બિહારમાં ચૂંટણી પહેલા જ કોંગ્રેસમાં ટિકિટ વહેંચણી મામલે બબાલ, આ દિગ્ગજ નેતાએ આપ્યું રાજીનામું
- Bihar Congress : બિહારમાં કોંગ્રેસમાં ટિકિટ વહેંચણી મામલે ભારે બબાલ
- કોંગ્રેસના આનંદ માધવએ લગાવ્યા ટિકિટ વહેંચણી મામલે આરોપ
- આનંદ માધવે પાર્ટીના તમામ પદો પરથી રાજીનામું આપવાની કરી જાહેરાત
બિહાર વિધાનસભા ચૂંટણી માટે ટિકિટ વિતરણને લઈને કોંગ્રેસ પાર્ટીમાં મોટો બળવો ફાટી નીકળ્યો છે. કોંગ્રેસ રિસર્ચ સેલના અધ્યક્ષ અને પ્રવક્તા આનંદ માધવ, ધારાસભ્ય છત્રપતિ યાદવ, પૂર્વ ધારાસભ્યો ગજાનંદ શાહી, સુધીર કુમાર ઉર્ફે બંટી ચૌધરી સહિત એક ડઝનથી વધુ વરિષ્ઠ નેતાઓએ પક્ષ પર ટિકિટ વહેંચણીમાં પૈસાની શક્તિ, પક્ષપાત અને ભલામણનો ગંભીર આરોપ લગાવ્યો છે.
Bihar Congress : ટિકિટ મામલે બબાલ
શનિવારે પટણામાં યોજાયેલી સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં આ બળવાખોર નેતાઓએ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ રાજેશ રામ, રાજ્ય પ્રભારી કૃષ્ણા અલ્લવારુ અને વિધાનસભા પક્ષના નેતા શકીલ અહેમદ ખાનને વચેટિયા ગણાવ્યા હતા. નેતાઓએ આરોપ લગાવ્યો કે આ ત્રિપુટીએ ટિકિટ વિતરણમાં મોટા પાયે ગોટાળા કર્યા છે અને કોંગ્રેસના ટોચના નેતૃત્વ, ખાસ કરીને રાહુલ ગાંધીને ગેરમાર્ગે દોરીને તેમની શક્તિને નબળી પાડવાનું કામ કરી રહ્યા છે. આનંદ માધવે કહ્યું કે, મહેનતુ અને પાયાના કાર્યકરોને અવગણીને માત્ર પૈસા અને ભલામણ ધરાવતા લોકોને જ ટિકિટો આપીને પ્રભારી અને પ્રદેશ પ્રમુખે રાહુલ ગાંધીની સૂચનાઓને અવગણી છે.
Bihar Congress : આનંદ માધવે પાર્ટીના તમા પદેથી આપ્યું રાજીનામું
આ બળવા દરમિયાન કોંગ્રેસના પ્રવક્તા અને સંશોધન વિભાગના અધ્યક્ષ આનંદ માધવે પાર્ટીના તમામ પદો પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. તેમણે રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને લખેલા પત્રમાં જણાવ્યું કે 2015 થી સંઘર્ષ કરવા છતાં, તેઓ કેટલાક વ્યક્તિઓના અહંકારને સંતોષી શક્યા નથી. આ વખતે ટિકિટ નકારવામાં આવેલા ધારાસભ્ય છત્રપતિ યાદવે આરોપ લગાવ્યો કે પ્રભારી અલ્લાવારુ અને શકીલ અહેમદ ખાને ટિકિટ વેચવા માટે એક સિન્ડિકેટ બનાવ્યું હતું. પૂર્વ ધારાસભ્ય ગજાનંદ શાહીએ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે "પાર્ટી ઓફિસ દલાલોનો અડ્ડો બની ગઈ છે," જ્યાં વફાદારી નહીં પણ પૈસાનો દબદબો છે. નેતાઓએ માંગ કરી છે કે આ કથિત દલાલીની તપાસ થાય અને ટૂંક સમયમાં જ પુરાવાઓ સાથેનું પ્રતિનિધિમંડળ દિલ્હીમાં હાઇકમાન્ડને સંપૂર્ણ રિપોર્ટ સુપરત કરશે. જો કોઈ કાર્યવાહી નહીં થાય, તો તેઓ સંગઠનાત્મક આંદોલન શરૂ કરશે.
આ પણ વાંચો: કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે અમેરિકા ટેરિફ મામલે આપ્યું આ મોટું નિવેદન,જાણો શું કહ્યું....!