America : રશિયા-યુક્રેન વોર માટે ભારત ફંડિંગ કરી રહ્યું છે - ટ્રમ્પના સલાહકારનો આક્ષેપ
- ટ્રમ્પના ટોચના સલાહકાર Stephen Miller ના વિવાદાસ્પદ નિવેદનો
- ભારત Russia-Ukraine war માટે ફંડિંગ કરી રહ્યું છે
- ભારત અમેરિકાના દ્વિપક્ષીય સંબંધોમાં કડવાશ આવી શકે છે
America : ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) અને તેમની સરકારના મંત્રી, અધિકારીઓ સતત ભારત વિરુદ્ધ બેફામ નિવેદનો કરી રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ ખુદ અત્યાર સુધી સોશિયલ મીડિયા પર ભારત વિરુદ્ધ એક ડઝનથી વધુ નિવેદનો આપ્યા છે. હવે વ્હાઈટ હાઉસમાં તેમના ટોચના સલાહકાર સ્ટીફન મિલર (Stephen Miller) એ પણ ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું છે. મિલરે ભારત પર યુક્રેન યુદ્ધને ભંડોળ પૂરું પાડવાનો સીધો આરોપ લગાવ્યો છે. મિલરના આ નિવેદનથી ચકચાર મચી ગઈ છે.
શું કહ્યું સ્ટીફન મિલરે ?
વ્હાઈટ હાઉસમાં ડોનાલ્ડ ટ્રમ્પના અગ્રણી સલાહકાર સ્ટીફન મિલર (Stephen Miller) એ ભારત પર વોર ફંડિંગનો આક્ષેપ કર્યો છે. મિલરે કહ્યું કે, ભારત માટે રશિયા પાસેથી તેલ ખરીદીને આ યુદ્ધને ભંડોળ પૂરું પાડવાનું ચાલુ રાખવું સ્વીકાર્ય નથી. મિલરના આ નિવેદન ભારતીય માલ પર 25 ટકા યુએસ ટેરિફ લાદ્યાના થોડા દિવસો પછી જ આવ્યું છે. 25 ટકા ટેરિફ લાદવાની સાથે ટ્રમ્પે રશિયન તેલ અને શસ્ત્રો ખરીદવા બદલ ભારત પર દંડ લાદવાની પણ વાત કરી છે. જોકે, હાલમાં તે સ્પષ્ટ નથી કે દંડ કેટલો હોઈ શકે છે. સ્ટીફન મિલરના નિવેદન પરથી ફલિત થાય છે કે, ભારત અને અમેરિકા મુખ્ય ઈન્ડો-પેસિફિક ભાગીદારો હોવા છતાં, દિલ્હી પ્રત્યે વોશિંગ્ટનનું આકરું વલણ અપનાવી રહ્યું છે. જોકે મિલરે ટ્રમ્પ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેના સંબંધોને મજબૂત અને અદ્ભુત ગણાવ્યા હતા. વોશિંગ્ટનમાં ભારતીય દૂતાવાસે હજુ સુધી મિલરની ટિપ્પણીઓ પર કોઈ ઔપચારિક પ્રતિક્રિયા આપી નથી.
આ પણ વાંચોઃ ચૂંટણીમાં ગેરરીતિના આરોપો પર જેલમાં બંધ દક્ષિણ કોરિયાના પૂર્વ રાષ્ટ્રપતિએ કરી ગંદી હરકત!
ભારતના સાર્વભૌમત્વ પર સીધો પ્રહાર
નિષ્ણાતો માને છે કે રશિયન તેલ ખરીદવા બદલ ભારત પર દંડ લાદવો એ ભારતના સાર્વભૌમત્વ પર સીધો પ્રહાર છે. નિષ્ણાતો કહે છે કે અમેરિકા કેવી રીતે નક્કી કરી શકે છે કે ભારતે કોની સાથે કેવા સંબંધો રાખવા જોઈએ. સમાચાર એજન્સી રોઈટર્સના અહેવાલ મુજબ ભારત સરકારે સ્પષ્ટ કર્યુ છે કે તે તેની ઊર્જા વ્યૂહરચનામાં કોઈ ફેરફાર કરશે નહીં. ભારતનો તર્ક છે કે રશિયા પાસેથી તેલ ખરીદવું તેની વ્યૂહાત્મક સ્વાયત્તતા અને આર્થિક જરૂરિયાતો સાથે સંબંધિત છે.
દ્વિપક્ષીય સંબંધોમાં કડવાશની સંભાવના
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) એ પણ સંકેત આપ્યો છે કે, જો કોઈ દેશ રશિયા પાસેથી ઊર્જા આયાત કરવાનું ચાલુ રાખે અને તેના પરિણામે યુક્રેનમાં શાંતિ સ્થાપિત ન થાય તો અમેરિકા 100% સુધી ટેરિફ લાદી શકે છે. સંકેતો સ્પષ્ટ છે કે જો ભારત રશિયા પાસેથી ઊર્જાની ખરીદી યથાવત રાખે છે તો આગામી સમયમાં ટ્રમ્પ વહીવટીતંત્રના કાર્યકાળ દરમિયાન દ્વિપક્ષીય સંબંધો વધુ કડવાશભર્યા બની શકે છે.
આ પણ વાંચોઃ આશ્ચર્યજનક ઘટના: પ્રેગ્નેંટ મહિલાના ગર્ભમાં નહીં, લિવરમાં બાળક, વિશ્વમાં અત્યાર સુધી આવા માત્ર 8 જ કેસ