકી દીધો હતો. આ ઘટનામાં ઓછામાં ઓછા છ લોકો દાઝી ગયા હતા. હુમલાખોરની ઓળખ મોહમ્મદ સાબરી સોલિમાન તરીકે થઈ છે. ભીડ પર હુમલો કર્યા બાદ મોહમ્મદ સોલીમાને 'ફ્રી પેલેસ્ટાઇન' ના નારા પણ લગાવ્યા હતા. આ ઘટના બાદ તેને કસ્ટડીમાં લઇ લેવામાં આવ્યો છે.
કાશ પટેલે આને આતંકવાદી ઘટના ગણાવી
સ્થાનિક પોલીસે જણાવ્યું કે, આ હુમલો ગાઝામાં બંધક બનેલા ઇઝરાયલી બંધકોની યાદમાં આયોજિત કાર્યક્રમમાં થયો હતો. બોલ્ડર પોલીસ વડા સ્ટીફન રેડફર્ને જણાવ્યું હતું કે, તેમની પાસે આ ઘટના અંગે માત્ર પ્રાથમિક માહિતી જ છે. એફબીઆઈના ડિરેક્ટર કાશ પટેલે આને આતંકવાદી ઘટના ગણાવી છે. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે હુમલા પાછળનો હેતુ શું છે તે જાણવું હજુ ઉતાવળીયું ગણાશે. પોલીસ વડા સ્ટીવ રેડફર્ને જણાવ્યું હતું કે સાક્ષીઓની હજુ પણ પૂછપરછ ચાલી રહી છે.
તે ત્યાં છે, તે મોલોટોવ કોકટેલ ફેંકી રહ્યો છે
કસ્ટડીમાં લેવામાં આવતી વખતે હુમલાખોર સોલિમાન પણ ઘાયલ થયો હતો. તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ઘટના સમયના વીડિયોમાં એક માણસ બૂમો પાડતો કહેતો હતો કે, 'તે ત્યાં છે, તે મોલોટોવ કોકટેલ ફેંકી રહ્યો છે. પછી એક પોલીસ અધિકારી તેની બંદૂક તાકીને ખુલ્લી છાતીવાળા શંકાસ્પદ વ્યક્તિ તરફ આગળ વધ્યો હતો. તેણે બંને હાથમાં મોલોટોવ કોકટેલ બોટલ પકડી રાખ્યા હતા. બાદમાં તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો.
આ પણ વાંચો --- ટ્રમ્પનો દાવો : Joe Biden નું 2020માં અવસાન થયું હતું! અત્યારે તે રોબોટ ક્લોન છે