ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

બનાસકાંઠા : શક્તિપીઠ અંબાજીમાં ધોધમાર વરસાદ, દાંતા-અરવલ્લીમાં નદી-ઝરણાઓ થયાં જીવંત

શક્તિપીઠ અંબાજીમાં વરસાદી માહોલ : ખેડૂતોમાં ખુશીની લહેર
10:35 PM Aug 17, 2025 IST | Mujahid Tunvar
શક્તિપીઠ અંબાજીમાં વરસાદી માહોલ : ખેડૂતોમાં ખુશીની લહેર

અંબાજી : બનાસકાંઠાના શક્તિપીઠ અંબાજી અને આસપાસના વિસ્તારોમાં ભારે ઉકળાટ બાદ મેઘરાજાએ ધમાકેદાર પધરામણી કરી છે. દાંતા તાલુકાના અનેક ગામોમાં મૂશળધાર વરસાદથી રસ્તાઓ અને બજારોમાં નદીઓની જેમ પાણી વહેતું જોવા મળ્યું. અરવલ્લીની ગિરિમાળાઓમાં નદીઓ અને ઝરણાઓ ગુંજી ઉઠ્યા, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. શક્તિપીઠ અંબાજી ખાતે દર્શન માટે આવેલા હજારો ભક્તોને ભારે ગરમી અને ઉકળાટથી રાહત મળી છે.

શક્તિપીઠ અંબાજી અને દાંતા તાલુકામાં ભારે વરસાદે વાતાવરણને ખુશનુમા બનાવ્યું છે. બપોર બાદ શરૂ થયેલા વરસાદથી અંબાજીના બજારોમાં પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો હતો. રસ્તાઓ પર પાણી ભરાતાં વાહનવ્યવહાર પ્રભાવિત થયો પરંતુ ભક્તો અને સ્થાનિક લોકોએ ઠંડકનો અનુભવ કર્યો. વરસાદ પહેલા વાદળો એકદમ નીચે ઉતરી આવ્યા હતા. ચારે તરફ અંધકાર છવાઈ ગયો હતો. દિવસે પણ રાતનો અનુભવ થવા લાગ્યો હતો. ઘરો ઉપર થઈને વાદળો પસાર થઈ રહ્યાં હતા. તે પછી ધીમે-ધીમે વરસાદ શરૂ થયો હતો.

અરવલ્લીની ગિરિમાળાઓમાં નદીઓ અને ઝરણાઓમાં પાણીની આવક વધી છે. દાંતા તાલુકાના ગામોમાં પણ વરસાદના કારણે ખેતરો અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયું છે, જે ખેડૂતો માટે ખુશીનું કારણ બન્યું છે.

આ પણ વાંચો- જૂનાગઢના ગિરનાર પર્વત પર ભારે વરસાદ : કાશ્મીરી બાપુની જગ્યા પર ફસાયેલા 30-35 યાત્રીકોનું ફાયર બ્રિગેડે કર્યું રેસ્ક્યૂ

હવામાન વિભાગે બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાઓમાં 18થી 20 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આના પગલે જિલ્લા વહીવટે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સતર્ક રહેવા અને નદીઓ-ઝરણાઓની નજીક ન જવાની સૂચના આપી છે.

ઉલ્લેખનિય છે કે, બનાસકાંઠાના દાંતાથી લઈને અંબાજી સુધીનો વિસ્તાર ચોમાસામાં સ્વર્ગ સમાન ખીલી ઉઠે છે. આ વચ્ચે ધોધમાર વરસાદે ઝરણાઓ સાથે એક નવો જ નઝારો ઉભો કરી દીધો હતો. હવામાન વિભાગની આગાહી અનુસાર, બનાસકાંઠાના મોટા ભાગના વિસ્તારોમાં સારો એવો વરસાદ થયો છે. તો અરવલ્લી અને મહેસાણાના પણ કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ થયો હતો.

જણાવી દઈએ કે, આજે અંબાજી ખાતે મોટા પ્રમાણમાં ભક્તોની ભીડ ઉમટી પડી હતી. વરસાદ પહેલા ખુબ જ ગરમી અને ઉકળાટના કારણે ભક્તોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તો બીજી તરફ અંબાજી જવાના માર્ગમાં પણ મોટી સંખ્યામાં આવતા દર્શનાર્થીઓના કારણે ભારે ટ્રાફિક જામ લાગી ગયો હતો. આમ ગરમી અને ટ્રાફિકના જામના કારણે ભક્તોને મુશ્કેલીઓ આવી હતી. આ વચ્ચે આવી ચડેલી મેઘરાજાની સવારીએ ઠંડક આપી હતી.

આ પણ વાંચો-હવામાન વિભાગની ચેતવણી : ગુજરાત-મહારાષ્ટ્ર સહિત દેશભરમાં ભારેથી અતિભારે વરસાદ, પૂર-ભૂસ્ખલનનું જોખમ

Tags :
AmbajiBanaskanthaDantaheavyrainShaktipeeth
Next Article