Banaskantha : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કાનપુરા ગામમાં યોજી ખાટલા પરિષદ, કહ્યું- શિક્ષણ વગર ઉદ્ધાર નથી
- Banaskantha : શિક્ષણ વગર ઉદ્ધાર નહીં: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનું કાનપુરા ખાટલા પરિષદમાં સંદેશ
- કાનપુરા ગામે રાજ્યપાલની ખાટલા પરિષદ: વ્યસનમુક્તિ, સ્વચ્છતા અને પ્રાકૃતિક ખેતી પર ભાર
- રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગ્રામજનોને આપી વ્યસન છોડવા અને વૃક્ષારોપણની અપીલ
- બનાસકાંઠાના કાનપુરામાં ખાટલા પરિષદ: શિક્ષણ અને સ્વચ્છતા માટે 60 મિનિટનો અનુરોધ
- ગરીબ પરિવારના ઘરે ભોજન લઈને રાજ્યપાલે આપ્યો સમાજ સુધારણાનો સંદેશ
Banaskantha : જિલ્લાના અમીરગઢ તાલુકાના કાનપુરા ગામે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં ખાટલા પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરિષદમાં ગ્રામજનોને સંબોધતાં રાજ્યપાલે શિક્ષણને સમાજના વિકાસનો મજબૂત પાયો ગણાવ્યો અને કહ્યું કે, “શિક્ષણ વગર કોઈનો ઉદ્ધાર શક્ય નથી.” તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ગામના દરેક દીકરા-દીકરીને ભેદભાવ વિના ગુણવત્તાયુક્ત શિક્ષણ મળવું જોઈએ. રાજ્ય સરકાર દ્વારા હોસ્ટેલ સહિતની અનેક સુવિધાઓ ઉપલબ્ધ છે, જેથી કોઈ બાળક શિક્ષણથી વંચિત ન રહે.
Banaskantha : વ્યસન છોડવા કર્યું આહ્વાન
રાજ્યપાલે વ્યસનમુક્ત સમાજના નિર્માણ પર વિશેષ ભાર મૂક્યો. તેમણે કહ્યું કે વ્યસન શરીર અને પરિવાર બંનેને બરબાદ કરે છે. મહેનતથી કમાયેલું ધન સારવારમાં વેડફાઈ જાય છે. ગ્રામજનોને વ્યસન છોડીને સ્વસ્થ અને સુખી જીવન જીવવાની અપીલ કરી. સ્વચ્છતા અભિયાનને લઈને મહાત્મા ગાંધીજીના વિચારોને યાદ કરતાં તેમણે જણાવ્યું કે ઘર અને ગામ એટલું સ્વચ્છ હોવું જોઈએ કે તેને જોઈને ભક્તિભાવ જાગે. ગ્રામજનોને અઠવાડિયામાં ઓછામાં ઓછા 60 મિનિટ ગામની સ્વચ્છતા માટે ફાળવવા અનુરોધ કર્યો.
વૃક્ષારોપણ કરવાની આપી સલાહ
વૃક્ષારોપણ અને પર્યાવરણ સંરક્ષણ પર પણ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વિગતવાર વાત કરી હતી. તેમણે કહ્યું કે ગામમાં ખાલી જગ્યાઓ પર વૃક્ષારોપણ કરવું જોઈએ. દીકરા કે દીકરીના જન્મદિવસે વૃક્ષ વાવી ત્રણ વર્ષ સુધી તેની સંભાળ રાખો, જેથી ભવિષ્યમાં તે વૃક્ષ આપણને સંભાળે. ભારતીય જાતિના વૃક્ષો વાવી ગામને લીલુંછમ બનાવવા અપીલ કરી.
પ્રાકૃતિક ખેતી અને પશુપાલન ઉપર મૂક્યો ભાર
પ્રાકૃતિક ખેતી અને પશુપાલન પર વિશેષ ભાર મૂકતાં રાજ્યપાલે જણાવ્યું કે પ્રાકૃતિક ખેતીથી જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે છે અને ખેડૂતોની આવક વધે છે. આસપાસના ગામોના ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ લેવા અનુરોધ કર્યો. પશુપાલનમાં ગાયની નસલ સુધારવા અને દૂધ ઉત્પાદન વધારવા માટે સેક્સ સોર્ટેડ સીમન જેવી વૈજ્ઞાનિક અને ઓછી ખર્ચાળ પદ્ધતિ અપનાવવાની સલાહ આપી હતી.
દેશી ભોજન કર્યું ગ્રહણ
ખાટલા પરિષદ પૂર્વે રાજ્યપાલએ અનુસૂચિત જનજાતિના અગ્રણી મંછાભાઈ ભુતાભાઈ માંસાના નિવાસસ્થાને જઈ પરિવારજનો સાથે દેશી ભોજન ગ્રહણ કર્યું. મકાઈનો રોટલો, ઘઉંની રોટલી, મગની દાળ, બટાકા-ફુલાવર અને મેથીની સબ્જી સહિતનું ભોજન લઈને સહજ સંવાદ કર્યો. આ પ્રસંગે દાંતા ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી, સંવેદના ટ્રસ્ટના પદાધિકારીઓ હસમુખભાઈ પટેલ, જીતુભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા.
આ પરિષદ દ્વારા રાજ્યપાલ દેવવ્રતજીએ ગ્રામીણ વિકાસ, સામાજિક સમરસતા અને પર્યાવરણ સંરક્ષણના સંદેશને મજબૂતી આપી છે. ગામલોકોમાં આ અપીલોને અમલમાં મૂકવાની પ્રેરણા મળી છે.
આ પણ વાંચો- Surendranagar: સ્કૂલ બેગમાં દારૂ? સ્કૂલ જતા બાળકો પાસે મહિલા બુટલેગર કરાવતી આવું કામ!


