'મેં બાળકોને દમ તોડતા જોયા', બેંગલુરુમાં થયેલી ભાગદોડ અંગે ડીકે શિવકુમાર ભાવુક થયા
- બેંગલુરૂમાં સર્જાયેલી ઘટનામાં જીતનો માહોલ માતમમાં ફેરવાયો
- ભીડ બેકાબુ બનતા અનેકના જીવ ગયા
- ડીકે શિવકુમાર મીડિયા સમક્ષ વાત કરતા ભાવુક થઇ ગયા
Bengaluru Stampede : 18 વર્ષની લાંબી પ્રતીક્ષા બાદ IPL માં વિજેતા બનેલા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ના જશ્ન દરમિયાન ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર એકઠી થયેલી ભીડમાં ભાગદોડ મચી જતાં 11 લોકોના મોત થયા અને 40 થી વધુ લોકો ઘાયલ થયા હતા. હવે આ સમગ્ર મામલા પર પ્રતિક્રિયા આપતા કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમાર (D. K. Shivakumar) કેમેરા સામે ભાવુક થઈ ગયા હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઇ રહ્યો છે.
કાર્યક્રમ દસ મિનિટમાં પૂર્ણ કરવાનો
ડીકે શિવકુમાર ભાવુક થઈ ગયા અને કહ્યું કે, મને નાના બાળકોની ચિંતા છે. મેં જોયું કે તે 15 વર્ષના બાળકો હતા. મેં મારી પોતાની આંખોથી ઓછામાં ઓછા 10 લોકોને મરતા જોયા. કોઈ પણ પરિવાર આ દુખ સહન કરી શકે નહીં. તેમણે વધુમાં કહ્યું કે, પોલીસ કમિશનરે મને 10 મિનિટમાં કાર્યક્રમ સમાપ્ત કરવાનું કહ્યું હતું. તેણે મને કહ્યું કે, એક કે બે લોકો મૃત્યુ પામ્યા છે. આ કાર્યક્રમ દસ મિનિટમાં પૂર્ણ કરવાનો છે.
ઘટનાના બહાને રાજકારણ કરવાનો આરોપ
તેમણે આ ઘટના માટે માફી માંગી અને કહ્યું કે ભવિષ્યમાં આવી ઘટના ના બનવી જોઈએ. આ માટે કામ કરવામાં આવશે. આ સાથે તેમણે ભાજપ પર આ ઘટનાના બહાને રાજકારણ કરવાનો આરોપ પણ લગાવ્યો છે.
તેઓ કેટલા મૃતદેહો પર રાજકારણ કરે છે
આ સમગ્ર ઘટના પર ભાજપની પ્રતિક્રિયા અંગે તેમણે કહ્યું કે આપણે આમાંથી વહીવટી પાઠ શીખવા જોઈએ. વિપક્ષને મૃતદેહો પર રાજકારણ કરવા દો. હું જોઈશ કે તેઓ કેટલા મૃતદેહો પર રાજકારણ કરે છે. પણ નાના બાળકોને જોઈને મને દુઃખ થયું. મેં તેમનું દુઃખ જોયું.
ઘટનાની પુષ્ટિ કરી શકતા નથી
તમને જણાવી દઈએ કે, જ્યારે શિવકુમારને બુધવારે થયેલી ભાગદોડ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે શરૂઆતમાં કહ્યું હતું કે, તેઓ આ ઘટનાની પુષ્ટિ કરી શકતા નથી અને આ સંદર્ભમાં અપડેટ્સ માટે તેઓ ટૂંક સમયમાં સ્ટેડિયમની મુલાકાત લેશે.
આ પણ વાંચો --- Virat Kohli on Bengaluru stampede : 'મારી પાસે કહેવા માટે શબ્દો નથી...', કોહલીએ પોસ્ટ શેર કરી આપી પ્રતિક્રિયા