VADODARA : બરોડા ડેરી બહાર ખાલી દુધની થેલીનો હાર પહેરી વિરોધ
- રાજ્યભરમાં દૂધના ભાવમાં વધારો કરાયા બાદ બરોડા ડેરી બહાર વિરોધ
- શહેર કોંગ્રેસ પ્રમુખ રૂત્વિજ જોશીની આગેવાનીમાં વિરોધ પ્રદર્શન
- બરોડા ડેરીના એમડી આવેદન પત્ર સ્વિકારવા માટે બહાર આવ્યા
- ડેરીના ચેરમેને કહ્યું, આખા ગુજરાતમાં કોંગ્રેસને માત્ર વડોદરામાં જ ભાવ વધારો લાગ્યો..!
VADODARA : આજરોજ વડોદરા શહેર કોંગ્રેસ (VADODARA CITY CONGRESS) દ્વારા બરોડા ડેરી (BARODA DAIRY) દ્વારા કરવામાં આવેલા દૂધના ભાવ વધારાને (MILK PRICE HIKE) લઇને વિરોધ નોંધાવવામાં આવ્યો છે. બરોડા ડેરી બહાર ખાલી દૂધની થેલીનો હાર પહેરીને કોંગી પ્રમુખ રૂત્વિજ જોશી સહિતના આગેવાનો પહોંચ્યા હતા. અને આ અંગે ડેરીના એમડીને રજુઆત કરવામાં આવી હતી. સાથે જ જો ભાવ વધારો પરત ખેંચવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચિંમકી પણ ઉચ્ચારી હતી.
ડેરીમાં ચૂંટણી આવી રહી છે, તે માટે ભાવ વધારો કરાયો..?
શહેર કોંગ્રેસ પ્રમુખ રૂત્વિજ જોશીએ મીડિયાને જણાવ્યું કે, પ્રજા મોંઘવારીથી પીસાઇ રહી છે. એક લિટરે રૂ. 2 નો દુધમાં ભાવ વધારો કરવામાં આવ્યો છે. હમણાં પેટ્રોલ ડિઝલ કે ઘાસચારાના ભાવમાં વધારો થયો નથી. ઘરમાં ચાર વ્યક્તિઓ હોય તો એક લિટર દુધ જોઇએ. વિચારો મહિને કેટલો બોઝ પડે. સરકારે આ ભાવ વધારો કેમ કર્યો તેમ પુછવું જોઇએ. શું બરોડા ડેરીમાં ચૂંટણી આવી રહી છે, તે માટે આ ભાવ વધારો કરવામાં આવ્યો છે, તેવો આરોપ મુકતો સવાલ પણ પુછવામાં આવ્યો છે.
પોલીસનો ચાંપતો બંદોબસ્ત રહ્યો
વધુમાં જણાવ્યું કે, અમે શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહ્યા છીએ. મેં દુધની ખાલી થેલીનો હાર પહેર્યો છે. દુધની જોડે તેની તમામ બનાવટના ભાવ વધાર્યો છે. આ સાથે જ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા લેલણ વડે થાળી વગાડીનો પોતાનો વિરોધ દર્શાવ્યો હતો. સમગ્ર વિરોધ સમયે પોલીસનો ચાંપતો બંદોબસ્ત રહ્યો હતો.
આગામી સમયમાં આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી
કોંગ્રેસના આગેવાનો બરોડા ડેરી પહોંચ્યા ત્યારે બરોડા ડેરીના એમડી અજય જોશી આવેદન પત્ર સ્વિકારવા માટે બહાર આવ્યા હતા. જ્યાં રૂત્વિજ જોશી દ્વારા ભાવ વધારો પરત ખેંચવા અંગે જણાવ્યું હતું. જો તેમ નહીં થાય તો આગામી સમયમાં આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. અત્રે નોંધનીય છે કે, બરોડા ડેરી જ નહિં પરંતુ રાજ્યની મોટા ભાગની ડેરીઓ દ્વારા દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.
પશુપાલકોને કિલો દીઠ ફેટની ચૂકવણીના ભાવમાં પણ વધારો કરાયો
આ અંગે બરોડા ડેરીના ચેરમેન દિનું મામાએ કહ્યું કે, કોંગ્રેસનો એજન્ડા કોંગ્રેસ જાણે, પરંતુ સમગ્ર ગુજરાતમાં ભાવ વધારો કરવામાં આવ્યો છે. દૂધમાં ભાવ વધારો કરવાની સાથે પશુપાલકોને કિલો દીઠ ફેટની ચૂકવણીના ભાવમાં પણ વધારો કરાયો છે. દિવસે ને દિવસે ખેડૂતોને તકલીફ પડતી હોય, હું ત્યાં સુધી કહું કે, દુધનો ભાવ ખેડૂતોને પોષાય તેમ નથી. આખો દિવસ રઝળપાટ કરીને ઘાસચારો લાવવો પડે. ગરીબો પર પશુપાલન ચાલી રહ્યું છે. આપણે દૂધની ઉત્તમ ગુણવત્તા પૂરી પાડી રહ્યા છે. પશુ 12 મહિનામાં 8 મહિના દૂધ આપે બાકીના 4 મહિના પશુને પાલવવું પડે છે. કોંગ્રેસનો વિરોધ યોગ્ય નથી. આખા ગુજરાતમાં કોંગ્રેસને માત્ર વડોદરામાં જ ભાવ વધારો લાગ્યો..!
આ પણ વાંચો --- VADODARA : ગોલ્ડન ટેમ્પલ એક્સપ્રેસમાંથી શંકાસ્પદ માંસ મળવા મામલે મોટો ખુલાસો