ગુજરાતમાં બિપરજોય ત્રાટક્યું; અનેક વિસ્તારોમાં રસ્તા બંધ, કચ્છમાં હાહાકાર!
ગુજરાતમાં સુપર સાયક્લોન બાયપરજોય જેમ જેમ આગળ વધી રહ્યું છે તેમ તેમ તેની અસર વધુ તીવ્ર બની રહી છે. ચક્રવાતી તોફાન બિપરજોય આજે (15 જૂન) તબાહી સર્જે તેવી સંભાવના વચ્ચે 8 રાજ્યોમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે. નેવી, એરફોર્સ, આર્મી, એનડીઆરએફ સહિત તમામ સુરક્ષા એજન્સીઓ તૈયાર છે. 74 હજારથી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે.
વાવાઝોડું ટકરાતા જ જુઓ કેવા થયા હાલ?
- વાવાઝોડું જખૌ પોર્ટથી 30 કિમી, કચ્છના નલિયાથી 70 કિમી, દ્વારકાથી 110 કિમી દૂર છે.
- જખૌ તેમજ નલિયામાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો
- અનેક ઠેકાણે મોબાઈલના ટાવર ધરાશાયી
- તડાવ-લોદ્રાણી ગામમાં ધોધમાર વરસાદને કારણે પાણી ભરાયા
- કચ્છના તમામ વિસ્તારોમાં ભયંકર પવન
- માંડવી, કંડલા, મુંદ્રા અને ગાંધીધામમાં ભારે પવન ફૂંકાયો
- પોરબંદરમાં 60-70 કિ.મીની ઝડપે પવન ફૂંકાવાનો શરૂ
- દરિયાકિનારે ઊંચા મોજા ઉછળવાના શરૂ
- પવનની ગતિ અને તીવ્રતામાં ભારે વધારો
- સૌરાષ્ટ્રમાં પવનના સુસવાટા સાથે વરસાદ શરૂ
- જામનગર જિલ્લામાં 61 વૃક્ષો ધરાશાયી
ચક્રવાત બિપરજોયનું કચ્છમાં લેન્ડફોલ શરૂ થયું છે. આ દરમિયાન 115-125 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. હાલ સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગના મહાનિર્દેશક ડૉ. મૃત્યુંજય મહાપાત્રાના જણાવ્યા અનુસાર, લેન્ડફોલ મધ્યરાત્રિ સુધી ચાલુ રહેશે. આ પછી વાવાઝોડું નબળું પડીને રાજસ્થાન તરફ વળશે.
ચક્રવાતની ધીમી ગતિને કારણે લેન્ડફોલની પ્રક્રિયામાં લાગી રહ્યો છે સમય
ચક્રવાત બિપરજોયનું લેન્ડફોલ કચ્છના દરિયાકાંઠે શરૂ થઈ ગયું છે. હાલમાં 115 થી 125 કિમીની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. જોકે, લેન્ડફોલ સમયે 150 કિમીની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી હતી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચક્રવાતની ધીમી પ્રગતિને કારણે આ પ્રક્રિયામાં ઘણો સમય લાગી રહ્યો છે.
આપણ વાંચો -લેન્ડફોલ થતાં જ બિપોરજોય બન્યું ખતરનાક…!