Deesa : ખરડોસણના ખેડૂતે પ્રાકૃતિક ખેતી અપનાવી, એવોર્ડ મેળવીને ગૌરવ વધાર્યું
- ખેડૂતે જાણકારી મેળવ્યા બાદથી પ્રાકૃતિક ખેતીનું ઘેલું લાગ્યું
- પહેલા ટ્રાયલ લીધો અને બાદમાં સંપૂર્ણ જમીનમાં પ્રાકૃતિક ખેતી શરૂ કરી દીધી
- માર્કેટમાં ડિમાન્ડ હોવાથી લોકો પેદાશોને શોધતા આવતા હોવાનો મત
Deesa : ડીસાના ખરડોસણ ગામમાંથી એક પ્રેરણાદાયક કિસ્સો સામે આવ્યો છે. એક ખેડૂતે પરંપરાગત ખેતીથી અલગ રસ્તો પસંદ કરી પ્રાકૃતિક ખેતીનો માર્ગ અપનાવીને સફળતાની નવી કહાની લખી છે. રાસાયણિક ખાતર, અને ઝેરી દવાઓથી દૂર રહીને કરવામાં આવતી પ્રાકૃતિક ખેતી આજે ખેડૂતો માટે આવકનું મજબૂત સાધન બની રહી છે. ખરડોસણ ગામના સાગરભાઈ રબારી છેલ્લા પાંચ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે, અને તેઓ વર્ષે ત્રણથી ચાર લાખ રૂપિયાની આવક મેળવી રહ્યા છે.
પહેલા પોતાની જમીન પર જ ડેમો લીધો
રાજ્ય સરકારના આત્મા પ્રોજેક્ટ વિશે માહિતી મેળવ્યા બાદ ડીસાના ખરડોસણ ગામના રહેવાસી સાગરભાઈ રબારીને પ્રાકૃતિક ખેતી પ્રત્યે રસ જાગ્યો હતો. પારંપરિક ખેતીમાં વધતા ખર્ચ, અને ઘટતી આવકને જોતા તેમણે પ્રાકૃતિક ખેતી અપનાવવાનો નિર્ણય કર્યો હતો. શરૂઆતમાં તેમણે પોતાની થોડી જમીનમાં પ્રાકૃતિક ખેતીનો પ્રયોગ કર્યો, જેને આજે તેઓ ડેમો ગણાવે છે. આ પ્રયોગ દરમિયાન કોઈ રાસાયણિક ખાતર કે ઝેરી દવાનો ઉપયોગ કર્યા વિના પાક લેવાયો હતો. જેના પરિણામે જમીનની ઉપજક્ષમતા વધતી જોવા મળી, અને પાકની ગુણવત્તામાં પણ સુધારો થયો હતો.
શાકભાજીનો મબલખ પાક મેળવ્યો
આ સફળ પરિણામોને જોઈ સાગરભાઈએ સંપૂર્ણ રીતે પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધવાનો નિર્ણય કર્યો હતો. હાલમાં સાગરભાઈ પોતાની પાસે રહેલી સમગ્ર જમીનમાં પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. જેમાં તેઓ ખાસ કરીને ડુંગળી, લીલુ લસણ, કોથમીર, રીંગણ, કોબીજ, ફુલાવર, સરસિયા, પાલક, મૂળા સહિત અનેક શાકભાજીઓનું વાવેતર કરે છે. પ્રાકૃતિક ખેતી થકી ઉત્પાદન ખર્ચ ઓછો થાય છે, અને બજારમાં શુદ્ધ તથા ઝેરી દવાઓ વિનાના શાકભાજીની માંગ વધતી જાય છે. જેના કારણે ખેડૂતને યોગ્ય ભાવ મળતો થયો છે.
દિલ્હીની સંસ્થાએ એવોર્ડ આપ્યો
સાગરભાઇ આ ખેતી પદ્ધતિ દ્વારા વર્ષે અંદાજે ત્રણથી ચાર લાખ રૂપિયાની આવક મેળવે છે. સાગરભાઈ આજે વિસ્તારના અન્ય ખેડૂતો માટે પ્રેરણાસ્ત્રોત બની રહ્યા છે. તેઓ અન્ય ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી અપનાવવાની સલાહ આપે છે, અને પોતાની ખેતી જોઈને અનેક ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે. પ્રાકૃતિક ખેતી કરતા આ ખેડૂતને દિલ્હીની કૃષિ જાગરણ સંસ્થા દ્વારા તેમના ઉત્તમ કાર્ય બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા, અને તેમને એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. ખરડોસણ ગામના સાગરભાઈ રબારીની આ સફળતા બતાવે છે કે યોગ્ય માર્ગદર્શન અને દ્રઢ સંકલ્પ સાથે પ્રાકૃતિક ખેતી ખેડૂતો માટે લાભદાયક બની શકે છે.
આ પણ વાંચો ------ Godhra : પ્રાકૃૃતિક ખેતી થકી ખેડૂતે ખર્ચ ઘટાડ્યો-આવક વધારી, રોલ મોડેલ બન્યા


