છત્તીસગઢના બિલાસપુરમાં પેસેન્જર અને માલગાડી ટ્રેન વચ્ચે મોટો અકસ્માત, અનેક લોકોના મોતની આશંકા!
- છત્તીસગઢના બિલાસપુરમાં મોટી રેલ દુર્ઘટના
- માલગાડી અને પેસેન્જર ટ્રેન સામસામે ટકરાઇ
- આ રેલ અકસ્માતમાં 6 લોકોના હાલ મોત થયા છે
- અકસ્માતમાં મૃત્યુઆંક વધવાની સંભાવના છે
છત્તીસગઢના બિલાસપુર જિલ્લામાં મંગળવારે સાંજે એક મોટી રેલ દુર્ઘટના સર્જાઇ છે. આજે સાંજે લગભગ 4 વાગ્યે બિલાસપુરમાં એક પેસેન્જર ટ્રેન અને માલગાડી સામસામે ધડાકેભેર સામસામે અથડાતા અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં હાલ 6 મુસાફરોના મોતના સમાચાર સામે આવ્યા છે. મૃત્યુઆંક વધી શકે છે. પેસેન્જર ટ્રેન વિરુદ્ધ દિશામાંથી આવતી માલગાડી સાથે અથડાતા આ અકસ્માત સર્જાયો, બચાવ કામગીરી હાલ પૂરજોશમાં ચાલી રહી છે.
Bilaspur train accident: આ રેલ દુર્ઘટનામાં 6 લોકોના મોત
પ્રારંભિક અહેવાલો મુજબ, આ ગંભીર અથડામણમાં 6 જેટલા મુસાફરોના મોતની આશંકા છે, જ્યારે ડઝનથી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના સમાચાર છે. જોકે, રેલવે અધિકારીઓએ શરૂઆતમાં માત્ર બે ઘાયલોની પુષ્ટિ કરી હતી, પરંતુ રાહત અને બચાવ કામગીરી આગળ વધતા જાનહાનિનો આંકડો વધવાની ભીતિ છે.ટક્કર એટલી જોરદાર હતી કે પેસેન્જર ટ્રેનનો એક કોચ (ડબ્બો) માલગાડીના વેગન પર ચઢી ગયો હતો. આ સિવાય પેસેન્જર ટ્રેનના ઘણા ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા અને ગંભીર રીતે નુકસાન પામ્યા હતા.
Bilaspur train accident: બે ટ્રેન સામસામે અથડાતા સર્જાયો મોટો અકસ્માત
અકસ્માતની જાણ થતાં જ રેલવેની બચાવ ટીમો, આરપીએફ, સ્થાનિક પોલીસ અને ઇમરજન્સી મેડિકલ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. યુદ્ધના ધોરણે બચાવ અને રાહત કામગીરી શરૂ કરવામાં આવી છે. ઘાયલોને તાત્કાલિક નજીકની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમના માટે વિશેષ વોર્ડ તૈયાર કરાયા છે.આ અકસ્માતને કારણે ઓવરહેડ વાયરિંગ અને સિગ્નલિંગ સિસ્ટમને ભારે નુકસાન થતાં બિલાસપુર-કટની રૂટ પરનો રેલ વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે. રેલવેએ ઘણી ટ્રેનો રદ કરી છે અથવા તેના માર્ગો બદલ્યા છે. રેલવે દ્વારા મુસાફરોની મદદ માટે હેલ્પલાઈન નંબરો પણ જાહેર કરવામાં આવ્યા છે.અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે. પ્રારંભિક તપાસમાં સિગ્નલિંગમાં ખામી કે માનવીય ભૂલની શક્યતા જોવાઈ રહી છે.
આ પણ વાંચો: JDUના નેતા લલ્લન સિંહના વિવાદાસ્પદ નિવેદનથી ભારે હોબાળો થતા નોંધાઇ ફરિયાદ