સમાજના લોકોને પૂછીને બનાવવામાં આવ્યું બંધારણ
અલ્પેશ ઠાકોરે કહ્યું કે, "સમાજમાં બંધારણ બનાવવાનું કેમ જરૂર પડી? લોકોને પૂછવામાં આવ્યું કેમ જરૂર છે? અનેક જરૂરિયાતો સામે આવી. આપડા સમાજમાં કુરિવાજો, દુષણો વધ્યા હતા. સમાજની ચિંતા વધી રહી છે."તેમણે સ્પષ્ટ કર્યું કે આ બંધારણ કોઈ રાજકીય એજન્ડા માટે નથી, પરંતુ સમાજની વાસ્તવિક સમસ્યાઓ – જેમ કે વધુ પડતા ખર્ચા, છૂટાછેડા, અન્ય સામાજિક દુષણો –ને રોકવા માટે છે. સમાજના લોકો પાસેથી પ્રતિસાદ લઈને જ આ નિયમો તૈયાર કરવામાં આવ્યા છે.
આ કાર્યક્રમ રાજકીય નહીં, સમાજનો છે
અલ્પેશભાઈએ લોકોની ટીકાનો જવાબ આપતાં કહ્યું કે,"આ કોઈ રાજકીય વ્યક્તિઓ અહીં નથી આવ્યા. આ સમાજના આગેવાનો છે. આ સંતો પણ બંધારણ અમલમાં આવે અને તેનું અમલ થાય તેવા આશીર્વાદ આપવા આવ્યા છે."
તેમણે વધુમાં કહ્યું કે, "લોકો કહે છે કે અમે રાજનીતિ કરી રહ્યા છીએ. રાજનીતિ આવતી-જતી રહેવાની."આમ અલપેશભાઈ ઠાકોરે તેમનો સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે આ કાર્યક્રમ પુરો સમાજ સુધારણાનો છે, રાજકીય નથી. સંતો-મહંતોની હાજરી અને આશીર્વાદ આ બંધારણને ધાર્મિક અને સામાજિક મહત્ત્વ આપે છે.
વ્યસનમુક્તિ અને શિક્ષણ પર ભાર – Alpeshbhai Thakor Social Reform
અલ્પેશભાઈ ઠાકોરે પોતાના સંબોધનમાં સમાજમાં શિક્ષણ અને દીક્ષાના મહત્વ વિશે વાત કરી હતી. તેમણે જણાવ્યું કે જો સમાજ ટેકનોલોજી અને શિક્ષણમાં પાછળ રહેશે તો પ્રગતિ શક્ય નથી. ખાસ કરીને યુવા પેઢીને વ્યસનોથી દૂર રહેવા અને ખેતી તેમજ પશુપાલન જેવા વ્યવસાયોમાં આધુનિકતા લાવવા માટે તેમણે હાકલ કરી હતી. સમાજની આર્થિક સ્થિતિ સુધારવા માટે ખોટા ખર્ચાઓ પર કાપ મૂકવો અનિવાર્ય હોવાનું તેમણે ઉમેર્યું હતું. આ દરમિયાન તેમણે તે પણ સુનિશ્ચિતત કર્યું કે, અમીર લોકો પણ આ બંધારણને અપનાવશે.
સામાજિક બંધારણ અને શપથ – Thakor Samaj Constitution
આ કાર્યક્રમમાં સ્ટેજ પરથી જ સમાજના નીતિ-નિયમો એટલે કે 'સામાજિક બંધારણ'ના પાલન માટે શપથ લેવડાવવામાં આવ્યા હતા. અલ્પેશ ઠાકોરે સ્પષ્ટ કર્યું હતું કે સામાજિક કાર્યક્રમોમાં થતા બિનજરૂરી ખર્ચાઓને ઘટાડીને તે પૈસા શિક્ષણ પાછળ ખર્ચવા જોઈએ. તેમણે કહ્યું કે સમાજની તાકાત એકતામાં છે અને જ્યારે તમામ લોકો આ નિયમોનું પાલન કરશે ત્યારે જ ઠાકોર સમાજ એક નવી ઊંચાઈ પર પહોંચશે. અલ્પેશભાઈ ઠાકોરે વધુમાં જણાવ્યું કે, આ જે બીજા સમાજો સુખી થયા છે તેના પરથી શિખવું પડશે ઈર્ષા કરવાથી મેળ નહી પડે. આ બંધારણનું સમાજ તમામ રીતે અમલ કરશે. આ સમાજમાં છુટ્ટાછેડા કરવા હોય તો લોઢાના ચણા ચાવવા જેવી વાત છે.
રાજનીતિ નહીં, સમાજ સેવા જ પ્રાથમિકતા – Alpeshbhai Thakor Speech Banaskantha
અલ્પેશભાઈ ઠાકોરે તેમના પ્રવચનમાં જણાવ્યું કે કોઈ પણ પક્ષ હોય પરંતુ સમાજની ચિંતા કરવી એ સૌથી મોટી જવાબદારી છે. તેમણે સાધુ-સંતોના આશીર્વાદ લઈને સમાજના પ્રશ્નો માટે હંમેશા લડત આપવાની ખાતરી આપી હતી. આ સંમેલન દ્વારા તેમણે સંદેશ આપ્યો હતો કે રાજનીતિથી ઉપર ઉઠીને સમાજ સેવા કરવી એ જ તેમનું મુખ્ય લક્ષ્ય છે અને તેમાં સમાજની સુખાકારી જ સર્વોપરી છે.
અલ્પેશભાઈ ઠાકોરે આપ્યું પોતાનું વ્યક્તિગત ઉદાહરણ
અલ્પેશભાઈ ઠાકોરે પોતાના પિતાનો આભાર માન્યો કે તેમણે માત્ર 15 હજાર રૂપિયામાં તેમના દીકરાના લગ્ન કર્યા હતા. આ ખોટા ખર્ચા ટાળવાનું જીવતું ઉદાહરણ છે.
તેમણે પોતાના પ્રેમ લગ્નની વાત પણ ખુલ્લેઆમ કરતા અટકાયા નહતા. "મેં પણ પ્રેમ લગ્ન કર્યા છે." આ સાથે જ તેમને સ્પષ્ટતા કરતાં કર્યું કે બંને પરિવારની મંજૂરીથી કર્યા હતા. તેમણે લવિંગજીને પૂછ્યું કે નવું બંધારણ આજથી જ લાગુ પડે કે નહીં, અને ભૂતકાળની બાબતો ગણાય કે નહીં- આમ તેમને પોતાનું વ્યક્તિગત ઉદાહરણ આપીને પારદર્શકતા અને સમાજ પ્રત્યેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
વધુમાં તેમણે પોતાની પત્નીને પણ સ્ટેજ પર બોલાવીને કહ્યું કે, "ગેની બહેનએ મારા ધર્મપત્નીને પણ બોલાવ્યા હતા, એને પણ લઈને આવ્યો છું."
અલ્પેશભાઈ ઠાકોરનું એલાન : ઠાકોર સમાજમાં બંધારણનો અમલ થશે
આમ અલ્પેશભાઈ ઠાકોરે ઠાકોર સમાજ માટે સામાજિક બંધારણની જાહેરાત કરી છે. શિક્ષણ અને વ્યસનમુક્તિ પર ભાર મૂકી સમાજ સુધારણાનો સંકલ્પ લેવડાવીને સમાજને વિકાસ તરફ લઈ જવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.