અયોધ્યામાં મકાનમાં જોરદાર વિસ્ફોટ થતા બે બાળકો સહિત પાંચ લોકોના મોત
- અયોધ્યાના પાગલાબારી ગામમાં મકાનમાં વિસ્ફોટ
- વિસ્ફોટ થતા મકાન ધરાશાયી, પાંચ લોકોના કરૂણ મોત
- પોલીસ ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી
અયોધ્યાના પુરાકલંદરના પાગલાબારી ( Paglabari) ગામમાં ગુરુવારે સાંજે એક ગમખ્વાર ઘટના બની હતી. રામકુમાર ગુપ્તાના મકાનમાં એક ભારે વિસ્ફોટ થતાં આખું ઘર ધરાશાયી થઈ ગયું હતું, જેમાં બે બાળકો સહિત પાંચ લોકોના કરૂણ મૃત્યુ થયા હતા. આ તમામ લોકો કાટમાળ નીચે દટાઈ ગયા હતા. મળતી માહિતી મુજબ, વધુ બે વ્યક્તિ હજુ પણ કાટમાળ નીચે ફસાયેલા હોવાની આશંકા છે, જેમને બચાવવા માટે પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે.
Ayodhya House Blast: પાગલાબારી ગામમાં મકાનમાં વિસ્ફોટ
ગુરુવારે સાંજે 7 વાગ્યાની આસપાસ રામકુમાર ગુપ્તા (Ramkumar Gupta)ના નવા બનાવેલા ઘરમાં આ જોરદાર વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે ઘરનો ભંગાર દૂર સુધી ફેલાઈ ગયો હતો. ઘાયલ થયેલા પાંચ લોકોને તાત્કાલિક જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડૉ. આશિષ પાઠકે તેમને મૃત જાહેર કર્યા હતા. મૃતકોમાં રામકુમાર ગુપ્તા ઉપરાંત તેમની પત્ની, બે બાળકો અને એક મજૂરનો સમાવેશ થાય છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર, કાટમાળ નીચે રામકુમારની પત્ની અને એક મજૂર દટાયા હોવાની શક્યતા છે.ઘટનાની જાણ થતાં જ જિલ્લા મેજિસ્ટ્રેટ નિખિલ ટી. ફંડે, એસએસપી ડૉ. ગૌરવ ગ્રોવર પોલીસ ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને JCBની મદદથી કાટમાળ હટાવીને બચાવ કામગીરી શરૂ કરી હતી.
Ayodhya House Blast: આ ગામમાં બીજી ઘટના
આ ઘટના પાછળનું ચોક્કસ કારણ હજી સુધી જાણી શકાયું નથી, પરંતુ આ ગામમાં આ પ્રકારની આ બીજી મોટી દુર્ઘટના છે. અગાઉ, ગયા વર્ષે 13 એપ્રિલ, 2024 ના રોજ, મૃતક રામકુમાર ગુપ્તાના જ લોટ મિલના ઘરમાં વિસ્ફોટ થયો હતો. તે અકસ્માતમાં તેમની માતા, શિવપતિ, પત્ની, બિંદુ અને એક બાળકનું મૃત્યુ થયું હતું.અગાઉની દુર્ઘટના બાદ જમીનદોસ્ત થઈ ગયેલા રામકુમારે તેમની પત્નીના મૃત્યુ પછી ભાભી સાથે લગ્ન કર્યા હતા અને ગામની બહાર આ નવું મકાન બનાવ્યું હતું, જ્યાં તેઓ રહેતા હતા. એક જ વ્યક્તિના ઘરમાં એક વર્ષના ટૂંકા ગાળામાં બનેલી આ બીજી દુર્ઘટના સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બની છે. પોલીસે વિસ્ફોટનું કારણ જાણવા માટે તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો: ગાઝા શાંતિ કરારની સફળતા પર PM મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પને અભિનંદન પાઠવ્યા, ફોન પર કરી હતી વાતચીત