Chhota Udepur: 'તાળા કટાઈ ગયા પણ લોકાર્પણ નહીં', તૈયાર આરોગ્ય કેન્દ્રોમાં સુવિધાઓ કેમ અટવાઈ?
- Chhota Udepur ના બોડેલીમાં આયુષ્માન આરોગ્ય મંદિરો તૈયાર
- કરોડો રૂપિયાના કેન્દ્રોનું લોકાર્પણ નહીં
- નેતાઓને સમય નથી, દર્દીઓને દવાખાનું નથી
- લોકાર્પણ માટે રિબીન કાપવાની રાહ જોવાઈ રહી છે
- કરોડોનો ખર્ચ, પણ અધિકારી-નેતાઓનું ધ્યાન નહીં
- બોડેલીના ગામોમાં આરોગ્ય કેન્દ્રો સુમસામ પડ્યાં
Chhota Udepur:છોટાઉદેપુર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને તેમના જ ગામમાં તાત્કાલિક અને પ્રાથમિક આરોગ્ય સેવાઓ(Health services) મળી રહે તે માટે સરકારે કરોડોના ખર્ચે આયુષ્માન આરોગ્ય મંદિર (પેટા આરોગ્ય કેન્દ્રો) બનાવ્યા છે. જોકે, બોડેલી(Bodeli) તાલુકામાં આ મહત્વાકાંક્ષી યોજનાનો લાભ હજી સુધી ગ્રામજનોને મળી શક્યો નથી, કારણ કે લગભગ 10 જેટલાં પેટા આરોગ્ય કેન્દ્રો((Health Centers) બનીને તૈયાર હોવા છતાં લોકાર્પણના અભાવે તેના પર તાળા લટકી રહ્યાં છે. ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્યની સુવિધા પહોંચાડવાનો સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય છે, પરંતુ નિર્માણ કાર્ય પૂર્ણ થયા બાદ પણ લોકાર્પણ ન થતાં આ તૈયાર ઇમારતો આજે ધૂળ ખાઈ રહી છે.
નાના અમાદ્રાના લોકોને 4 કિમી દૂર જવાની મજબૂરી
Bodeli તાલુકાના નાના અમાદ્રા ગામની વાત કરીએ તો અહીં પેટા આરોગ્ય કેન્દ્ર તૈયાર છે, પરંતુ તે સત્તાવાર રીતે શરૂ ન થવાથી ગામના લોકોને નાછૂટકે આજે પણ 4 કિલોમીટર દૂર આવેલા આયુષ્માન આરોગ્ય કેન્દ્ર સુધી જવું પડે છે. ગામના સરપંચ અને સ્થાનિકો આ કેન્દ્રનું જલ્દી લોકાર્પણ થાય તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, જેથી તેમના ગામના લોકોને પ્રાથમિક સારવાર માટે લાંબા અંતરની મુસાફરી ન કરવી પડે.
Kashipura: કટાઈ ગયેલા તાળા, ગર્ભવતી મહિલાઓને હાલાકી
Bodeli તાલુકાના કાશીપુરા ગામમાં આવેલ આરોગ્ય કેન્દ્રની હાલત તો વધુ ચિંતાજનક છે. ગામના સરપંચના જણાવ્યા મુજબ કેન્દ્રના બંધ દરવાજા પર લટકેલા તાળા પણ હવે કટાઈ ગયા છે, પરંતુ લોકાર્પણ થયું નથી. આરોગ્ય સુવિધાઓના અભાવે અહીંની સગર્ભા મહિલાઓને સૌથી વધુ હાલાકી ભોગવવી પડે છે. પ્રસૂતિ પીડા ઉપડે ત્યારે દર્દીને તાત્કાલિક સારવાર માટે ત્રણ કિલોમીટર દૂર લઈ જવા માટે 108 એમ્બ્યુલન્સને બોલાવવી પડે છે.
કરોડોનો ખર્ચ છતાં બેદરકારી
સરકાર ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકોને તેમના જ ગામમાં પ્રાથમિક સુવિધા મળી રહે તે માટે લાખો-કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે. જોકે, તૈયાર થઈ ગયેલા આ કેન્દ્રોનો ઉપયોગ ન થવા દેવામાં અધિકારીઓ કે નેતાઓની બેદરકારી સ્પષ્ટ દેખાઈ રહી છે. સરકારી નાણાંનો આ રીતે વેડફાટ થતાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જ્યાં પેટા આરોગ્ય કેન્દ્રો બનાવવામાં આવ્યા છે, ત્યાંનું વાતાવરણ સુમસામ બની ગયું છે. કેન્દ્રની આસપાસ ઝાડીઓ ઉગી નીકળી છે, અને બંધ દરવાજા પરના તાળાઓ કટાઈ રહ્યા છે. સ્થાનિક લોકો અને સરપંચો ફક્ત એટલી જ રાહ જોઈ રહ્યા છે કે કોઈ વરિષ્ઠ નેતા કે અધિકારી ફક્ત 'રીબીન કાપી' આ કેન્દ્રોનું લોકાર્પણ કરે.
અહેવાલઃ સલમાન મેમણ
આ પણ વાંચોઃ Chhota Udepur: બોડેલી નગરપાલિકાના 7 વોર્ડની થઈ રચના, ક્યારે થઈ શકે છે ચૂંટણી?
આ પણ વાંચોઃ Surat: સદવિચાર હોસ્પિટલની ગંભીર બેદરકારીના કારણે પ્રસૂતાનો જીવ ગયો!